Saturday, September 5, 2020

અભણ મહિલાની પશુપાલન થકી આર્થિક આઝાદી તરફ કદમ.

 

આર્ટીકલ.   સંધર્ષ થકી સફળતા... 

*અભણ મહિલાની પશુપાલન થકી આર્થિક આઝાદી તરફ કદમ.*
          

          આપણે અવારનવાર એક સૂત્ર સાંભળ્યું છે કે, "એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે ". પરંતુ આજે વ્યાખ્યા બદલાઈ ગઈ છે "આજે એક સફળ પુરુષની સાથે એક સફળ સ્ત્રી હોય છે."  આજની નારી એ કેળવાયેલી, સુશિક્ષિત,  હિંમતવાળી છે ,જે ધરતીથી લઈ આકાશ સુધી અને પર્વતથી લઇ સમુદ્ર સુધી તમામ ક્ષેત્રની અંદર પોતાની સફળતાને આંબી ચૂકી છે. આપણે અહીં એક એવી જ નારી શક્તિ જે અભણ છે  ,પરંતુ ભણેલાને પણ પાછળ મૂકી દે એવી પ્રગતિ કરી છે .તેના વિશેની વાત અહીંયા મૂકેલી છે.



              બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દિપડા ગામની મહિલા  શ્રીમતી સેજીબેન વજાભાઈ ચૌધરી. જેઓ અભણ છે. તેઓનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. પશુપાલન ક્ષેત્રે તેઓ ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં નામના ધરાવે છે. જેઓ છેલ્લા 15 વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ પશુપાલનને આર્થિક આઝાદી ના વ્યવસાય સ્વરુપે વર્ષ 2018માં સ્વીકાર્યો. માત્ર 10000રુપિયાના પગાર થકી આ વ્યવસાય ની શરુઆત કરી. સેજીબેન ચૌધરીએ માત્ર 04 પશુઓથી પોતાના વ્યવસાયની શરૂઆત કરેલી અત્યારે તેઓ 50 ગાય અને 10થી વધારે ભેંસો ,25જેટલા નાના વાછરડા ધરાવે છે. 


                    તેઓએ પશુઓની સારવાર માટે એક સરસ તબેલાનું નિર્માણ કર્યું છે. પશુઓની સારસંભાળ માટે તેઓએ તબેલામાં પંખા અને કુલિંગ ફૂવારાની વ્યવસ્થા પણ કરેલ છે. તેઓ જાતે જ આ બધા પશુઓની સારસંભાળ રાખે છે સાથે સાથે તેમને મદદ કરવા માટે તેમના પતિ, સુપુત્રો તથા અન્ય પાંચ વ્યક્તિઓ રાખેલ છે.
 તેઓને ભારતની નામાંકિત બનાસ ડેરીમાં વર્ષ 2019- 20 માં "બનાસ લક્ષ્મી એવોર્ડ"એનાયત થયો છે. તેઓની આ સાફલ્યગાથા માટે તેમને  એવોર્ડ અને પ્રમાણપત્ર  એનાયત થયેલ છે.
            તેઓ રોજનું 600 લીટર જેટલું દૂધ ભરાવે છે . તેઓની ચાલુ વર્ષની આવક પશુપાલન ક્ષેત્રમાંથી 56,71000 રૂપિયા પ્રાપ્ત થઇ છે. તેઓ માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં ગુજરાતમાંજ નહિ ભારતમાં પણ નામના ધરાવે છે. વર્તમાન સમયમાં તેઓ બનાસડેરીમાં આઠમા ક્રમે જિલ્લામાં છે, પરંતુ આવનાર સમયમાં પ્રથમ ત્રણ ક્રમે આવવાનું સ્વપ્ન છે. સેજીબેન ચૌધરી ના સુપુત્રના જણાવ્યા મુજબ આ વ્યવસાયમાં તમામ ખર્ચને બાદ કરતાં 25%નફો દુધ થકી થયો છે. તેઓના જણાવ્યા મુજબ બનાસડેરીએ  બનાસકાંઠા ના ગરીબ,મધ્યમ અને અશિક્ષિત પરિવારજનો માટે પણ એક જીવાદોરી સમાન અડીખમ ઊભી છે. તેઓ આવનાર ભવિષ્યમાં 50 નવિન ભેંસો થકી હજુ પણ આ વ્યવસાયને વિસ્તાર કરવાનું સ્વપ્ન ઝંખી રહ્યા છે. બનાસડેરીના ચેરમેન શંકરભાઈ, ડીરેકટર શ્રીઅને વહીવટી અધિકારી ઓના માર્ગદર્શન થકી આજે અભણ મહિલાઓ આર્થિક આઝાદી તરફ આગળ વધી રહી છે. જેઓ અક્ષર જ્ઞાન ધરાવતા નથી, પરંતુ તેઓની આગવી કોઠાસુઝથી અને અનુભવ થકી શિક્ષિત મહિલાઓ માટે પણ એક પ્રેરણાસ્રોત બની રહ્યા છે. 


            સેજીબેન  ચૌધરી આજની મહિલાઓ માટે એક ઉમદા ઉદાહરણ છે તેઓ માત્ર એક નારી નહિ, સર્જનશક્તિ છે.જન્મદાતા જ નહિ પોષનારી , કેળવણીથી ધડનારી અને સ્નેહનોસંચાર કરનાર માતા છે. આજના સમયમાં આપણા સૌના માટે એક પ્રેરણા રૂપ છે.
                                    વંશ માલવી.

No comments:

Post a Comment