Tuesday, November 9, 2021

ઉઘાડા પગે પારંપરિક વસ્ત્રોમાં પદ્મશ્રી લેવા પહોંચનાર વૃદ્ધ મહિલા કોણ છે? 🎖🎖🎖🎖🎖

ઉઘાડા પગે પારંપરિક વસ્ત્રોમાં પદ્મશ્રી લેવા પહોંચી વૃદ્ધ મહિલા, તાળીઓથી ગૂંજી ઉઠ્યો હૉલ કર્ણાટકનાં આદિવાસી મહિલા તુલસી ગૌડા ક્યારેય સ્કૂલમાં નથી ગયા પરંતુ 70થી વધુ ઉંમરે આખું જંગલ ઊભું કર્યું, છ દાયકાથી પર્યાવરણ સેવા કરતાં 30 હજાર રોપા વાવ્યાં.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં સમ્માનિત કરવામાં આવેલ કર્ણાટકના 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડાનુ નામ હવે દુનિયા આદરથી લઈ રહી છે. તેમને પર્યાવરણની સુરક્ષામાં તેમના યોગદાન માટે સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ચંપલ વિના ઉઘાડા પગે ચાલતા અને જંગલ વિશેની તમામ માહિતી રાખતા તુલસી ગૌડા હજારો છોડ વાવી ચૂક્યા છે. પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરાવા પર ઘણા લોકો તેમના વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે. તો આવો જાણીએ કોણ છે એ સ્ત્રી તુલસી ગૌડા...
કર્ણાટકના ગરીબ પરિવારમાં જન્મ્યા તુલસી ગૌડા . તે પારંપરિક પોષાક પહેરે છે. તેમનો પરિવાર એટલો ગરીબ છે કે તે ભણી શક્યા નહિ. તેમના માટે જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ હોય છે. તેમણે ક્યારેય ઔપચારિક શિક્ષણ મેળવ્યુ નથી પરંતુ આજે તેમને એનસાઈકિલોપીડિયા ઑફ ફૉરેસ્ટ (વનના વિશ્વકોષ) તરીકે ઓળખવામાં આવે છે. છોડ-વૃક્ષો અને જડીબુટીઓની વિવિધ પ્રજાતિઓના તેમના વિસ્તૃત જ્ઞાનના કારણે તેમને આ નામ આપવામાં આવ્યુ છે.
72 વર્ષની ઉંમરે પણ કામ અવિરત ચાલુ આંધ્ર પ્રદેશના ભાજપ પ્રમુખ વિષ્ણુ વર્ધન રેડ્ડીએ કહ્યુ કે આજે 72 વર્ષની ઉંમરે પણ તુલસી ગૌડાએ પર્યાવરણ સંરક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવા માટે છોડનુ પોષણ કરવાનુ અને યુવા પેઢી સાથે પોતાના વિશાળ જ્ઞાનને શેર કરવાનુ ચાલુ રાખ્યુ છે. તેમણે કહ્યુ કે તુલસી ગૌડા એક ગરીબ અને સુવિધાઓથી વંચિત પરિવારમાં મોટા થયા તેમછતાં તેમણે આપણા જંગલનુ પાલન-પોષણ કર્યુ છે.
વિષ્ણુ વર્ધન રેડ્ડીએ ટ્વિટ કરીને કહ્યુ કે તેઓ એક આદિવાસી પર્યાવરણવિદ છે જેમણે 30,000થી વધુ છોડ વાવ્યા છે અને છેલ્લા છ દશકથી પર્યાવરણ સંરક્ષણ કાર્યોમાં શામેલ છે. વળી, રાષ્ટ્રપતિ ભવન તરફથી પણ જણાવવામાં આવ્યુ કે તુલસી ગૌડાને તેમના સામાજિક કાર્યો અને પર્યાવરણ પ્રત્યે તેમના યોગદાન માટે પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

No comments:

Post a Comment