Wednesday, April 22, 2020

“વિશ્વ પુસ્તક દિન” ...


“વિશ્વ પુસ્તક દિન” ... 



મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેકસપિયરનો જન્મ ૨૩ મી એપ્રિલે થયો હતો અને એ જ દિવસે તેઓ અવસાન પામ્યા હતા.



આથી યુનેસ્કો દ્વારા ૧૯૨૫ થી દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કર્યું છે. આજના દિવસને સાથો સાથ વિશ્વ કોપીરાઈટ દિવસ તરીકે પણ ઉજવાય છે. માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે, અને લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની જાગૃતિ આવે એ વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનો હેતુ છે.

સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિનની ઉજવણીમાં પ્રકાશકો પણ ભાગ લે છે, અને લેખકો પ્રત્યેની તેમની લાગણી પ્રદર્શિત કરે છે. ભારતમાં અગ્રગણ્ય લાઇબ્રેરીઓ દ્વારા વાંચન પ્રત્યેની રૂચિ વધારતા કાર્યક્રમો યોજવામાં આવે છે. આજે ટી.વી., કોપ્યુટર, ડીવીડી તેમ જ ઇન્ટર જેવાં ઉપકરણોનો વપરાશ વધ્યો છે એથી પુસ્તકો ખરીદીને વાંચવાની વૃતિ જો કે ઘટી હોય એમ જણાય છે. એમ છતાં પુસ્તકોની અગત્યતા તો સદા રહેવાની જ છે. આજે પુસ્તકોનાં મોટા પ્રમાણમાં પ્રકાશનો થતાં રહે છે  અને આજે પણ ઘણા પુસ્તક લેખકોનાં પુસ્તકો બેસ્ટ સેલર તરીકે પોંખાય છે. નોબેલ તેમજ પુલિત્ઝર જેવાં વિશ્વ માન્ય પુરસ્કારોથી લેખકોનું સન્માન કરવામાં આવે છે. જ્યારે કાગળની શોધ થઇ ન હતી ત્યારે પણ આપણો અમર આધ્યાત્મિક વારસો તામ્ર પત્રોમાં સચવાયો છે. ગુજરાતમાં ગુજરાતી ભાષાના લેખકોની આગેવાની નીચે "વાંચે ગુજરાત " નામે પુસ્તકોના પ્રચાર માટેની ઝુંબેશ ચલાવવામાં આવી હતી એનું સ્મરણ થાય છે . એ વખતે ડૉ. ગુણવંત શાહે એક સુંદર સુચન કર્યું હતું કે કોઈના લગ્નપ્રસંગે, મેરેજ એનિવર્સરી જેવા પ્રત્યેક નાના-મોટા પ્રસંગે  આપને જે ભેટસોગાદ આપીએ છીએ એને બદલે કોઈ સારું મનગમતું પુસ્તક ભેટમાં આપવાની પ્રથા ચાલુ થાય એ ખુબ જરૂરી છે.

જ્ઞાન વધારવા માટે પુસ્તકોનું વાંચન એ એક મહત્ત્વનો આધાર છે. માનવ જાતીએ મેળવેલું બધું જ જ્ઞાન પુસ્તકોમાં ભરેલું છે. જ્યારથી લખવા અને છાપવાની શરૂઆત થઈ ત્યારથી માનવ દ્વારા મેળવેલું જ્ઞાન લિપિબદ્ધ કરીને સંગ્રહ કરવામાં આવે છે.

મિલ્ટને કહ્યું છે કે “ પુસ્તકોમાં આત્માનું જીવન છે, કેમ કે, એમાં જીવનનો વિચાર સાર રહેલો છે.” ગ્રંથો સજીવ છે એટલે જ મિલ્ટને એમ પણ કહ્યું છે, “પુસ્તકોમાં આત્મા હોય છે. સંદગ્રંથોને કદી નાશ થતો નથી.”

સિસરોએ કહ્યું છે, “ ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે.” એટલે કે ઉત્તમ પુસ્તકોને અભાવે મનુષ્ય જ્ઞાનથી વંચિત રહે છે. જ્ઞાન વગરનું જીવન મડદા જેવું નકામું હોય છે.

પ્રગતિશીલ જીવન માટે પુસ્તકોનો સાથ ઘણો જરૂરી છે, કેમ કે પુસ્તકો દ્વારા જ જીવનનું માર્ગદર્શન અને પ્રેરણાપ્રકાશ મળે છે. ઉત્તમ પુસ્તકોમાં ઉચ્ચ વિચારો હોય છે. ઉત્તમ વિચાર, ઉચ્ચ ભાવનાઓ અને કલ્પનાઓ જ્યાં હોય છે, ત્યાં સ્વર્ગ છે. લોકમાન્ય તિલકે કહ્યું છે, “ હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.” સ્વર્ગનું અસ્તિત્વ કોઈએ જોયું નથી. મનુષ્યની ઉચ્ચ માનસિક સ્થિતિ કે જે ઉત્તમ વિચારોનું ફળ છે, તે જ સ્વર્ગ છે. ઉત્તમ પુસ્તકોનું સાનિધ્ય મનુષ્યની બુદ્ધિને જ્યાં પ્રાપ્ત થાય છે ત્યાં એને સ્વર્ગની અનુભૂતિ થવા લાગે છે.

સાચો સ્વાર્થ રહિત આત્મીય મિત્ર મળવો મુશ્કેલ છે. સારાં પુસ્તકો સહેજે આપણાં મિત્ર બની શકે છે. તેઓ આપણને સાચો રસ્તો બતાવે છે, જીવનપંથ પર આગળ વધવામાં આપણને સાથ આપે છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે, “ સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. ”

પુસ્તકો મનને એકાગ્ર કરવા અને સંયમિત બનાવવા માટેનાં સરળ સાધન છે. અભ્યાસ કરતાં કરતાં મનુષ્ય જીવનની સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એકવાર લોકમાન્ય તિલકનું ઓપરેશન થઈ રહ્યું હતું, એને માટે એમને ક્લોરોફોર્મ સૂંઘાડીને બેભાન કરવાના હતા, પરંતુ એને માટે તેમણે ડૉકટરને ના પાડી અને કહ્યું, “ મને એક ગીતાનું પુસ્તક લાવી આપો હું એને વાંચતો રહીશ અને તમે ઓપરેશન કરી નાંખજો. ગીતા લાવી આપવામાં આવી. લોકમાન્ય એનો અભ્યાસ કરવામાં એવા તલ્લીન બની ગયા કે ડૉકટરોએ ઑપરેશન કર્યું ત્યાં સુધી જરા પણ હાલ્યા પણ નહીં તેમજ તેમને જરાય દુ:ખ માલુમ પડ્યું નહીં. પુસ્તકો વાંચવામાં આવી એકાગ્રતા થાય છે, જે લાંબી યોગ સાધનાઓ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાતી નથી.

યાદ રાખો કે પુસ્તકો જાગૃત દેવતા છે, એના અધ્યયન, ચિંતન, મનન દ્વારા, પૂજા કરીને તરત વરદાન મેળવી શકાય છે. આથી આપણે નિયમિત સદ્દગ્રંથો વાંચતા રહેવું જોઈએ. ઉત્તમ પુસ્તકોના એકાગ્રપૂર્વક વાંચનને જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ.

                      ઈન્ટરનેટ ના માધ્યમથી માહિતી પ્રાપ્ત... 

No comments:

Post a Comment