Monday, March 16, 2020

શૂન્ય પાલનપુરી... વિશેષ જાણકારી... દિન વિશેષ

અલી ખાન ઉસ્માન ખાન બલોચ‌‌ જન્મ. ૧૯ ડિસેમ્બર ૧૯૨૨અવસાન - ૧૭ માર્ચ ૧૯૮૭.
જેઓ તેમના ઉપનામ શૂન્ય પાલનપુરીથી વધુ જાણીતા છે ‍ગુજરાતી ભાષાના ગઝલકાર હતા.
તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ખાતે ડિસેમ્બર ૧૯, ૧૯૨૨ના રોજ થયો હતો.
૧૬ વર્ષની વયે તેમણે ગઝલ લખવાની શરૂઆત કરી હતી.

૧૯૪૩-૪૪માં તેઓ અભ્યાસ માટે જુનાગઢ ગયા જ્યાં તેઓ પાજોદના દરબાર ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી 'રુસ્વા'ને મળ્યા અને ત્યાં તેમની મુલાકાત અમૃત ઘાયલ સાથે થઇ જેમણે 'શૂન્ય' ઉપનામ અપાવવાનું સૂચન કર્યું હતું.

તેઓ પાલનપુરની "અમીરબાઈ મિડલ સ્કૂલ"માં શિક્ષક રહ્યા હતા.

તેઓ માર્ચ ૧૭, ૧૯૮૭ના રોજ પાલનપુર ખાતે અવસાન પામ્યા હતા.

✍🏻ગઝલસંગ્રહો .. ✍🏻
શૂન્યનું સર્જન (૧૯૫૨‌‌)
શન્યનું વિસર્જન (૧૯૫૬)
શૂન્યના અવશેષ (૧૯૬૪)
શૂન્યનું સ્મારક (૧૯૭૭)
શૂન્યની સ્મૃતિ (૧૯૮૩)
શૂન્યનો વૈભવ

✍🏻શૂન્ય પાલનપુરીની ગઝલો... ✍🏻



અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી

અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી

મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદરના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી

તને એકમાંથી બહુની તમન્ના, બહુ થી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી

-શૂન્ય પાલનપુરી



પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

– શૂન્ય પાલનપુરી




No comments:

Post a Comment