Saturday, December 5, 2020

સૃષ્ટિ સન્માન 2018ના વિજેતા શિક્ષક શ્રી રણજીતસિંહ દિસાલે ને "ગ્લોબલ ટીચર પુરસ્કાર" થી સન્માનિત કર્યા.

સૃષ્ટિ સન્માન 2018ના વિજેતા શિક્ષક શ્રી રણજીતસિંહ દિસાલે ને "ગ્લોબલ ટીચર પુરસ્કાર" થી સન્માનિત કર્યા
ભારતમાં પ્રથમવાર એક શિક્ષકને ગ્લોબલ ટીચર પુરસ્કાર 7 કરોડનું ઇનામ (એવોર્ડ) (Global Teacher Prize -award ) મળ્યું છે. દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનવું કોને ન ગમે ? રમત-ગમત હોય, કળા હોય, કે પછી કોઈપણ ક્ષેત્રમાં દુનિયાનું સર્વશ્રેષ્ઠ સન્માન મળે એ દેશ માટે પણ ગર્વની વાત કહેવાય. આવું જ ગૌરવ દેશને હાંસલ કરાવ્યું છે એક પ્રાથમિક શાળાના શિક્ષકે. જેઓનું નામ છે, રણજીતસિંહ દિસાલે. મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાની પરિતેવાડી જિલ્લા પરિષદ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ દિસાલેને દુનિયાનું સર્વશ્રેષ્ઠ સન્માન મળ્યું છે. ગ્લોબલ ટીચર પુરસ્કાર માટે દુનિયામાંથી રણજીતસિંહ દિસાલેની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડની સાથે-સાથે પ્રાથમિક શાળાના આ સામાન્ય શિક્ષક કરોડપતિ બની ગયા છે. ગ્લોબલ ટીચર પુરસ્કારની સાથે રણજીતસિંહ દિસાલેને 7 કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા છે. આવું પહેલી જ વખત બન્યું છે કે, કોઈ ભારતીયને સર્વશ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હોય. સૌ પ્રથમ વાર કોઈ શિક્ષકને આ સન્માન પ્રાપ્ત થયું અને આમ, રણજીતસિંહ દિસાલેએ ભારત દેશનું નામ વૈશ્વિક કક્ષાએ ગુંજતું કર્યું છે. યુનેસ્કો અને લંડન સ્થિત વાર્કી ફાઉન્ડેશન દ્વારા આ ગ્લોબલ ટીચર પુરસ્કાર આપવામાં આવે છે. તા. 3 ડિસેમ્બર, 2020ના રોજ આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી. લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમમાં વર્ચ્યુઅલ યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સ્ટીફન ફ્રાયે આ એવોર્ડની જાહેરાત કરી હતી. સ્ટીફન ફ્રાયે આ એવોર્ડની જાહેરાત કરતાં જ રણજીતસિંહ દિસાલે ખુશીથી ઝુમી ઉઠ્યા હતા અને તેમની ખુશીનો પાર રહ્યો નહતો. આ પ્રતિસ્પર્ધામાં દુનિયાના 140 દેશમાંથી કુલ 12 હજારથી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. એ 12 હજારથી વધુ શિક્ષકોમાંથી ભારતના રણજીતસિંહ દિસાલેએ આ પુરસ્કાર જીત્યો છે. ચાલો જાણીએ આ સર્વશ્રેષ્ઠ અવોર્ડ મળવાનું કારણ. રણજીતસિંહ દિસાલેએ કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ભારતમાં QR કોડ ધરાવતા પાઠ્યપુસ્તકની ક્રાંતિને આગળ ધપાવવાનો એક અદભૂત પ્રયાસ કર્યો છે. તેમણે એક ડિજિટલ રિસોર્સ બેન્ક બનાવી અને ક્યુઆર કોડ્સ દ્વારા બાળકોનાં પુસ્તકમાં પ્રત્યેક પાઠ સાથે જોડી દીધી, જેથી બાળકો ઈન્ટરનેટ અને સ્માર્ટફોનની મદદથી સહેલાઈથી તે ભણી શકે. શિક્ષણ ક્ષેત્રે રણજીતસિંહના પ્રયાસોને મહારાષ્ટ્ર સરકાર, ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય, માઈક્રોસોફ્ટ કોર્પોરેશન, બ્રિટિશ કાઉન્સિલ, ટીચર એપ ફાઉન્ડેશન, એસઆઈઆર ફાઉન્ડેશન વગેરેએ બિરદાવ્યા છે. તેમને માઈક્રોસોફ્ટ કોર્પોરેશન દ્વારા બે વાર ‘માઈક્રોસોફ્ટ ઈનોવેટિવ એજ્યુકેશન એક્સપર્ટ’ (એમઆઈઈઈ) તેમજ ‘સ્કાઈપ માસ્ટર ટીચર’ દ્વારા સન્માનિત કરાયા છે. એબીપી માઝા દ્વારા તેમને ‘શ્રેષ્ઠ બ્લોગર’નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2014માં વાર્કી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત વાર્ષિક પુરસ્કાર માટે દુનિયામાંથી 10 ફાઈનલિસ્ટ પસંદ કરાયા હતા. આ પુરસ્કાર એવા શિક્ષકોને આપવામાં આવે છે જેણે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય. રણજીતસિંહ દિસાલેના આ નિર્ણયે સૌનું દિલ જીતી લીધું. ગ્લોબલ ટીચર પુરસ્કાર જીતવાની સાથે 7 કરોડ રૂપિયા જીતનાર રણજીતસિંહ દિસાલેએ પોતાના ઈનામની રકમમાંથી 50 ટકા રકમ સ્પર્ધામાં ફાઈનલમાં પહોંચનાર બાકીના 9 શિક્ષક સાથે વહેંચવાનો નિર્ણય લીધો છે. જેના કારણે હજારો વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મારફતે અભ્યાસ કરવાનો મોકો મળશે. રણજીત સિંહ દિસાલેના આ નિર્ણયે સૌના દિલ જીતી લીધા છે. ભારતભરમાંથી પ્રથમ વખત આ પુરસ્કાર મેળવાનાર રણજીત સિંહ દિસાલેનાઓ પર ભારતભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે અને ચારે તરફ તેમની પ્રશંસા થઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રણજીતસિંહ દિસાલેને અભિનંદન પાઠવ્યા. મહારાષ્ટ્રના રાજ્યપાલશ્રી ભગતસિંહ કોશ્યારીએ પણ આ એવોર્ડ જીતવા બદલ રણજીતસિંહ દિસાલેને અભિનંદન પાઠવ્યા છે. સિનેમાજગતના અભિનેતા શ્રી અનુપમ ખેરે પણ રણજીતસિંહ દિસાલેના કાર્યની પ્રશંસા કરી અને તેમને અભિનંદન પાઠવ્યા.

No comments:

Post a Comment