Friday, January 23, 2026
મણકો.૧ ગલબાકાકાના જીવનનો એકડો...
ગલબાકાકાના જીવનનો એકડો
ગુજરાતના ઉત્તર સરહદે આવેલો રણપ્રદેશથી ઘેરાયેલ ઓછો પાણીદાર વિસ્તાર ધરાવતો જિલ્લો એટલે બનાસકાંઠા. ઉત્તર ગુજરાતના બનાસ વિસ્તાર ભૌગોલિક રીતે વિષમતા ખરી પણ! અહીંના મનેખ પરિશ્રમી, કુદરતની વચ્ચે રહેનાર, ખમીરવંતા, જીવનની થપાટો ખાઈને બેઠા થનાર, પાણીદાર, માયાળુ. બનાસે અનેક પ્રતિભાવંતી વ્યકિતઓ આપ્યા છે, એમાનાં એક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ (ગલબાકાકા).
બનાસકાંઠા જિલ્લાના સુકા, ભઠ્ઠ પ્રદેશમાં રણની વચ્ચે ક્યાંક મીઠાં પાણીનું ખાબોચિયું નજરે પડે અને તરસેલા હૃદયને જે ટાઢક મળે, એવી જ ટાઢક ગલબાકાકાના કાર્યોથી બનાસના જનમાનસને મળી હશે—એવું કહું તો અતિશયોક્તિ નહીં થાય.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું નળાસર ગામમાં એક મધ્યમવર્ગીય ખેડૂત પરિવાર. વર્ષો સુધી આ પરિવારમાં સંતાનની ખોટ રહી. અનેક શ્રદ્ધાઓ, બાધાઓ અને માનતાઓ પછી ઘરમાં એક ચિરાગ પ્રગટ્યો - એ ચિરાગ આપણા સ્વ. ગલબાકાકા. પિતા નાનજીભાઈ અને માતા હેમાબાઈના ઘરે વર્ષો પછી બાળકિલોલની કિલકારીઓ ગુંજી. એ દિવસ હતો ઈ.સ. 1918. જે ઘરમાં તેમનો જન્મ થયો, એ ઘર કાચાં દેશી નળિયાંનું અને ગારાથી લિપાયેલ ભીતો ધરાવતું હતું. માતા-પિતા સાદગીપૂર્ણ અને પરિશ્રમી જીવન જીવતા.
પરંતુ વિધિના લખેલા લેખ કંઈ ભૂંસાઈ થોડાં જાય… આ નાનકડા બાળને ક્યાં ખબર હતી કે તેને પિતાની છત્રછાયાનું સુખ લાંબો સમય મળશે નહીં. બે વર્ષના નાનાં ગલબાને પિતા સાથે પોતાના સ્વપ્નોની વાતો કરવાની બાકી હતી, ત્યાં તો પિતા નાનજીભાઈ બાળકને બે વર્ષનો મૂકીને અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. ઘરમાં એક તરફ નાનાં બાળકનું રુદન અને બીજી તરફ માતાના રુદનના ડૂસકાં. જાણે કાચી માટીની ભીંતો પણ ડૂસકાં લેતી હોય એવો આભાસ થતો.
સમગ્ર જવાબદારી હેમાબાઈ પર આવી;એક તરફ બાળકના ઉછેરની જવાબદારી અને બીજી તરફ પતિના અવસાનનું અસહ્ય દુઃખ. આ બધું હેમાબાઈથી સહન ન થયું અને છ માસમાં જ તેમનું પણ પરલોકગમન થયું.
માતા-પિતાની છત્રછાયા ગુમાવેલા ગલબાના ઉછેરની જવાબદારી તેમના કાકા દલુભાઈ અને કાકી મેનાકાકીએ સંભાળી. દલુકાકાએ પિતાસમાન પ્રેમ અને મેનાકાકીએ માતાસમાન હૂંફ આપી પોતાના દીકરાની જેમ ગલબાનો ઉછેર કર્યો. દશ વર્ષ સુધી ગલબો દલુકાકાની છત્રછાયામાં મોટો થયો.
એ સમયે નળાસરમાં કોઈ નિહાળ (શાળા) નહોતી, એટલે ભણવાની કોઈ વ્યવસ્થા ન હતી. નાનકડો ગલબો દલુકાકાના ઢોર લઈને નવસારીમાં ચરાવવા જતો. પરંતુ ગલબાનું મન ઢોર ચરાવવામાં ચોંટતું નહીં. તેના મનમાં કંઈક અલગ જ સ્વપ્નો રાચતાં. તેને તો એકડાનું ગણિત ગણવું હતું, પરંતુ જીવનની થપાટોમાં અનેક દાખલાઓ ગણવા પડતાં—સરવાળા અને બાદબાકીઓ જીવન સાથે કરવી પડતી.
નવસારીમાં ઢોર ચરાવતા ચરાવતા ગલબો પોતાના અધૂરાં સ્વપ્નો સાથે વાતો કરતો. એ સમયે ગામમાંથી બીજા બાળકો પણ ઢોર ચરાવવા આવતા. તેમાં ગલબાભારથી નામનો એક પારખું બાળક હતો. ગલબાભારથીએ ગલબાના મનની વાત જાણી લીધી. ગલબાને બે-ચાર ચોપડી ભણીને જીવનમાં કંઈક કરવાનો કોડ હતો. ગલબાભારથીએ કહ્યું, “કાલથી હું તને એકડા શીખવાડીશ.”
આખા નળાસર ગામમાં કોઈ નિહાળ નહોતી. ગલબાભારથી તેના મામાના ત્યાં પાંચ પાટી સુધી ભણેલો એકમાત્ર છોકરો હતો.
બીજા દિવસથી ગલબાભારથી અને ગલબો સાથે નવસારીમાં ઢોર ચરાવવા એક જ જગ્યાએ જવા લાગ્યા. ઢોરોને રેઢાં મૂકી, બંને નવસારીની રેતીમાં ઝાડની છાંયામાં આંગળીથી જીવનનો એકડો માંડતા. આ દ્રશ્ય જાણે પ્રકૃતિની દિશા બદલી નાખનારું હતું—કોઈ ઋષિના આશ્રમમાં ગુરુ શિષ્યને શીખવતા હોય એવું.
નવસારીમાં પંખીઓના કલરવ વચ્ચે દલિત મિત્ર ગલબાભારથીના હાથે ગલબો જીવનનો એકડો ધુટે છે. બસ! આ દિવસથી ગલબાને ભણવાનો કોડ વધે છે, સ્વપ્નો જાગે છે, ઉમેરાય છે અને નિયમિત રીતે ઢોર ચરાવતા ચરાવતા ગુરુ-શિષ્યની જેમ જીવનનાં અક્ષરો શીખવા લાગે છે.
(તસ્વીર...પ્રતિકાત્મક બનાવેલ છે.)
ઢોર ચરાવવાની દૈનિક પ્રવૃત્તિ વચ્ચે પણ ગલબાને ભણવામાં અત્યંત રસ હતો. તેની આંખોમાં હંમેશાં કંઈક શીખવાની ઝંખના ઝળહળતી. દલુકાકાએ આ વાત વહેલી તકે પારખી લીધી હતી. ગલબાનું કુમળું શરીર જોઈને તેઓ ઘણીવાર મનમાં વિચારો ઘડે અને ભાંગે—
“આ છોકરાથી ખેતીનું કઠિન કામ તો નહીં થાય… પણ જો બે-ચાર ચોપડીઓ ભણાવીએ તો કદાચ જીવનમાં કંઈક કામ લાગશે.”
આ વિચારથી પ્રેરાઈને દલુકાકાએ ગલબાને દશ વર્ષની ઉંમરે બાજુના ગામ મજાદરની શાળામાં દાખલ કરાવ્યો. તે સમયે મજાદરમાં માત્ર બે ધોરણ સુધીની જ શાળા હતી, અને ગલબાએ ત્યાં બે ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો.
પછી આગળ ભણવાની વાત આવી. નજીકમાં કોઈ નિશાળ નહોતી. ગલબાના ભવિષ્ય માટે દલુકાકાએ એક કઠિન નિર્ણય લીધો. તેમણે ગલબાને આગળ ભણાવવા માટે પોમાળ ખાતે તેની માસીના ઘરે મોકલવાનો નક્કી કર્યો.
મુળી માસી વાસણ ગામના રહેવાસી હતા અને નિશાળ કાણોદર ખાતે હતી. વાસણથી કાણોદર સુધી રોજ દોઢ-બે કિલોમીટર પગપાળા જવું પડતું.
મુળી માસીના ઘરે રહેવા જતા ગલબાએ હવે દલુકાકા અને મેનાકાકીને પણ ભારે મને છોડી દેવા પડ્યા. બાળહૃદયમાં આ વિયોગ સહેલો નહોતો, છતાં ભણવાની લાલસા વધુ મોટી હતી.
આ રીતે, માત્ર બાર વર્ષની નાની ઉંમરે, ગલબા ભાઈએ પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી—આગળ ભણવા માટે, સપનાઓ સાકાર કરવા માટે, મુળી માસીના ઘરે જવાનું નક્કી કર્યું.
નોંધ- આપ આ લેખ વાંચ્યા બાદ આપના પ્રતિભાવો, વિચારો કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપશો.)
(ક્રમશ... બીજા મણકામાં... આવતાં સપ્તાહે)
(આભારી- સંદર્ભ : ગલબાભાઈ સ્મૃતિગ્રંથ , સંપાદક -રધુવીર ચૌધરી , ૪ ફેબ્રુઆરી ૧૯૭૯)
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment