Friday, October 15, 2021
આભાર કેમ ન માનું પ્રભુ તારો ?
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
દરેક વ્યક્તિ મૃત્યુ પછી જન્મ ધારણ કરે છે અને જન્મ પછી મૃત્યુ અને પાછો જન્મ, આ ક્રમ સતત ચાલતો રહેતો હોય છે તેમ આદ્ય ગુરુ શંકરાચાર્ય કહે છે.
*पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् ।*
(આ સંસારમાં ફરી ફરીને જન્મ, ફરી ફરીને મરણ અને વારંવાર માતાના ગર્ભમાં રહેવું પડે છે, તેથી હે મુરારે! હું આપના શરણે આવેલો છું, આ દુસ્તર સંસારમાંથી મને પાર ઉતારો.)
આ વાત પર આપણને પૂર્ણ વિશ્વાસ છે, એટલેજ મૃત્યુ પર્યન્ત વ્યક્તિ આગામી જન્મારા માટેનું બેલેંસ બનાવવા પ્રયત્ન કરતો રહે છે.
જન્મ લેવાનો નક્કી છે પણ
*જન્મ કયાં લેવો ? જન્મ ક્યા સમયમાં લેવો ? જન્મ કયા દેશમાં લેવો ? જન્મ કયા ગામમાં લેવો ?જન્મ કઈ જ્ઞાતિમાં લેવો ? જન્મ કોના ઘરે લેવો ? જન્મ કઈ ભાષા બોલતા લોકોમાં લેવો ? તે બધું આપણા હાથમાં નથી.*
એટલા માટે જન્મ જ્યાં મળ્યો જેવી પરિસ્થિતિમાં મળ્યો તેનું ગૌરવ આપણને હોવું જોઈએ. પોતાના જન્મ પર અને જન્મથી મળેલા પર્યાવરણ પર આપણને મિથ્યાભિમાન નહિ પણ ગૌરવની લાગણી હોવી જોઈએ. ગૌરવ નહિ હોય તો આપણો જન્મારો ગૌરવશાળી બનવાની જગ્યાએ સજારૂપ બની જશે.
મને જીવનમાં જેમણે કૃતજ્ઞતા વ્યક્ત શીખવાડી છે અને એમનો જન્મદિવસ મનુષ્ય ગૌરવદિન તરીકે ઉજવાય છે તેવા પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે દાદાજીને પ્રતિ કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરી મારા જીવનમાં જેમણે નાના મોટા ઉપકાર કર્યા છે તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા એક કાવ્ય રચના દ્વારા પ્રયત્ન કર્યો છે.
જીવનના ગતિદાતા અને મતિ દાતા તમે,
છે અગણિત ઉપકાર અમ પર તમારા !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
ભગવાન સમગ્ર શ્રુષ્ટિના સર્જક અને પોષક છે.આપણી સમજમાં પણ ન આવે એટલી કૃપા આપણા પર છે,ત્યારે પ્રભુ પ્રતિ પ્રાર્થના ભાવથી આભાર વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો છે.
ભારત ભૂમિમાં અવતાર દીધો,
વળી ગુર્જર ધરાનું મરેડા રૂડું ગામ !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
ભારત દેશનું જીવન દર્શન શીખવા વિશ્વના ઘણા લોકો વર્ષો સુધી આપણા દેશમાં આવીને રહ્યા છે. આ અવતારોની ભૂમિ છે, આ ગંગા અને હિમાલયની ભૂમિ છે તે ભૂમિના કાયમી વિઝા મળવા તે આપણું સદભાગ્ય છે. ગુજરાત મોરી મોરી રે અને રૂડું રૂપાળું મારુ ગામડું. વતનની ભૂમિનો પ્રેમ કેવી રીતે વ્યક્ત કરી શકાય ? અહીં શબ્દો દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો છે.
'ચૌધરી' જ્ઞાતિમાં જન્મ અને
:ચૌધરી સમૃતિ'ના મળ્યા આશીર્વાદ !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
પૂજનીય દાદાજીએ આપેલી ત્રિકાળ સંધ્યા કંઠસ્થ કરેલા ચૌધરી જ્ઞાતિના સાડા ત્રણ લાખ લોકો 12 જાન્યુઆરી 2020માં એકજ જગ્યાએ શિસ્તબદ્ધ મળ્યા, ન ભૂતો ન ભવિષ્યતિ જેવો સાંસ્કૃતિક પ્રસંગ ભગવાનની હાજરીમાં થયો હોય તેવી અનુભૂતિ સૌને થઈ તેનું ગૌરવ વિશેષ છે.આ પ્રસંગ ભગવાનની કૃપા વગર શક્ય નથી. દરેક જ્ઞાતિમાં કોઈને કોઈ ગૌરવશાળી ઘટનાઓ બનેલી છે. પોતાની જ્ઞાતિના ગૌરવની સાથે દરેક જ્ઞાતિ પ્રત્યે એટલોજ ભાવ પણ થવો જોઈએ. જ્ઞાતિનો ભૌતિક વિકાસ કેટલો છે તેના કરતાં જ્ઞાતિના સાંસ્કૃતિક ઇતિહાસનું મહત્વ વધારે હોવું જોઈએ.
'ડાહીમા' અને 'નાથુભા' જેવા માવતર દીધા
વળી દીધો રૂડો પરિવાર !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
માતા પિતા અને પરિવારનું ઋણ કેવી રીતે વ્યક્ત કરી શકીએ? મળ્યા તે મા બાપ. ભગવાને આપણી લાયકાત કર્મ કે ઋણાનુબંધથી આપ્યા હશે તે હરીને ખબર પણ માતા પિતા માટે એક શબ્દની પણ ફરિયાદ કર્યા વગર તેમના ગુણગાન ગાવાની સંતાનનું કર્તવ્ય છે.પિતાજી સી વર્ષ નિરામય જીવન જીવ્યા, કઠોર પરિશ્રમ, ગાયકવાડી રાજ્યના ફાઇનલ પાસ,માતા અભણ પણ ગજબની હિંમત અને કોઠાસુજ, તેમને યાદ કરતાં જ આંખ ભરાઈ આવે છે, તેવા માતા પિતાને અંહી શાબ્દિક વંદન કર્યા છે.
માતૃભાષા ગુજરાતી ને હિન્દી રાષ્ટ્રભાષા
પણ દાદી જેવી વ્હાલસોઈ સંસ્કૃત ભાષા અમને !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
અહીં જન્મથી મળેલી ભાષાઓ એટલુંજ નહિ પણ જેમ ભાષાઓમાં લખાયેલ ગ્રંથો, સાહિત્ય વાંચીએ તેમ તે ભાષા ન મળી હોત તો કેટલું ન મળ્યું હોત !! આ વિચાર કરતાંજ ભગવાન પ્રત્યેનો અહોભાવ જાગૃત થયા વગર રહેતો નથી.
સર્જન શુ કરી શકીએ પ્રભુ !
સર્જનના બનાવ્યા તમે નિમિત્ત !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
નારસિંહ મહેતા કહે છે 'હું કરું હું કરું તે જ અજ્ઞાનતા, સકટ નો ભાર જેમ શ્વાન તાણે...'
ભગવનાજ creator છે પણ મારા દ્વારા ભગવાન કરાવે છે તે વાત અહીં શાબ્દિક રીતે વ્યક્ત કરી છે.
કૃષિ અને પશુપાલનનો મૂળ વ્યવસાય અમારો
ઋષિ અને પશુપતિ સાથનો નાતો થયો પાકો !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
આપણા માતા પિતાના વ્યવસાય પ્રત્યે સુગ નહિ પણ ગૌરવ હોવું જોઈએ. આપણા દેશનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ખેતી અને પશુપાલન પ્રતિ ઓરમાયું વર્તન આજના લોકોનું થતું જાય છે. ગાય ભેંસનું પાલન પોષણ કે ખેતી કરનાર પ્રતિ સુગ કરવી એ પાપ છે.જ્યારે વ્યક્તિ પોતાના બાપના ધંધા પ્રતિ માનની દ્રષ્ટિએ નથી જોતો ત્યારે એ પાપ કરે છે.
કૃષિ ને ઋષિ સાથે અને પશુપાલક ને પશુપતિ સાથે જોડીને ખેતી અને પશુપાલન વ્યવસાય પ્રતિ ગૌરવ ઊભું કરનાર પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે પ્રતિ આશાબ્દિક રીતે
વિશેષ કૃતજ્ઞતા ભાવ કર્યો છે.
ભણવાની સાથે ભણાવવા મળ્યું વળી
*'एकोहम बहुस्याम्'* ની મળી તક !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
મારા જન્મ સમયે દેશમાં ચાલીસ ટકાથી વધારે લોકો નિરક્ષર હતા. મારી બે મોટી બહેનો પબ નિરક્ષર છે. મને ભણવાની તક મળી , શિક્ષક ના વ્યવસાય માં આવતાં ભણાવવાની તક મળી.
*एकोहम बहुस्याम्* - હું એક છું મારે અનેક થવું છે. પ્રાચાર્ય તરીકેની કામ કરવાની તક મળતાં વૈચારીક રીતે અનેક મિત્રોમાં વ્યાપ થવાની તક મળી. આ વાતનું મહત્વ સમજી ભગવાનના ગુણગાન ગાવાનો પ્રયત્ન કર્યો છે.
કળી કળી લાગે કળિયુગની ,
પણ પળે પળે પ્રભુ તારો સાથ !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
જીવનમાં એટલા બધા કડવા અનુભવો પણ થયા છે કે એમ લાગે કે સર્વત્ર કળિયુગ આવી ગયો છે. કસોટીની ક્ષણો ગણો કે કડવા અનુભવો ગણો પણ અનુભૂતિ એવી પણ થતી રહી છે પલે પલે ભગવાન આપણને સંભાળી રહ્યો છે.
એટલા માટેજ શબ્દો વાંરવાર વાગોળવાનું મન થાય છે કે...
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
જીવનના ગતિદાતા અને મતિ દાતા તમે,
છે અગણિત ઉપકાર અમ પર તમારા !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
ભારત ભૂમિમાં અવતાર દીધો,
વળી ગુર્જર ધરાનું મરેડા રૂડું ગામ !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
ચૌધરી જ્ઞાતિમાં જન્મ અને
ચૌધરી સમૃતિના મળ્યા આશીર્વાદ !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
ડાહીમા અને નાથુભા જેવા માવતર દીધા
વળી દીધો રૂડો પરિવાર !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
માતૃભાષા ગુજરાતી ને હિન્દી રાષ્ટ્રભાષા
પણ દાદી જેવી વ્હાલસોઈ સંસ્કૃત ભાષા અમને !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
સર્જન શુ કરી શકીએ પ્રભુ !
સર્જનના બનાવ્યા તમે નિમિત્ત !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
કૃષિ અને પશુપાલનનો મૂળ વ્યવસાય અમારો
ઋષિ અને પશુપતિ સાથનો નાતો થયો પાકો !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
ભણવાની સાથે ભણાવવા મળ્યું વળી
*'एकोहम बहुस्याम्'* ની મળી તક !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
કળી કળી લાગે કળિયુગની ,
પણ પળે પળે પ્રભુ તારો સાથ !!
*આભાર કેમ ન માનું પ્રભુ તારો ?*
🙏 *ડૉ. જી.એન.ચૌધરી*🙏
Subscribe to:
Post Comments (Atom)
ખુબ સરસ સર..
ReplyDeleteખૂબ સરસ Vansh Sir.
ReplyDelete