Wednesday, July 29, 2020

👌💐💐💐🌺મસ્તીની પાઠશાળા એટલે રાજોડા પ્રાથમિક શાળા💐💐💐💐🌺

આર્ટીકલ:- 
મસ્તીની પાઠશાળા એટલે રાજોડા પ્રાથમિક શાળા

બે ઘડી બેસવાનું, ભણવાનું મન થાય એવી સરકારી શાળા. 




         વર્તમાન સમય વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે હરીફાઈ નો સમય છે. આજે દરેક ક્ષેત્રમાં હરીફાઈ જોવા મળી રહી છે, ત્યારે શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. આજે વાત કરવી છે, બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ધાનેરા તાલુકાની રાજોડા પ્રાથમિક શાળાની. આ શાળાની સ્થાપના સન 1955માં થઈ હતી. એક શિક્ષકથી શરુ થયેલી સરકારી શાળા આજે વટવૃક્ષ સમી થઈ છે. હાલ આ શાળામાં 342બાળકો અને 10 ગુરુજીઓ છે. 


         આજના વિજ્ઞાન અને ટેકનોલોજી ના સમયમાં ગામડાઓમાં તમામ વર્ગના બાળકોને ટેકનોલોજી યુકત, શિસ્ત યુકત અને આનંદદાયી શિક્ષણ મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે આ શાળા. આ શાળાના આચાર્ય અશોકભાઈ અને ગુરુજીઓ ની મહેનત ચોતરફ પ્રસરેલી જોવા મળી રહી છે. શાળાના આચાર્ય અશોકભાઈ ની નિમણૂંક વર્ષ 2018માં થઈ. નિમણૂંક ની સાથે જ તેઓ બાળકો માટે કંઈક અલગ જ કરવાની ખેવના ધરાવતા, યુવાન અને વહીવટના અનુભવી. સૌને સાથે લઈને બાળ હિતના કાર્યો કરનારા. શિક્ષણ હોય કે પર્યાવરણ, સુવિધાઓ હોય કે લોકસહયોગ દરેક બાબતમાં અલગ કરવાની સૂઝ ધરાવતા. 


            સુંદર મજાનું વિશાળ કેમ્પસ ધરાવતી, 12 વર્ગખંડો ટેકનોલોજી સાથે સુસજ્જ શાળા. દરેક વર્ગખંડમાં અને શાળા પરિસરમાં સી. સી. ટી. વી. કેમેરા સાથે સ્પીકરની વ્યવસ્થા. ધોરણ 6થી 8માં પ્રોજેકટર દ્વારા ટેકનોલોજી યુકત શિક્ષણ વ્યવસ્થા.વર્ષ 2018-19માં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા દ્વારા આ શાળાને તાલુકા કક્ષાએ સ્વચ્છતા પુરસ્કાર એનાયત કરવામાં આવેલ. શાળાના બાળકો રમતગમત ક્ષેત્ર હોય કે શિક્ષણ દરેકમાં પોતાનું અવ્વલ પ્રદર્શન દર્શાવેલ. શાળામાંથી વર્ષ 2016-17માં 4બાળકો, વર્ષ 2017-18માં 4બાળકો, વર્ષ 2018-19માં 20બાળકો, વર્ષ 2019- 2020માં 4બાળકો એન. એમ. એમ. એસ. પરીક્ષા પાસ કરીને ક્વોલિફાય થયા. વર્ષ 2019-20માં રમતગમત ક્ષેત્રે જિલ્લા કક્ષાએ ઊંચીકૂદ અને દોડમાં બીજા ક્રમે રહ્યા. કલાઉત્સવમાં તાલુકામાં પ્રથમ, પુસ્તક સમીક્ષા માં તાલુકામાં પ્રથમ સ્થાને રહ્યા. આ તો શિક્ષણની વાત.  
         પરંતુ પર્યાવરણમાં પણ સુંદર મનમોહક નિશાળ. શાળાનું પર્યાવરણ પણ ખૂબ જ સુંદર, પતંગિયારુપી બાળકોની સાથે ભાત ભાતના પક્ષીઓ પણ આવે નિશાળે. છેલ્લા બે વર્ષમાં શાળા પરિવાર, એસ. એમ. સી. કમિટી અને લોકસહકાર થકી 600જેટલા નાના મોટા વૃક્ષોનું જતન કરી શાળાને હરિયાળી બનાવી. વૃક્ષોના જતન માટે દાતાશ્રી કરસનભાઈ મનજીભાઈ પટેલ દ્વારા ટપક ભેટ આપવામાં આવી. દાતાશ્રી ગંગાબેન વાલાભાઈ પટેલ દ્વારા રુપિયા 6 લાખમાં ભવ્ય પ્રવેશદ્વાર બનાવી આપવામાં આવ્યો. આ સિવાય સુંદર પ્રાર્થના ખંડ, પ્રોટેકશન વોલ અને પેવરબ્લોક યુકત રસ્તા ગ્રામપંચાયત દ્બારા બનાવી શાળાને ભૌતિક દ્રષ્ટિએ પણ લોકસહકાર થકી સુસજ્જ બનાવી. પ્રતિભાશાળી શિક્ષકોની કામગીરીની કદર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી. ગત વર્ષે માં વર્ષાબેન એસ. ચૌધરીને પ્રતિભાશાળી પુરસ્કાર એનાયત થયેલ. 
           શાળામાં શિક્ષણની સાથે બાળકોને મૂલ્ય લક્ષી, આનંદદાયક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેના થકી બાળકો જીવનધડતરના પાઠો શીખે છે. અહીં આવનાર દરેક બાળક મૂલ્ય લક્ષી, આનંદ દાયી, ભયમુક્ત શિક્ષણ થકી ખીલે છે, ફુલે છે, વિકસે છે. શાળામાં પ્રાર્થના સભામાં સમાચાર વાચન, ધડીયાગાન, બોધકથા થી લઈને અક્ષયપાત્ર, અક્ષય દ્રવ્ય, ખોયા પાયા, રામ દુકાન, બચત બેન્ક, ઈકોકલબ, પર્યાવરણ જતનની પ્રવૃત્તિ, દિનવિશેષની ઉજવણી જેવી અનેક વિવિધ પ્રવૃતિઓ થકી બાળકોનું જીવનધડતર કરતી મસ્તીની પાઠશાળા છે. આજના આ હરિફાઈ ના સમયમાં ગામડામાં પણ તમામ સુવિધાઓથી સજજ એવી સરકારી શાળાએ ઉદાહરણ રુપ બની રહી છે. શાળામાં જતાની સાથે જ જે વાતાવરણ જોવા મળે જેનાથી સૌ કોઇ ને અહીં બે ઘડી બેસવાનું ભણવાનું મન થાય. 

                                       વંશ માલવી






No comments:

Post a Comment