Sunday, September 19, 2021

કલેક્ટર બની સમાજ સેવા કરવાની ઇચ્છા અમદાવાદ જિલ્લા કલેક્ટરે પુરી કરી

મારે પણ કલેકટર બનવું છે... કલેકટર બનીને લાભાર્થીઓને લાભ આપતા ઓડર કર્યા. પ્રેરણાત્મક કાર્ય અમદાવાદ કલેકટર શ્રી સંદિપ સાગલે સર દ્વારા.
' ટયુમર' ની બીમારીથી પીડાતી 11 વર્ષીય ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બની. કલેક્ટર બની સમાજ સેવા કરવાની ઇચ્છા અમદાવાદ જિલ્લા કલેક્ટરે શ્રી સંદિપ સાગલે સાહેબ દ્વારા પુરી કરવામાં આવી. ફ્લોરાને 'ગાર્ડ ઓફ ઓનર' અપાયું, કલેક્ટરની સીટ પર બેસતા વેંત તેણીએ 'વ્હાલી દીકરી યોજના', વિધવા સહાયના લાભાર્થીઓને લાભના ઓર્ડર કર્યા શનિવારે એક દિવસ માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરનો ચાર્જ 11 વર્ષીય ફ્લોરા નામની ગાંધીનગરની કિશોરીએ સંભાળ્યો હતો. છેલ્લા સાતેક માસથી 'બ્રેઇન ટયુમર'ની બીમારીથી પીડાતી અને છેલ્લા એક માસથી લગભગ પથારીવશ થઇ ગયેલી આ કિશોરીની ઇચ્છા કલેક્ટર બની સમાજ સેવામાં યોગદાન આપવાની હતી. જે આજે પુરી થતા ફ્લોરા ના હરખનો પાર રહ્યો નહતો. અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ એક દિવસ માટે સંભાળવા મળતા ફ્લોરા અને તેના પરિવારને જીવન ધન્ય બન્યાનો અહેસાસ થયો હતો.
ગાંધીનગરના સરગાસણ ગામના વતની અને હાલમાં ગાંધીનગરમાં સેક્ટર-3 એ ન્યુમાં રહેતા અપૂર્વભાઇ આસોડિયાની 11 વર્ષીય દીકરી ફ્લોરા જે ધોરણ 7 માં અંગ્રેજી માધ્યમમાં ભણે છે. તેની આઠ માસ પહેલા તબીયત બગડી હતી. ટાઇફોડ થયા બાદ તેને બ્રેઇનટયુમર થયાનું નિદાન થયું હતું. તેનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન પણ કરાયું હતું પરંતું તેને જોઇએ તેટલો ફાયદો થયો નહતો. આ અંગે કિશોરીના પિતા અપુર્વ ભાઇના જણાવ્યા મુજબ ફ્લોરા ભણવામાં ખૂબ જ હોશિયાર છે. તે હંમેશા કહેતી કે 'પપ્પા હું મોટી થઇને કલેક્ટર બનીશ'. સમાજ સેવા કરીશ. આ સાંભળી ઘરના બધા સભ્યો ખુશ થઇ જતા. પરંતુ નસીબે તેનું આ સ્વપ્ન પુરૂ થવામાં અડચણો ઉભી કરી દીધી. બ્રેઇન ટયુમરની બીમારી સાથે ફ્લોરા વ્હિલચેર પર આવી ગઇ છે બોલવામાં પણ ઘણી તકલીફ અનુભવી રહી છે. તેનું કલેક્ટર બનવાનું સ્વપ્ન અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ પુરૂ કર્યું. આ અંગે જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે ફ્લોરા અંગેની માહિતી તેઓને એક સ્વયં સેવી સંસ્થા તરફથી મળી હતી. માનવીય વલણ અપનાવતા કલેક્ટરે ફ્લોરાની આ ઇચ્છા પુરી કરવા કલેક્ટર કચેરીના અધિકારીઓને ફ્લોરાના ઘરે મોકલ્યા હતા. કલેક્ટરે પોતે તેમના મા-બાપ સાથે વાત કરી હતી. મા-બાપ આ અંગે સહમત થતા આજે શનિવારે સવારે 10.30 કલાકે ફ્લોરાને અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટરની ગાડીમાં લવાઇ હતી. જ્યાં તેને 'ગાર્ડ ઓફ ઓનર' આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેને કલેક્ટરની ઓફિસમાં કલેક્ટરની સીટ પર બેસાડી હતી. કલેક્ટરના નામવાળી તેની નેમ પ્લેટ પણ બનાવાઇ હતી. કલેક્ટરનો ચાર્જ સંભાળતા વેંત જ ફ્લોરાએ 'વ્હાલી દીકરી યોજના 'અને' વિધવા સહાય યોજના'ના લાભાર્થીઓને લાભના ઓર્ડર કર્યા હતા. વહિવટીતંત્ર દ્વારા ફ્લોરાને એક ટેબ્લેટ, બાર્બી ગર્લ સેટ ભેટ અપાયો હતો. આગામી તા. 25 સપ્ટેમ્બરે ફ્લોરાનો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણી રૂપે કેક કાપીને ખુશી મનાવાઇ હતી. પિતા અપૂર્વભાઇ અને માતા સોનલબેને આ પ્રસંગે હાજર રહ્યા હતા તેઓએ વહિવટીતંત્રના માનવીય અભિગમન માટે આભાર માન્યો હતો.

No comments:

Post a Comment