Showing posts with label નવલકથા. Show all posts
Showing posts with label નવલકથા. Show all posts

Friday, December 13, 2019

જીવતરમાં આગ (લઘુકથા).... ભરત મકવાણા

જીવતરમાં આગ (લઘુકથા)

                   ગીતાએ એની સાસુ ચંપા સામે ખાવાનું  વાસણ પછાડતાં કહ્યુ; 'લે, ખાવું હોય તો ખા, નહીં તો જા..........' એવો આક્રોશ  ઠાલવતાં ઠાલવતાં રસોડામાં ગઇ. રસોડામાંથી સરસ વાનગીની સુગંધ આવતાં ડોશી તરત બેઠી થઈ અને મનમાં હરખાઈ અને બોલી; આજે કાંઇક સરસ વાનગી બનાવી લાગે છે,ચાલ થોડું મોં મીઠું કરી લઉં.એમ વિચારી ડોશીએ જેવો ડબ્બો ખોલ્યો અને એમાંથી નીકળ્યું સવારે બનાવેલું બટાકાનું ઠંડું  શાક અને સૂકો બાજરીનો રોટલો. ડોશીએ હતાશા અને નિરાશા સાથે ખાવાનું બાજુમાં મુકી દીધું અને ખાટલામાં આડા પડ્યા.
                  એવામાં એમની નાની પૌત્રી હાથમાં મીઠાઇનાં ટુકડા લઇને દાદી પાસે આવી અને બોલી; દાદી... દાદી.... જુવો!આજે મારી મમ્મી એ શું બનાવ્યું છે? તમે ખાધું ને? દાદીએ દિકરીને માથે હાથ ફેરવતાં ફેરવતાં બોખા સ્મિત સાથે કહ્યુ; હા બેટા, મેં તો ખાધું હો. હવે તું ખા. 
                   'ના, મારા હાથે તો થોડું ખાવું જ પડશે' એમ કહીને દીકરીએ દાદીનાં મોઢામાં મીઠાઈનો નાનો ટુકડો મૂક્યો અને દિકરી રાજીની રેડ થઈ ગઈ.
                 એવામાં તરત એમનાં દીકરાની વહુ ગીતા આવી.અને દીકરીને દૂર હડસેલીને ડોશી સામે ડોળા કાઢી બોલવા લાગી; તને ખાવાનું આપ્યું છે તોય મારી દિકરી પાસેથી ઝુટવી લે છે. ભુખડી....શરમ વગરની!
                 દીકરીને ઘરમાં જઇને ફટકારી અને ધમકી આપી; ખબરદાર! જો ડોશી પાસે ગઇ છે તો.હાડકાં ભાંગી નાખીશ!
                દિકરો પણ માં પાસે આવીને બોલવા લાગ્યો; તું કેમ અમારું લોહી પીવે છે? ખાવા પીવાનું મળે છે તો પડી રે ને છાની માની.શા માટે અમારાં જીવતરમાં આગ લગાડે છે...
                 માં અશ્રુભીની આંખે બે હાથ જોડીને બોલી; હા બેટા,હવે નહીં લગાડૂ તારા જીવતરમાં આગ.....હવે નહીં લગાડૂ તારા જીવતરમાં આગ...એમ બબડતી બબડતી માં ખાટલામાં પોઢી ગઇ......સદાયને માટે....

                            ભરત મકવાણા
                           શ્રી અને શ્રીમતી પી.કે.કોટા વાલા આર્ટ્સ કૉલેજ,પાટણ.
                            મો.નં. 81530 57234