Monday, December 6, 2021
અજવાસ- બનાસ જળક્રાંતિના જનક પરથીભાઈ
જળક્રાંતિના જનક ,લોકસેવક,કૃષિના ઋષિ પરથીભાઈ ચૌધરી
બનાસકાંઠાએ ભૌગોલિક વિવિધતાથી ધેરાયેલો પંથક.એક તરફ અરવલ્લીની ગિરિમાળાઓ તો બીજી તરફ રણપ્રદેશથી ધેરાયેલો પ્રદેશ. બનાસકાંઠાના માનવીઓ માયાળુ ,મહેનતુ અને ખંતીલા.કેટકેટલીય વિષમ પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને આનંદિત રહેતા મનખોનો આ પંથ.
બનાસકાંઠાનો કેટલો ભાગ નર્મદા કેનાલથી અને બાકીનો ઘણો વિસ્તાર બોરવેલથી સમૃદ્ધ બન્યો..
પણ હવે બોરવેલથી તળ ખાલી થઈ રહ્યા છે.1000 થી લઈને 1200 ફૂટ સુધી પાણીના તળ પહોંચ્યા છે.
અમુક વિસ્તારોમાં તો તળમાં પાણી જ નથી.
આવનારી પેઢીને જમીન જાગીર તો વારસામાં આપીશું પણ તળમાં પાણી જ નહીં હોય તો? એ જમીન જાગીર શું કામની? બનાસકાંઠા જિલ્લામાં આ પાણીની ખપતને કેમ કરી પુરી કરવી? એ પણ એક પ્રશ્ન❓ સરકાર, તંત્ર અને લોકો કરે તો કરે શું? આ સમયે એક એવા વ્યક્તિ જેમણે બનાસકાંઠા જિલ્લાને હરિયાળો પાણીદાર બનાવવા માટે એક સંકલ્પ કર્યો. એમણે સીમનુ પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં રહે અને લોકોને ઉપયોગી બને એમાટે જળસંચય અભિયાન ઉપાડયું. પાણીને બચાવવા માટે પાણીનો વ્યય થતો અટકાવો પડે એતો ખરું!! પણ, સાથેસાથે એનો સંગ્રહ કરવો પણ ખૂબજ જરુરી.
એ વ્યકિત બીજી કોઈ નહિ ... ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાનાં ડાંગીયા ગામે એક સામાન્ય ખેડૂત પરિવારમાં જેઓનો જન્મ થયો એવા અસાધારણ પ્રતિભા ધરાવનાર વ્યકિત એટલે પરથીભાઈ ચૌધરી .બાળપણથી તેઓનો ઉછેર એક સામાન્ય રીતે પરિશ્રમી પરિવારમાં થયો હોવાથી મહેનતુ ,ખંતીલા અને સ્વપ્ન દ્રષ્ટા વ્યક્તિ . કોલેજ સુધી અભ્યાસ કરીને પોલીસ વિભાગની પરીક્ષા પાસ કરીને પોલીસ સેવામાં જોડાયા અને અંતે તેઓ ડી.વાય.એસ.પી.સુધી સેવા આપીને નિવૃત થયા .
જળસંચય અભિયાનને સફળ બનાવવા માટે પરથીભાઈએ સૌપ્રથમ ગામના અને દાંતીવાડા તાલુકાના ખેડુતો અને યુવાનો આગળ પોતાનો વિચાર વ્યકત કર્યો.આ કાર્ય માત્ર એકલા હાથે કરી શકાય નહિ,કારણ એમાં શ્રમ,નાણાં અનેસમયની જરૂર પણ એટલી.એ વિસ્તારના સહકાર થકી દાંતીવાડા તાલુકાના એવા વિસ્તાર જે જગ્યાએ સૌથી વધુ પાણી સંગ્રહ કરી શકાય અને પડતર જમીનનો ઉપયોગ કરી શકાય એવા વિસ્તારની પસંદગી કરવામાં આવી.પી.જે.ચૌધરીના નેતૃત્વમાં દાંતીવાડા તાલુકાનાં સેવાભાવિ લોકોની એક આખી ટીમ જોડાઈ અને તાલુકાનાં સૂકા વિસ્તારને હરિયાળો ,પાણીદાર બનાવવા માટે સૌકોઈ એકજૂટ થઈને જલસંચયની કામગીરી માટે તૈયાર થયા . એક અનુભવી અને કુશળ નેતૃત્વની દિશાસૂચન સાથે તાલુકામાં તળાવોનું ખોદકામ શરૂ થયું . કોઈ ટ્રેકટર ,કોઈ જે.સી.બી .મશીન તો કોઈ ટ્રૉલી લઈને તો કોઈ નાણાં ,સમય આપીને આ અભિયાનમાં જોડાયા . દાંતીવાડામાં રાણીટૂંક ખાતેથી આ અભિયાન શરૂ થયું . પી.જે.ચૌધરી સાહેબની આ મહેનત આખરે એક નવા ઇતિહાસ તરફ આગળ વધીને 20થી વધુ ગામોના ખેડૂતો આ અભિયાનમાં જોડાયા .ખુબ જ સરસ આયોજન સાથે 88 લાખ જેટલા રૂપિયાના ખર્ચે તળાવો બાંધવામાં આવ્યા .
તાલુકા મથકમાં બનાવેલ તળાવો - રાણોલ ગામમાં 04 તળાવો , વાવધરા ગામે 01 તળાવ , સાતસનણ ગામે 01 તળાવ .રતનપુર આટાલ ગામે 01 તળાવ . તમામ તળાવો ના નામ પણ અનોખી રીતે આપવામાં આવ્યા .
બે ચોમાસામાં આ તળાવોમાં પાણી ભરાયા અને ખેડૂતોને આ પાણી સિંચાઇ માટે ખૂબ જ ઉપયોગી થયું.આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ પણ ઊંચા આવ્યા . આખરે જે ઉદેશ સાથે આ કાર્યનો આરંભ થયો હતો તે ખરો સાબિત થયો. પી.જે.ચૌધરી સાહેબના આ વિચારને જો બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ લોકો અપનાવે તો બનાસને પાણીદાર જિલ્લો બનાવતા કોઈ રોકી શકે નહિ. આજે પણ તેઓ બનાસને હરિયાળું ,પાણીદાર બનાવવાની નેમ સાથે જીલ્લામાં ખુબજ ખંત પૂર્વક લોકો માટે કરી કરી રહ્યા છે .
લેખન : - વંશ માલવી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment