Sunday, June 27, 2021

અજવાસ:- અનુપમ વ્યક્તિત્વની ધરોહર ડૉ. જી. એન.ચૌધરી

" *અનુપમ વ્યક્તિત્વની ધરોહર ડૉ. જી. એન.ચૌધરી"* સમગ્ર ગુજરાતમાં કૃષિ અને પશુપાલનના વ્યવસાયના કારણે કૃષિપાકો અને દૂધના ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતો અમારો બનાસકાંઠા જિલ્લો ગુજરાતની સરહદે આવેલો છે. જુદા જુદા પહેરવેશ અને જુદા જુદા રીતરિવાજો ધરાવતા જનસમુદાય વાળા બનાસકાંઠા જિલ્લાએ હજુ ભાતીગળ સંસ્કૃતિને જાળવીને લોકો હળીમળીને રહે છે. બનાસકાંઠા જિલ્લાના લોકોના ભાવને સમજનાર , જિલ્લાના લોકોને ખૂબ ભાવપ્રેમ આપનાર , બનાસકાંઠા ને દિલથી *' મારો બનાસકાંઠો'* માનનાર ગુજરાતના શિક્ષણ વિભાગના એક અધિકારી ઇ.સ.2015 થી ઇ.સ.2018 વચ્ચે બનાસકાંઠા જિલ્લાને મળ્યા. જેમને અને તેમના કામને જિલ્લો ક્યારેય ભૂલી નહીં શકે. પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેજીની સ્વાધ્યાય પ્રવૃત્તિને પોતાનો જીવનમંત્ર બનાવીને ઋષિના રાહે ચાલનાર શિક્ષણસેવાના નાયબ નિયામક કક્ષાના ઉચ્ચ અધિકારી ડૉ. ગણેશભાઈ નાથુભાઈ ચૌધરી જેમને તેમનો ચાહક વર્ગ ડૉ. જી.એન.ચૌધરી સાહેબના નામથી પ્રેમથી, સન્માનપૂર્વક યાદ કરે છે તેવા એક અનુપમ વ્યક્તિત્વની વાત આપને કરતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના મરેડા ગામના, કૃષિ અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા નાથુભા અને ડાહીમાના ઘરે ડૉ. ગણેશભાઈ ચૌધરીનો ઇ.સ. 1960 ની સાલમાં જન્મ થયો . આર્થિક સંકડાશ વચ્ચે પણ માતા પિતાએ તેમનામાં સંસ્કારોનું સિંચન કર્યું છે. બાપળા બિચારા નહીં પણ તેજસ્વી જીવન જીવવાના પાઠો તેમની માતૃશ્રી ડાહીમાએ નાનપણથી શીખવ્યા છે. પૂજ્ય દાદાજીની સ્વાધ્યાય પ્રવૃત્તિ મળતાં તેમના જીવનમાં પ્રામાણિકતા, નમ્રતા, વિવેક, દક્ષતા,સરળતા જેવા ગુણોનું સંવર્ધન થયું છે. તેમના વિચારો ખૂબ ઊંચકોટીના હોવા છતાં અમારા જિલ્લાના શિક્ષકમિત્રો સાથેનો તેમનો વ્યવહાર ખૂબજ સરળ અને પ્રેમાળ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષણનું પછાતપણું દૂર કરવા DPEP -જિલ્લા પ્રાથમિક શિક્ષણ સુધારણા કાર્યક્રમ જેવા ઘણા કાર્યક્રમો સરકારશ્રી દ્વારા હાથ ધરાયા છે. ઘણી સરકારી ગ્રાન્ટનો ઉપયોગ થયો છે પણ ઇ.સ. 2015 થી ઇ.સ. 2018 વચ્ચે ડૉ જી.એન.ચૌધરી સાહેબ દ્વારા અમલમાં મુકાયેલ અનુપમશાળા પ્રોજેકટની સફળતાઓ ઉડીને આંખે વળગે તેવી છે. કોઈપણ જાતના સરકારી અનુદાનનો ઉપયોગ ન કરતાં કરોડો રૂપિયાનો લોક સહયોગ મેળવી બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓને શૈક્ષણિક અને ભૌતિક રીતે અદ્યતન બનાવવા માટે અનુપમશાળા પ્રોજેકટ માં થયેલા પ્રયત્નો માટે ડૉ. જી.એન.ચૌધરી સાહેબને જિલ્લો હંમેશાં યાદ કરશે.
ઇ.સ. 2015ના જૂન માસની ત્રીજી તારીખે સાહેબે બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષણની યુનિવર્સિટી ગણાતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વડા, પ્રાચાર્ય - નાયબ નિયામક તરીકે પદભાર સંભાળ્યાના બીજાજ દિવસે બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ સુધારણાની સિધ્ધીઓના માપન માટે થયેલા ગુણોત્સવ,એચિવમેન્ટ સર્વે જેવા વિવિધ સંશોધનોનો અભ્યાસ કરી જિલ્લાની સ્થિતિ જાણી લીધી. સ્થિતિ જાણીને ડૉ. જી.એન.ચૌધરી એ મનોમન બે સંકલ્પ કર્યા. 1. બનાસકાંઠા જિલ્લાની E ,D અને C ગ્રેડની શાળાઓમાંથી મહત્તમ શાળાઓને A કે B ગ્રેડમાં લઈ જવી. 2. ગુણોત્સવના પરિણામોથી સંતોષ ન માનતા શાળા શૈક્ષણિક, ભૌતિક પર્યાવરણ અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓની બાબતમાં ઉત્તમ બને એ માટે જિલ્લાની મહત્તમ શાળાઓને અનુપમ શાળા પ્રોજેકટ સાથે જોડીને અનુપમ શાળા બનાવવી. જિલ્લાની કોઈ શાળા નિમ્નસ્તરે ન રહે અને જિલ્લાની કેટલીક શાળાઓ શૈક્ષણિક અને ભૌતિકરીતે અનુપમ બને તે માટેનો રોડમેપ તૈયાર કર્યો. તેમને આ અગાઉ મહેસાણા પાટણ જિલ્લાની ઘણી શાળાઓને *'અનુપમશાળા પ્રોજેકટ'* સાથે જોડીને અનુપમ બનાવી હતી, અમરેલી જિલ્લામાં તેમણે શરૂ કરેલો *'અક્ષરશાળા પ્રોજેકટ'* થી અમરેલીના સૌ લોકો ખુશ હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં તેમણે શરૂ કરેલો *'અભિજ્ઞા શાળા પ્રોજેકટ* ' ખૂબ સફળ સાબિત થયો હતો. તેમના અનુભવનો ઉપયોગ કરીને તેમણે ત્રીજાજ દિવસે તેમના સંકલ્પને પાર પાડવા માટેની શરૂઆત કરી. તેઓ એક પણ દિવસ બગાડવા માંગતા નહોતા, તેમને તેમની નિવૃત્તિની તારીખ ખબર હતી. બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં આશરે પાંચ લાખ બાળકોના શિક્ષણ સુધારણા ના ભગીરથ કાર્ય માટે તેમની જોડે ફક્ત ત્રણ વર્ષનો સમયગાળો હતો. કોઈ જાતના વિવાદમાં ન પડતાં જિલ્લાના સૌ શિક્ષકમિત્રો, crc, brc કોઓડીનેટર, કેળવણી નિરીક્ષક મિત્રો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સૌ મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિના અધિકારીઓ, ગામના સૌ આગેવાનો, સૌ સરકારી અધિકારીઓશ્રીઓ, સૌ પદાધિકારીઓનો વિશ્વાસમાં લીધા. સૌનો પ્રેમ જીતીને સહકાર મેળવી કાર્યની શરૂઆત કરી. UNICEF ના અધિકારી મિત્રો દ્વારા ચાલતા સ્કૂલ ફ્રેન્ડલી સ્કૂલ સિસ્ટમ પ્રોગ્રામને અનુપમ શાળા પ્રોજેકટ સાથે જોડીને શાળાના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. જુલાઈ 2015માં દરેક કલસ્ટરમાંથી સ્વેચ્છાએ અનુપમ શાળા પ્રોજેકટમાં ત્રણસો જેટલી શાળાઓ જોડાઈ. સરસ મજાના ભાવવરણમાં દરરોજ પચાસ શાળાના આચાર્યો, smc ના મિત્રો, ગામના શિક્ષણવિદ, જે તે શાળા વિસ્તારના સૌ અધિકારી મિત્રો સમક્ષ પ્રોજેકટની વાતો મુકવામાં આવી. પ્રોજેક્ટના દરેક પ્રયોગોની વાતો સૌ મિત્રોને ગળે શિરો ઉતરી જાય તેમ ઉતરી ગઈ. ડૉ. જી.એન.ચૌધરી સાહેબની વાતોએ સૌ મિત્રોમાં એક અનોખું જોમ અને જુસ્સો ઉભો કર્યો. સાહેબ બોલતા જાય સૌ સારસ્વતો સાંભળતા જાય. પ્રથમ વખત આવા સેમિનારમાં આવેલા ગામના લોકો સાંજે છ વાગ્યા સુધી શાંતિથી સાહેબને સાંભળતા હતા, ફક્ત સાંભળતા હતા એટલું નહિ પણ અમારે પણ કંઈક કરવું છે, તેવો ભાવ તેમની વાતોમાંથી પ્રગટ થતો હતો. પ્રોજેકટને સમજાવવા માટેના ખૂબ પ્રયત્નો થયા. ' *આ પ્રોજેક્ટમાં સફળ ન થનાર શાળાને કે તે શાળાના કોઈપણ શિક્ષકને એક પણ નોટિસ મળશે નહીં'* સાહેબની તે વાતે શિક્ષકોમાં જાદુ જેવો સંચાર કર્યો અને શિક્ષકો તન,મન, ધનથી કામે લાગ્યા. દાતાઓ આગળ આવવા લાગ્યા અને શાળાઓની રોનક બદલાવા લાગી. શાળા વિકાસની ગતિ બરાબર પકડાઈ ત્યાં કુદરતે આ પ્રોજેક્ટમાં જોડાયેલી શાળાઓની બે વખત પરીક્ષા કરી. ઈ.સ.2015 અને ઈ. સ. 2017 માં આવેલા વિનાશક પુરમાં ઘણી શાળાઓ જમીનદોસ્ત બની ગઈ, ઘણી શાળાઓના ભૌતિક વિકાસમાં અંતરાય ઉભો થયો. આવા સમયે જિલ્લાના વહીવટી તંત્ર સાથે ડૉ. જી. એન.ચૌધરી સાહેબે રાત દિવસ સતત આ શાળાઓના પડખે ઉભા રહી હિંમત આપીને આવા સમયે શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું. જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી બાબરાભાઈ ચૌધરી સાથે થરાદ,વાવ, ભાભર,સુઇગામ, ધાનેરા, કાંકરેજ તાલુકાનાના છેવાડાના વિસ્તારની શાળાઓની મુલાકાત લઈ નવીન ઓરડાઓ મંજૂર કરાવવાની કાર્યવાહીમાં અગત્યની ભૂમિકા ભજવી. આવી પરિસ્થિતિમાં પણ શાળાઓ પુન:બેઠી થઈ ગઈ. પ્રોજેક્ટ સાથે અન્ય શાળાઓ પણ જોડાતી ગઇ. જે શાળાઓ પ્રોજેક્ટમાં જોડાયેલી નહોતી તેવી શાળાઓમાં પણ પ્રોજેકટની ખૂબ સારી અસરો જોવા મળી છે. ધાનેરા વિસ્તારની અનુપમ શાળાઓ જોવા રાજસ્થાનના ઘણા શિક્ષકો,ગ્રામજનો આવ્યા અને રાજસ્થાનની શાળાઓ પણ અનુપમ બનવા લાગી. ડૉ. જી.એન.ચૌધરીની બે વાતોને આજે લોકો ખૂબ યાદ કરે છે. વિચાર કોઈ દિવસ વાંઝીયો હોતો નથી તેની અસર વહેલા મોડા થતી હોય છે એટલે આપણે સારા વિચારોના વાહક બનવું જોઈએ. તેમના સારા વિચારો આજે વટવૃક્ષ બનીને ઉભા છે. સારા વિચારોની અસર સમગ્ર શિક્ષણતંત્ર માં જોવા મળે છે. બીજું સાહેબ કહેતા કે વ્યક્તિ નિદર્શન અને અનુકરણથી શીખે છે,માટે એક શાળાને અનુપમ બનાવીશું તો તે જોઈને ઘણી શાળાઓ અનુપમ બનશે. અનુપમ શાળાઓ ટાવર બની અનેક શાળાઓને અનુપમ બનાવશે, અને આજે જે શાળાઓ અનુપમ બની છે તેની અસરો હજારો શાળાઓમાં જોવા મળે છે. *ज्योतसे ज्योत जलाते चलो... अनुपम पाठशालासे अनुपम पाठशाला बनाते चलो।* અનુપમશાળા પ્રોજેકટ દ્વારા શાળાઓને અનુપમ બનાવવાની તેમના દ્વારા પ્રગટાવેલી અનુપમ જ્યોત અવિરત ચાલતી રહેવાની છે. ધોરણ એક થી ચારમાં અંગેજી શિક્ષણ અંગે ચાલતી દ્વિધાઓ દૂર કરવા તેમણે તે વિષય પર Ph.D. કરીને અંગ્રેજી માધ્યમ નહીં પણ JOYFUL ENGLISH નું દિશાસૂચન કર્યું છે. રાજ્યમાં સૌથી પહેલા મહેસાણા જિલ્લાની 100 જેટલી શાળાઓ પસંદ કરીને joyful english નો પ્રોજેકટ અમલમાં મુકેલો.આ માટેનું સરસ સાહિત્ય તૈયાર કરી શિક્ષકોને તાલીમ પણ આપેલી. પોતાની આગવી સૂઝબુઝથી શિક્ષણમાં ઘણા અસરકારક પ્રયોગો અમલમાં મૂક્યા છે. ગુજરાતના પ્રથમિક શિક્ષણમાં તેમનું નામ આદરથી અને ગૌરવપૂર્ણ રીતે લેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય INTEL કંપની દ્વારા અધ્યયન અધ્યાપનના નવતર પ્રયોગ માટે તેમને ઈ.સ. 2006 માં હરિયાણાના રાજ્યપાલના હસ્તે નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. જળસંચય, સાક્ષરતા, કન્યાકેળવણી, ભૃણહત્યા રોકવા અને અસરકારક વર્ગશિક્ષણ માટે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને આ ક્ષેત્રે તેમણે યશસ્વી કામગીરી કરી છે. PTC કોલેજના તાલીમાર્થીઓના રમતોત્સવ, સાંસ્કૃતિક ઉત્સવોની રાજ્યમાં પહેલી શરૂઆત તેમણે કરેલી છે. ગુજરાત રાજ્યના બાળકોનો રાજ્ય કક્ષાનો પ્રથમ બાળ રમતોત્સવ મહેસાણાના આંગણે કરીને રાજ્યમાં રમત ક્ષેત્રે સરસ પહેલ કરી છે. જિલ્લાના લોકો અંધશ્રદ્ધાથી નહીં પણ સાચી સમજ સાથેનું શ્રદ્ધાપૂર્વકનું જીવન જીવે એટલા માટે હજારો નાના મોટા વિજ્ઞાન મેળાઓમાં યોજીને અને દરેક વિજ્ઞાનમેળામાં હાજર રહીને બાળકો અને સમાજના લોકોને આ વાતો સમજાવી છે. બાળકોના જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે માટે ગણિત અને વિજ્ઞાનમેળાના મોબાઈલ વિજ્ઞાન મેળાની પ્રથમ શરૂઆત તેમણે કરાવેલી છે. વર્ગશિક્ષણ અસરકારક અને રસપ્રદ બને તે માટે ઇનોવેટિવ શિક્ષકોને પ્રોત્સાહિત કરીને ઘણા ઇનોવેશન કરાવેલા છે.
અનુપમ શાળા પ્રોજેક્ટના વિવિધ સંસ્કારલક્ષી પ્રયોગો દ્વારા લાખો બાળકોમાં સંસ્કારોનું સિંચન કર્યું છે. સંગીત શિક્ષક અને સંગીતના સાધનો સિવાય શાળાના પ્રાર્થના કાર્યક્રમને અસરકારક બનાવવા માટે અનુપમ ગુંજનનું સંગીતનું સોફ્ટવેર બનાવરાવી સમગ્ર ગુજરાતની શાળાઓને એક આગવો રાહ ચીંધ્યો છે. વાર્તાના માધ્યમથી બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે વાર્તા અને પ્રેરક પ્રસંગોના ત્રણ પુસ્તક પ્રકાશિત કરી જિલ્લાની તમામ શાળાઓને વિનામૂલ્યે આપ્યા છે. આજે પણ દરરોજ પ્રાર્થના કાર્યક્રમમાં એક વાર્તા કહેવામાં આવે છે. બાળકોમાં પક્ષીઓ અને પર્યાવરણ પરનો પ્રેમ વધે, બાળકોમાં દયાના ગુણના વાવેતર માટે અમલમાં મુકાયેલ અક્ષયપાત્રનો પ્રયોગ ગુજરાતની મોટાભાગની શાળાઓમાં ચાલી રહ્યો છે. તેમના દવારા મુકાયેલા રામદુકાનના પ્રયોગે આપણા બાળકો પણ ખૂબ પ્રામાણિક છે તેનો અહેસાસ કરાવ્યો છે. આજે અનેક શાળાના શિક્ષકો દર એકાદશીએ તેમણે શરૂ કરેલા અક્ષયદ્રવ્ય પ્રયોગમાં પોતાની કમાણીનો નાનકડો હિસ્સો મૂકી રહ્યા છે. આવા તો ઘણા પ્રયોગો આપીને બાળકોને સંસ્કારીત કરવાનું કામ આ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. તેમના ઉચ્ચ વિચારો અને વિવિધ પ્રયોગો દ્વારા સરળતાથી થયેલ અમલીકરણના કારણે જિલ્લાના શિક્ષકોજ નહીં પણ સમાજના લોકો તેમને એક ઋષિ જેટલો આદર આપી રહ્યા છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે તેમણે પણ ડૉ. જી.એન.ચૌધરીને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્નન આપીને સન્માન કરેલું છે. UNICEF ગાંધીનગર અને શિક્ષણવિભાગ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. એવોર્ડ અને સન્માનને મહત્વ ન આપતા તેમણે દૈવીભાવથી પોતાની ફરજ નિભાવવા પ્રયત્ન કર્યો છે. સમી તાલુકામાં નિર્વાસિત લોકોના બાળકો માટેની બે શિક્ષક વાળી શાળાના મદદનીશ શિક્ષક તરીકે તેમણે પોતાના શિક્ષક જીવનની શરૂઆત કરેલી. ખુરશી ટેબલની જગ્યાએ ચા ભરવાની પેટી પર એક કંતાન પાથરીને શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. તે શાળામાં બે વર્ષની સેવામાં ત્યાંના બાળકો અને લોકોના પ્રિય બની ગયા. ત્યાંથી તેમના વતન નજીક ખારા તા.મહેસાણા ની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ચૌદ વર્ષની ઉત્કૃષ્ટ કામગીરી કરી. આજે પણ ખારા ગામના લોકો નાના મોટા અવસર પ્રસંગે સાહેબની હાજરીની અપેક્ષા રાખે છે. શિક્ષકની નોકરી સાથે બે વખત અનુસ્નાતક, બી.એડ.,એમ.એડ., Ph.D સુધીનો અભ્યાસ કરીને રાજ્યના હજારો શિક્ષકોના પ્રેરણાસ્ત્રોત બન્યા.વિવિધ ક્ષેત્રની નોકરીઓમાં તેમની ઉચ્ચ લાયકટના કારણે પસંદગી થઈ. ઇ.સ. 1988 માં આરોગ્ય વિભાગની વર્ગ બે સમકક્ષ ની B.E.E. ની નોકરી માટેની લેખિત પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી નિમણુંક પત્ર મેળવ્યો. આરોગ્ય અને શિક્ષણ વચ્ચે પસંદગી કરવાની ક્ષણો આવી. આરોગ્ય વિભાગની નોકરીમાં ઊંચું પગાર ધોરણ, વાહનની વ્યવસ્થા, અધિકારી તરીકેનો હોદ્દો મળતો હતો પરંતુ અંદરનો શિક્ષણનો આત્મા તે નોકરી સ્વીકારવા ના પાડતો હતો અને છેવટે તેમણે આરોગ્ય વિભાગની નોકરી જતી કરી. પ્રાથમિક શાળાના શિક્ષકોના હાજરી પત્રકમાં છેલ્લા ક્રમે નામ લખાતું હતું તે વ્યક્તિ પ્રાથમિક શિક્ષકમાંથી તે જ જિલ્લાના શિક્ષણના સૌથી સિનિયર અધિકારી તરીકે નિમણુંક મેળવીને શિક્ષણના ઇતિહાસમાં અનોખી કેડી કંડારી હતી. કોઈ વહીવટી અનુભવ ન ધરાવનારો એક વર્ગખંડનો શિક્ષક હજારો વર્ગખંડના શિક્ષકોને માર્ગદર્શન આપનારી જિલ્લાની પ્રાથમિક યુનિવર્સિટી એટલે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય તરીકેની જવાબદારી સંભાળવા જઇ રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં કાર્યરત થયેલા જિલ્લા શિક્ષણ અને તાલિમભવનના વડા ની પહેલી વાર નિમણુંકો થઈ હતી. નવી જગ્યા, અનેક નવા પડકારો હતા, કોઈ અનુભવ કે તાલીમ વગર આવડી મોટી જવાબદારી ખૂબજ સરળતાથી સફળતાપૂર્વક બજાવી. પ્રામાણિકતા અને પારદર્શકતાના કારણે તેમને પોતાના વ્યક્તિગત જીવન અને પોતાની ફરજમાં ઘણા સંઘર્ષ કરવા પડ્યા છે. ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક તરીકેની પસંદગી માટેની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા, રૂબરૂ મુલાકાત માટે બે જ વ્યક્તિ પસંદ થઈ હતી પણ તેમાં પસંદ ન થવાનો તેમને જરાય અફસોસ નથી. પ્રામાણિકતાના સિદ્ધાંતો પોતાના જીવનમાં જળવાઈ રહ્યા તેનો આનંદ વ્યક્ત કરતાં તેઓ પરમકૃપાળુ પરમાત્માનો આભાર વ્યક્ત કરે છે. આવા સાહેબ એકવીસ વર્ષની પ્રાચાર્યની અને સોળ વર્ષની પ્રાથમિક શિક્ષકની યશસ્વી કામગીરી કરીને 30 જુન 2018ના રોજ નિવૃત્ત થઈ રહ્યા હતા. જિલ્લામાં શું કરીએ તો સાહેબનો હજુ ઘણો સમય લાભ લઈ શકાય તેવો ભાવ દરેક શિક્ષકના દિલમાં હતો. ફક્ત શિક્ષકમિત્રો જ નહીં જિલ્લાના મોટાભાગના લોકો પણ સાહેબના વિદાયના સમાચારથી દુઃખી હતા. ઉનાળુ વેકેશન પડવાના છેલ્લા દિવસે એટલે 05 મે 2018 ના દિવસે દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટીના વિશાળ હોલમાં જિલ્લાની અનુપમ શાળાઓને સન્માનવાનો ગૌરવશાળી પ્રસંગ હતો. પંદરસો જેટલા સારસ્વત મિત્રો આજે સ્વેચ્છાએ એકજ પ્રકારના ગણવેશમાં શોભતા હતા. અનુપમશાળા ના આચાર્યો આજે સરસ મજાના શૂટ બુટમાં એક જુદીજ પ્રકારની અનુભૂતિ કરાવતા હતા. ખાચોખચ ભરેલા હોલમાં દરેકને પ્રાથમિક શિક્ષણના ગૌરવની અનુભૂતિ થઈ રહી હતી. न भूतो न भविष्यति જેવો આ કાર્યક્રમનું ગૌરવ આજે પણ શિક્ષકમિત્રો વાગોળી રહ્યા છે. આ સમયે સૌ શિક્ષક મિત્રોની લાગણી હતી કે સાહેબને કોઈ સોનાની વસ્તુ આપીને સન્માન કરીએ. કાર્યક્રમમાં સાહેબની અનુમતિ વગર કરીએ તો અવિવેક લાગે, એટલે કેટલાક મિત્રો સાહેબને મળવા ગયા. અમારે આપ સાહેબનું સન્માન કરવું છે. સાહેબે ખૂબ પ્રેમથી વાતનો અસ્વીકાર કરી કહ્યું કે આપ સૌએ મારા વિચારનો સ્વીકાર કરી આપની શાળા અનુપમ બનાવી છે, તે મારે મન સૌથી મોટું સન્માન છે, છતાં આપ મિત્રો મારુ સન્માન કરવા માંગતા હોયતો વસ્તુ સ્વરૂપે નહીં પણ પોતાની જગ્યાપર ઉભા થઈને પોતાનો ભાવ વ્યક્ત કરશો તો તમારો ભાવ હું કાયમ સાચવીને રાખીશ. અને તે દિવસે હોલમાં સાહેબનું વસ્તુ વગરનું પણ ભાવથી છલોછલ ભરેલું સન્માન ચિરસ્મરણીય બની ગયું. *પાંચમી મે નો દિવસ શિક્ષણ ગૌરવ દિવસ તરીકે આજે પણ શિક્ષકો યાદ કરે છે.* અમને મનમાં ઈચ્છા હતી કે આવા સાહેબ નિવૃત્ત થઈ રહ્યા છે તો એક વખત સાહેબને કચેરીમાં જઈને રૂબરૂ મળી આવીએ. મળવા માટેની અનુમતિ મેળવવા એક અધિકારીને કર્મચારી તરીકે કોલ કરવો અને મળવા માટે મંજૂરી લેવી એ મારા માટે થોડીક અઘરી વાત હતી. સાહેબ શું જવાબ આપશે ? મળવા માટેની મંજૂરી આપશે કે નહીં ? એવા અનેક પ્રશ્નો વચ્ચે ફોન કરવાની હિમત કરી. નમસ્કાર સાહેબ ...જય યોગેશ્વર ...સાહેબ !અમે બે-ત્રણ મિત્રો આપને મળવા માંગીએ છીએ.સાહેબે કીધું હા.. આવોને. ક્યારે મળીએ સાહેબ સમય આપોને.સાહેબે કહ્યું અરે સોમવાર થી શુક્રવાર માં આપ ગમે ત્યારે આવી શકો. બિલકુલ ધારણા કરતાં વિમુખ વાત થઈ. ખુબ જ નિર્મળ ભાવે સાહેબની સાથે વાત થઈ . બે દિવસ બાદ અમે પાંચેક મિત્રો સાહેબને મળવા ઓફિસે ગયા. અમને સરસ આવકાર મળ્યો અને બેસવા માટે આસન આપ્યું . સાહેબ સાથે અમે પાંચેય મિત્રો વાતો કરવામાં ઓળઘોળ થઈ ગયા. અમારી દરેક વાત સાહેબે કલાકો સુધી સાંભળી.સાહેબે એમની સમગ્ર કારકિર્દી અને સમાજજીવનની વાતો અમારી સાથે મોકળા મને કરી. ત્રણેક કલાકના સમય બાદ અમે સાહેબને અમારો ભાવ સાચવવા આગ્રહ કરીને સ્મૃતિચિહ્નન આપીને મુલાકાત પૂરી કરી. સાહેબે અમને દરેકને ભાવથી ભેટીને અભિવાદન કર્યું, તેમનો સ્પર્શ અમારા જીવનમાં નવી ચેતનાનો સંચાર કરી ગયો. સાહેબની બિલકુલ ઈચ્છા ન હોવા છતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સ્ટાફના મિત્રોની તથા GCERT ના નિયામકશ્રી ની તીવ્ર ઈચ્છા હતી કે ડૉ. જી.એન.ચૌધરી નું છેલ્લા દિવસે સન્માન કરીએ, તેમણે છેલ્લા દિવસેતો નહીં પણ હોદ્દો છોડ્યા ના બે દિવસ પછી સૌને મળવા આવવાની હા પાડી.એક ખૂબ લાગણીસભર કાર્યક્રમ ગોઠવાયો, બીજા કોઈ મિત્રને ખર્ચ ન કરવો પડે તેની તેમણે કાળજી લીધી, કોઈનું કાંઈ પણ ના લેવાની સૂચના આપી છતાં આવનારા પુસ્તક કે નાના મોટા સ્મૃતિચિહ્નનો લઈને આવ્યા હતા. તેનો તેમને સ્વીકાર કરવોજ પડે તેવો સૌ મિત્રોનો આગ્રહ હતો.હું પણ તે દિવસે હાજર હતો તો મને સાહેબે બોલાવીને કીધું "વશરામભાઇ ! તમે મને મળવા આવ્યા હતા એ દિવસે જે સ્મૂર્તિચિન્હ ભેટ આપેલ તે આ ગાડીમાં હું લઈને આવ્યો છુ, તો આપ લઈ લો અને મને ત્યાં વિદાય પ્રસંગમાં બધા આપતા હોય ત્યારે આપી દેજો." સાહેબનો આ અહોભાવ જોઈને અમે ચકિત થઈ ગયા. એક અધિકારી પોતાના શિક્ષકોને આટલો પણ સ્નેહ કરી શકે !! એની આટલી નાની નાની બાબતો યાદ રાખીને કાળજી લઈ શકે ખરા!! મારા જીવનમાં પ્રથમ વખત આવા ઋષિ તુલ્ય અધિકારીનો અનુભવ હતો. ડૉ. જી.એન.ચૌધરી સાહેબને દિલથી વંદન કરું છું. કોઈ ખાનગી શાળાઓમાં ન મળે તેવું ઉચ્ચ કોટીનું શૈક્ષણિક વાતાવરણ અને કોઈ ખાનગી શાળામાં ન હોય તેવું શાળાનું ભૌતિક વાતાવરણ અનુપમ શાળાઓમાં જોવા મળે છે. અનુપમ શાળાઓ પર વિવિધ ડોક્યુમેન્ટરી ફિલ્મો બની છે, ગુજરાતના લિડિંગ પેપરોએ તેમના કામની નોંધ કરીને ભરચક વખાણ કર્યા છે, unicef દ્વારા એક NGO ની પસંદગી કરીને પ્રોજેક્ટનું તટસ્થ મૂલ્યાંકન કરાવી રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. અનુપમ શાળાઓના કારણે જેમના આજે ખાનગી શાળાના હજારો બાળકો સરકારી શાળાઓ તરફ વળ્યા છે, તેના શ્રેયના અધિકારી એવા અનુપમ અધિકારી ડૉ. જી. એન.ચૌધરીનો બનાસકાંઠા જિલ્લો હંમેશા ઋણી રહેશે. અનુપમ વ્યક્તિત્વની ધરોહર તેવા ડૉ. જી.એન.ચૌધરી નું જીવન હજારો લોકો માટે પ્રેરણા રૂપ બન્યું છે, તેઓ સફળતાનો શ્રેય પરમ કૃપાળુ પરમાત્મા, પૂજ્ય દાદાજી, પોતાના માતા પિતા, પોતાના પરિવાર અને સૌ શિક્ષકમિત્રો ને આપે છે. પોતે એક સારા કાર્યના નિમિત્ત બની શક્યા તેનું તેમને ગૌરવ છે. આવા અનુપમ વ્યક્તિત્વને વંદન. - વશરામભાઈ

3 comments:

  1. ખૂબ સરસ વ્યક્તિત્વ

    ReplyDelete
  2. અત્યંત ઉમદા વ્યક્તિત્વ. સાહેબે શિક્ષણમાં ઘણા નૂતન પ્રયોગોનો અમલ કરેલ. સાહેબને વંદન 🙏

    ReplyDelete
  3. સાહેબને વંદન..... આપને આ આર્ટિકલ લખવા બદલ અભિનંદન...

    ReplyDelete