Saturday, September 25, 2021
ધારણા - માન્યતા- હકીકત' (ભાગ - 2)🖋🖋ડૉ. જી.એન.ચૌધરી
ધારણા - માન્યતા- હકીકત'*
(ભાગ - 2)
જ્યારે આપણે કોઈ વસ્તુ સ્વીકારીએ છીએ ત્યારે તે વસ્તુ આપણે ધારણ કરી તેમ કહી શકાય. જેમકે આપણે કોઈ હોદ્દો ધારણ કર્યો, સ્થાન ધારણ કર્યું, કોઈ વસ્તુ ધારણ કરી વગેરે. આપણે કોઈ ઘટના અંગે અનુમાન કરીએ છીએ, મન જે વિચારો ધારણ કરે છે તે વિચાર આધારિત ધરણાની વાત અહીં કરવામાં આવી છે.
*'ધારણા એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે, જે સાબિતી વગર સત્ય તરીકે લેવામાં આવે છે. ધારણા એ એક વિચારને સંદર્ભિત કરે છે જે સંભવિતતાના આધારે સાચું માનવામાં આવે છે.'*
*ધારણશક્તિએ માનવને ભગવાને આપેલી ભેટ છે.* ધારણાઓ નવી શોધો અને વિકાસની જનની છે. સર આઇઝેક ન્યૂટને ફળ પડવાની ઘટનાના કારણે ધારણાઓ ના કરી હોત તો કદાચ આપણને ગુરુત્વાકર્ષણબળનો નિયમ ન મળ્યો હોત ! *વૈજ્ઞાનિકોની આવી ધારણાઓના કારણે આપણને ઘણી શોધો મળી છે.*
ધારણા કર્યા વગર વ્યક્તિ રહી શકતી નથી.ધારણા જરૂરી પણ છે, અંદાજો કરવા જોઈએ, અંદાજો સત્યની નજીક હોય તેવું ગણિત હોવું જોઈએ. સરકારશ્રી દ્વારા નાણાકીય વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવતું અંદાજપત્ર પણ એક ધારણા જ છે ને !!
ધારણાઓ સાકારીત કરવા માટે સખત પુરુષાર્થ અને ધારણા સાકારીત થશેજ તેવી શ્રદ્ધાની જરૂર પડે છે.
'એક વખત SSA ના spdશ્રી એક મિટિંગમાં વક્તવ્ય આપતા હતા.મિટિંગ વચ્ચેથી એક ઓફિસર ઉઠીને બહાર ગયા. તેમના બહાર ગયા પછી spd એ માઇક ઉપરથી જાહેર કર્યું કે 'આ ભાઈને મારું બોલવું ના ગમ્યું એટલે જતા રહ્યા.' થોડીવારમાંજ પેલા ઓફિસર પાછા આવ્યા, કોઈને તેમને પૂછ્યું 'ક્યાં ગયા હતા ?' તેમને સહજતાથી કહ્યું 'વૉશરૂમ ગયો હતો.' ઘણીવાર ધારણા કરતાં હકીકત કંઈક જુદીજ હોય છે. પણ *એક વખત બોલાયેલા શબ્દો પુન: મ્યાન કરી શકાતા નથી.*
'રાત્રે તમે ઘરમાં સૂતા છો અને બહાર કૂતરાંનો ભસવાનો આવાજ આવે છે, તે સાંભળી તે અવાજના કારણે તમે કઇ કઈ ધારણા કરો છો ? આપણે ડર કે આળસ ના કારણે એ ધારણાઓને ચકાસતાજ નથી. સવારે એવીજ કોઈ ધારણા કરનાર અન્ય વ્યક્તિ એમ કહે છે કે 'આજે ચોર આવ્યા હોય અને કૂતરાં ભસતાં હોય તેવું લાગતું હતું.' તે વાતને બીજું કોઈ અધકચરું સાંભળશે અને વાતને જુદી રીતે રજૂ કરશે કે 'પડોશ વાળા બેન કહેતા હતા કે રાત્રે ચોર આવ્યા હતા.' અને *આમજ ધારણાઓ ધડ માથા વગરની અફવાઓનું સ્વરૂપ લઈને ફરવા લાગશે.* રોજબરોજ આવી ઘણી અફવાઓ ફરતી હોય છે.
*આવી ધારણાઓ કરવી જરૂરી હતી કે કેમ ?*
સમાજના મોટાભાગના લોકોના વાર્તાલાપનો વિષય હકીકત કરતાં ધારણા આધારિત વધારે હોય છે. હકીકત વગરની ધારણાઓ મનને ભય, ચિંતાઓ, નિરાશાઓ,રાગ દ્વેષ, ઈર્ષા, ઉદ્વેગ,લોભ,અહંકારથી ભરી દે છે, જેના કારણે વ્યક્તિની વિચારશક્તિ નિમ્ન બની જાય છે. મળેલાં અમૂલ્ય માનવ જીવનનો જે હેતુ માટે ઉપયોગ કરવો જોઈએ તેની જગ્યાએ દુરુપયયોગ થાય છે.
*'કઈ કઈ બાબતો ધારણાઓ છે અને કઈ કઈ બાબતો હકીકત છે.' તે તારવવાનું શિક્ષણ આજના સમયમાં અપાય તે ખૂબ જરૂરી છે.*
એવું હોય પણ ખરું અને એવું ના પણ હોય, કારણ આ હકીકત નથી પણ એક અનુમાન છે. આપણે તેનું સાચું કારણ શોધીએ ત્યારે હકીકતનો ખ્યાલ આવે છે. ત્યાર પછી ધારણાઓનો અંત આવે છે અને હકીકત નો જન્મ થાય છે. *Fact is Fact.*
*'હકીકતો ને વૈજ્ઞાનિક આધાર હોય છે, ધારણાઓ એ એક અંદાજ છે.'*
આપણી કલ્પનાઓને સંશોધનની ભાષામાં ઉતકલ્પના કહે છે. ઉતકલ્પનાઓ સાચી છે કે ખોટી તે ચકાસવામાં આવે છે. અને પછી એ તારવી કાઢવામાં આવે છે કે આ ધારણાઓ સાચી હતી અને આ ધારણાઓ ખોટી હતી.
દરેક વ્યક્તિ ધારણાઓ કરે છે પણ પોતાની ધારણાઓ ચકાસવામાટે ની ધીરજ નથી હોતી અથવા આવડત નથી હોતી.બહુ ઓછા લોકો ધારણા ની ખરાઈ કરે છે. બધી ધારણાઓ ચકાસી ના શકાય તે સમજી શકાય પણ તેજ ધારણાનું સાચું કારણ કોઈ માધ્યમથી તમને જાણવા મળે આવે ત્યારે વ્યક્તિએ પોતાની ધારણા અને સત્યતા વચ્ચેનું અંતર સ્પષ્ટ કરવું જોઈએ.
*ટેકનોલોજીના સમયમાં ધારણાઓ ચકાસવાનું કામ સરળ બન્યું છે.*
ક્રિકેટની રમતમાં બૉલર LBW ની અપીલ કરે અને એમ્પાયર તે અપીલનો સ્વીકાર કરી ખેલાડીને lbw આઉટ જાહેર કરે ત્યારે બેટ્સમેનને એવું લાગશે કે મને ખોટો આઉટ આપ્યો. ખેલાડીને મનદુઃખ થવાનું તે સ્વાભાવિક છે. આ પ્રકારના બૉલ પેડ પર અડે એટલે lbw હોય તેવી ધારણા લાંબા ગાળે માન્યતામાં ફેરવાઈ જાય. આવી માન્યતા આધારે એમ્પાયરે લીધેલા નિર્ણયોના કારણે ક્રિકેટની ઘણી મેચમાં ખૂબ વિવાદ થતા હતા. આ વિવાદ હવે નથી થતા કેમ ? મહત્તમ ટેકનોલોજી નો ઉપયોગ ક્રિકેટમાં કરવામાં આવે છે. આજે DRS ની સગવડ આવી છે. *DRS એટલે Umpire Decision Review System.* Technology based system ના કારણે હવે lbw ના વિવાદનો અંત આવી ગયો છે. હકીકત આખી દુનિયા સામે સ્પષ્ટ દેખાય છે. *વિજ્ઞાનનો ઉપયોગ વધશે તેમ ધારણાઓને વધુ સારી રીતે ચકાસી શકાશે અને ભ્રાન્ત કલ્પનાઓનો અંત આવશે. અંધશ્રદ્ધાઓ ઘટશે અને શ્રદ્ધાઓ વધશે. Knowledge base society નિર્માણ થશે.*
*છેલ્લે જોયેલ ચિત્ર કે પ્રસંગના આધારે મને ધારણ કરેલી ધારણાઓ લાંબા સમય સુધી વણ ચકાસાયેલ રહે ત્યારે તે ધારણાઓ જડ માન્યતામાં ફેરવાય છે.*
વ્યક્તિના વર્તન વ્યવહારો આપણે નજીકથી જોયા હોય પછી તેનું એક ચિત્ર આપણા મગજમાં સ્થિર થઈ જાય છે. ઘણીવાર તે ચિત્ર જોયા પછી વ્યકિત લાંબો સમય સુધી આપણા સંપર્કમાં ના હોય ત્યારે તેનું છેલ્લું ચિત્ર કે તેના પ્રત્યેની ધારણાઓ tv માં ચિત્ર ચોંટી જાય તેમ આપણા માનસપટ પર ચોંટી જાય છે.
'તું ડૉક્ટર થઈ ગયો ભાઈ, તું તો સાવ ભણવામાં ઠોઠ હતો'
આ વ્યક્તિ બોલનાર વ્યક્તિનો સહાધ્યાયી છે, તેને છેલ્લે ધોરણ પાંચમાં સાથે ભણતો હતો તે ચિત્ર એના મગજમાં સ્થિર થયેલું છે, તે પછી તેને ડૉક્ટર તરીકે પહેલી વખત જુવે છે,ત્યારે તેને ધક્કો લાગે છે. તેના મનમાં તેની ઠોઠ, તે કશુંજ કરી નહીં શકે તેવી ધારણાઓ ઘર કરી ગઈ હતી તે પડી છે. પછી તે વ્યક્તિએ ઠોઠ સહાધ્યાયી ની હકીકત કદી જાણવા પ્રયત્ન નથી કર્યો કે તેને સખત પ્રયત્ન કરીને પોતાની જાતને કેટલી update કરી છે !
'તમે હાઈસ્કૂલમાં સાથે ભણતા હો અને એક ભાઈને અંગ્રેજી બિલકુલ આવડતું ના હોય તે રીતે જોયો હોય, ssc કરીને છૂટા પડ્યા પછી દશ વર્ષ બાદ મળે અને તે કડકડાટ અંગ્રેજી બોલતો જોવા મળે ત્યારે તમારા મનમાંથી એવા શબ્દો સરી પડશે કે 'આ તો સાવ ઠોઠ હતો અને આટલું અંગ્રેજી સરસ બોલતો થઈ ગયો ?'
'કોઈ બે મિત્રો સાથે ભેંસો ચારવા જતા હોય અને એક મિત્ર શહેરમાં રહેવા ગયો હોય અને વર્ષો બાદ મોટો અધિકારી બનીને ગામમાં પરત આવે ત્યારે તેને જોઈને તેના મગજમાં ભેંસો ચારનારો મિત્રજ તેને દેખાવાનો.'
'સાથે ભણતા,સાથે નોકરી કરતા,સાથે ખેતીકામ કરતા,
એક ગામમાં રહેતા, એક સાથે સંગઠનમાં કામ કરતા,એક સાથે પાર્ટીમાં કામ કરતા,એક સાથે તજજ્ઞ તરીકે કામ કરતા વ્યક્તિઓ છૂટાં પડે અને ઘણા વર્ષો પછી એ વ્યક્તિને મળે ત્યારે તે વ્યક્તિમાં ઘણો બધો બદલાવ આવેલો હોય તે જોઈને ઘણીવાર વ્યક્તિનું મન આંચકો અનુભવે છે અથવા તેનું મન તે બદલાવ સ્વીકારવા તૈયાર નથી થતું.
તમારી સાથે ભણેલા કે રહેલા વ્યક્તિઓ હોય. પછી તમારા સંપર્કમાં ના રહ્યા હોય અને વર્ષો પછી અચાનક સંપર્કમાં આવે એટલે તેઓએ તમારું છેલ્લે જોયું હોય તે ચિત્ર, તમારા વર્તન વ્યવહાર ને આધારે તેના મનમાં તમારા પ્રત્યેની તે સમયે બંધાયેલી ધારણાઓ જે સમય જતાં માન્યતાઓમાં ફેરવાઈ ગઈ હોય છે, તે રીતે જોવા પ્રયત્ન કરે છે.તે લોકો તમને મળે ત્યારે તમને કેવી રીતે તમારી સાથે વાત કરે છે તેની તમે નોંધ કરજો. *આપણે તેમની સારી કે ખોટી વાતને મિત્રભાવે જોવી જોઈએ.*
દરેક વ્યક્તિને આવો અનુભવ થયો હશે.
અમારા ગામમાં પાંચ ધોરણની શાળા હતી એટલે પાંચમા એટલે કેટલાયે સહાધ્યાયી ઓએ ધોરણ પાંચ પછી અભ્યાસ છોડી દીધો હતો.
ત્યાર પછી ઘણાની સાથે નજીકથી મળવાનું નથી થયું અને મળે ત્યારે તેઓ પાંચમા ધોરણ સુધીની વાતો વાગોળ્યા કરતા હોય છે. તેઓએ મને ધોરણ પાંચમાના સ્કૂલના ગણવેશમાં એક સહાધ્યાયી તરીકે જોયો છે.
ત્યારબાદ છ સાત ધોરણનો અભ્યાસ બાજુના ગામમાં કર્યો ત્યાં પણ સાતમું ભણીને ઘણાએ અભ્યાસ છોડી દીધો. તેમાંના કેટલાયે મિત્રો આજદિન સુધી મળ્યા જ નથી. ત્યારબાદ ધોરણ 10 સુધીના અભ્યાસક્રમ પછી મોટાભાગના મિત્રો જુદા જુદા વ્યવસાયલક્ષી અભ્યાસ સાથે જોડાયા, એટલે ત્યાર પછી જે શાળા કક્ષાએ સંપર્ક હતો તે જતો રહ્યો. અમદાવાદ ptc કરવા ગયો તો બે વર્ષ દરમિયાન જે મિત્રો સાથે રહ્યો, બે વર્ષના સમય પછી તેમાંના ઘણા મિત્રોનો સંપર્ક પ્રાચાર્ય થયા પછી થયો. જે મિત્રો સંપર્કમાં નહોતા તેમના મનમાં તે સમયનું મારું ચિત્ર તેમના મગજમાં રહેવાનું. ત્યારબાદ વિસનગર M.N.કોલેજમાં એક વર્ષ ભણ્યો તો તે સમયના મિત્રો સાથે થોડો સમય સાથે રહ્યો, હજુ પરિચય થાય પહેલાં નોકરી મળી ગઈ, એટલે તે સમયના મિત્રો ઓળખ્યા ન ઓળખ્યા અને છૂટા પડવાનું થયું.જો તમે તેમને પૂછો તો તેમના મનમાં જે છાપ હશે તેની વાત કરશે, કારણ પછી તેઓને કદી મળવાનું થયું નથી.
એવીજ રીતે શિક્ષક તરીકે, તજજ્ઞના તરીકે, સંગઠનના પ્રમુખ તરીકે, મહેસાણા પાટણ diet ના પ્રાચાર્યની વિવિધ ભૂમિકા વખતે , અમરેલી diet ના પ્રાચાર્ય તરીકે તો કોઈને સુરેન્દ્રનગર ના પ્રાચાર્ય તરીકે , તો કોઈને બનાસકાંઠા ના પ્રાચાર્ય તરીકે મળવાનું થયું હશે. મળવાનો સમય ગાળો પણ વધારે કે થોડો હોય.આ સમયની છાપ ઘણી વ્યક્તિઓના મનમાં અલગ અલગ હોય તે સ્વાભાવિક છે. સાધુ તો ચલતા ભલા તેવું આપણું જીવન છે. જીવનના ઘણા મુકામોમાંથી પસાર થતાં વ્યક્તિએ પોતાની જાતને અપડેટ કરતા રહેવાની હોય છે.
છેલ્લે આપણે જે રીતે વ્યક્તિ ને જોઈએ છીએ તેના જીવન વિશેના અનુમાનો કરી છીએ, ધારણાઓ કરીએ છીએ, આ અનુમાનો સાચા પણ હોય અને ખોટા પણ હોય.
*દરેક વ્યક્તિ પોતાના જીવનમાં બદલાવ લાવતો હોય છે. અનુભવો, વાંચન શ્રવણ, એક પ્રકારનો વ્યવસાય અને સમય વ્યક્તિમાં બદલાવ લાવે છે. જ્યાં હોઈએ ત્યાંથી ઉઠીને ઉપર ની દિશામાં જવું તે પ્રગતિ છે અને હોઈએ ત્યાંથી નીચેની તરફ આવવું એ અધોગતિ છે.*
દરેક વ્યક્તિ ક્ષણે ક્ષણે બદલાય છે. તેનું નિરીક્ષણ અને પરીક્ષણ ફક્ત ભગવાનજ કરી શકે.
મનમાંથી જન્મે છે માન્યતા, માન્યતામાંથી જન્મે છે મત. મત મતાંતર થતાં વિવાદ જન્મે છે. વિવાદો વ્યક્તિ ને ઘેરી લેતા હોય છે.
આપણે ધારણાઓ કરી હોય અને લાંબા ગાળે ધારણાઓ ચકાસાયા વગરની પડી રહી હોય ત્યારે લોખંડ ને કાટ લાગે તેમ તે ધારણાઓ માન્યતામાં ફેરવાઈ જતી હોય છે.
*માન્યતા માટે એવું કહેવાય છે કે તિહાર ની જેલ તોડવી સરળ છે પણ માન્યતા તોડવી અઘરી છે.* પોતાના મનમાં જે છે તે જ સત્ય, તેવું વ્યક્તિ માનવા લાગે છે.
*માન્યતાનો પડછાયો દૂર કરવો હોય તો સંશયોની દીવાલનું નિરીક્ષણ કરી તેને વિવેક બુદ્ધિના હથોડે તોડી ત્યાંથી હઠાવીએ તો અંતર નો એ પ્રકાશ પૂર્ણ પ્રકાશિત દેખાય.*
ધારણ શક્તિજ જ્યારે ભગવાને આપી છે ત્યારે આપણે કૃષ્ણ ભગવાનની વાત પણ ધારણા માટે ધ્યાને લેવી જોઈએ. ભગવાને કહેલી ધારણાઓ આધ્યાત્મિક વિકાસ માટે ઉપયોગી છે.
ભગવાને આપણને કેવું ધારણ કરવું શ્રેષ્ઠ છે અને કેવું ધારણ કરવું કનિષ્ઠ છે તેનું સરસ માર્ગદર્શન ભગવદગીતા માં આપેલું છે.
*ધૃત્યા યયા ધારયતે મનઃપ્રાણેન્દ્રિયક્રિયાઃ ।* *યોગેનાવ્યભિચારિણ્યા ધૃતિઃ સા પાર્થ સાત્ત્વિકી ॥* *૧૮/૩૩।।*
હે પૃથાપુત્ર! જે અવ્યભિચારિણી (પરમાત્મા સિવાયના અન્ય સાંસારિક વિષયોને ધારણ કરવા એ વ્યભિચારદોષ છે. એ દોષથી જે રહિત છે, એ 'અવ્યભિચારિણી ધારણશક્તિ' છે.) ધારણશક્તિથી માણસ ધ્યાનયોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે, એ ધૃતિ સાત્ત્વિકી છે. ॥ ૩૩।।
*યયા તુ ધર્મકામાર્થાન્કૃત્યા ધારયતેડર્જુન ।*
*પ્રસઙેન ફલાકાઙક્ષી ધૃતિઃ સા પાર્થ રાજસી ॥ ૧૮/૩૪।।*
પરંતુ હે પૃથાપુત્ર અર્જુન! ફળની લાલસા રાખનાર માણસ જે ધારણશક્તિ દ્વારા ઘણી આસક્તિ-પૂર્વક ધર્મ, અર્થ અને કામને ધારણ કરે છે, એ ધારણશક્તિ રાજસી છે. ॥૩૪||
*યયા સ્વપ્નં ભયં શોકં વિષાદ મદમેવ ચ |*
*ન વિમુઞ્ચતિ દુર્મેધા ધૃતિઃ સા પાર્થ તામસી ॥ ૧૮/૩૫॥*
હે પૃથાપુત્ર! દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણશક્તિ દ્વારા નિદ્રા, ભય, ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો, પણ પકડી રાખે છે, એ ધારણશક્તિ તામસી છે.
આ લેખનો આધાર પણ ધારણા છે, આપ સૌ વિદ્વાન મિત્રો છો એટલે ધારણાઓ ને ચકાસી હકીકતોનોજ સ્વીકાર કરશો તેવા ભાવ સાથે.
આપનો સ્નેહાધીન
🙏 *ડૉ. જી.એન.ચૌધરી* 🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment