Friday, November 19, 2021
અજવાસ- 'સરહદ ના પ્રહરી' 'પગેરું પારખું' કે 'રણના ભોમિયા'... રણછોડભાઈ રબારી 'પગી'
આપણે એક એવા વીરની વાત કરી રહ્યા છીએ જેને એક વાર નહીં, પરંતુ બેવાર પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે વીરનું નામ એટલે સ્વર્ગસ્થ રણછોડભાઇ રબારી 'પગી' . પગીના નામથી ઓળખાતા રણછોડ રબારીએ ભારતીય સૈન્યને અનેકવાર મદદ કરી હતી. 'સરહદ ના પ્રહરી', 'પગેરું પારખું'👣👣 કે 'રણના ભોમિયા' તરીકે ઓળખાતા રણછોડભાઈ પગી વિશે આજના નવજુવાનો કદાચ બહુ ઓછા પ્રમાણે જાણતા હશે.
રણછોડભાઇ મૂળ થરપારકર જિલ્લાના પેથાપુર ગાથડો (હાલ પાકિસ્તાનમા) ગામના વતની હતાં. ભારતના વિભાજન સમયે રણછોડભાઇ પોતાના પરિવાર અને માલઢોર સાથે પેથાપુર રહેતા હતાં, પરંતુ ભાગલા વખતે પેથાપુર ગાથડો પાકિસ્તાન ચાલ્યું ગયું.રણછોડભાઈ 300 એકર જમીનના માલિક હતા,એટલાજ પશુઓ પણ હતા એમની પાસે પરંતુ સરહદના પાકિસ્તાની વિસ્તારમાં સૈનિકો દ્વારા રંઝાડવાનુ શરુ થયું , પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી કંટાળીને રણછોડભાઇ માલઢોર છોડીને વાવના રાધાનેસડા ગામે શરણાર્થી તરીકે આવ્યા બાદમાં પોતાના મોસાળ એવા બનાસકાંઠા જિલ્લા ના વાવ તાલુકાના લીંબાળા ગામે આવી ગયા અને સ્થાયી થયા.તેઓનુ પુરુ નામ રણછોડભાઈ સવાભાઈ રબારી.ઈ.સ.1901મા જન્મેલા.
✡️રણછોડભાઈ 'પગી' તરીકે કેમ ઓળખાયા?
રણછોડ ‘પગી’ એટલે તેઓ ચોકીદારી નહતાં પણ, લોકોના પગલાંની છાપ ઉપરથી તેઓ સંપૂર્ણ માહિતી આપી શકવાની કુશળતા ,આવડત ધરાવતા હતાં. બાળપણથી જ માલઢોર સાથે પ્રકૃતિના ખોળે, કચ્છના વિશાળ રણમાં જીવન વિતાવ્યું હોવાથી તેઓ પોતાની કોઠાસૂઝથી કોઈપણ પગલાં જોઈને તેની માહિતી આપી શકતાં હતાં. તેઓ પગની નિશાની જોઈને કહી શકતાં હતાં કે – કેટલા લોકો હતાં, કઈ દિશામાં ગયા, સાથે સામાન હતો કે નહીં અને જો હતો તો પછી કેટલો ! પગલાંના નિશાન ઉપરથી તેઓ એ પણ જાણી શકતાં કે આ પગલાં કેટલા જૂના છે, એટલે કે કેટલા સમય પહેલા અહીથી આ માણસો પસાર થયા હશે. તેઓ રણના માર્ગો પર ઊંટ પર કેટલા લોકો સવાર હતાં, તે પણ ઊંટના પગના નિશાન જોઇને કહી શકતા હતાં. તો ક્રીક અને રણમાં પગના નિશાન પરથી ઘૂસણખોર કેટલા વર્ષનો અને કેટલો વજન ઉંચકીને બોર્ડરમાં પ્રવેશ્યો છે તે પણ સચોટ કહી દેતા હતાં.
તેમની આ આવડત ની મદદથી તેઓ ઘણીવાર ગામમાં ચોરનું પગેરું મેળવી તેને પકડી પાડતા હતાં. રણછોડ પગી પોતાંની આ અસાધારણ આવડત ને લીધે સ્થાનીય પોલીસ અને ભારતીય સેના માં ખૂબ જાણીતા હતાં. સૌપ્રથમ તેઓ સુઇગામ પોલીસ મથકે પગી તરીકે નિમણૂક પામ્યા. પોતાની આ આવડત થી ઘૂસણખોરોની માહિતી બીએસએફ ને આપીને ઘણા ભારતીયો ના જીવ બચાવ્યા હતાં. એટલું જ નહીં, પાકિસ્તાન સામેના ૧૯૬૫ અને ’૭૧ ના યુદ્ધ માં તો તેમણે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
⚛️૧૯૬૫ અને ૧૯૭૧ ના યુદ્ધ પછી પણ રણછોડભાઇ ભારતીય સેના ને મદદ કરતાં રહ્યા. તેમણે ૧૯૯૮ માં ૨૨ કિલો આરડીએક્સ સાથે ‘મુશર્રફ’ નામના ઊંટ ને પકડયું હતું. તેના એક વર્ષ પછી, ભગત વેરી વિસ્તાર નજીક પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા છુપાવેલ 24 કિલો આરડીએક્સ અને હાજીપીર નજીક રણમાં સંતાડેલ ૪૬ કિલો વિસ્ફોટક પણ પકડી પાડ્યો હતો.
🇮🇳🇮🇳*સન્માન, પુરસ્કાર* 🇮🇳🇮🇳
1⃣સામાન્ય રીતે બીએસએફ ની પોસ્ટ નું નામ આજુબાજુના મંદિર કે દરગાહ અથવા કોઈ સૈનિકના નામ ઉપરથી અપાતું હોય છે. પરંતુ રણછોડ પગીના સન્માન માં ગુજરાતમાં સૌપ્રથમ વાર, ૨૦૧૫ માં બીએસએફ એ તેમના આ 'માર્ગદર્શક' ના નામ ઉપરથી ઉત્તર ગુજરાતના સુઈગામ નજીક એક પોસ્ટને 'રણછોડ પોસ્ટ' નામ આપ્યું છે.
2⃣ગુજરાત પોલીસે પણ તેમનું સન્માન કરવાનો એક અનોખો રસ્તો અપનાવ્યો છે. ગુજરાતમાં ૫૪૦ કિલોમીટર લાંબી ભારત-પાક સરહદની સુરક્ષામાં બીએસએફને મદદ કરતાં પગીઓ માટે તેમણે ‘પોલીસ પગી’ એવોર્ડ ની શરૂઆત કરી છે. કચ્છના એસપીએ એકવાર કહ્યું હતું કે: “આ પગીઓ રણની સરહદ પરના અમારા એન્કરમેન છે.”
3⃣તેમને સંગ્રામ મેડલ, પોલીસ મેડલ અને સમર સેવા સ્ટાર પુરસ્કારો એનાયત કરાયા હતા.
4⃣૨૦૦૭માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડે પાલનપુર ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના સમારોહમાં તેમનું સન્માન કરાયું હતું.
રણછોડભાઈ રબારી અને જનરલ માણેકશાનો અનેરો નાતો -
રણછોડભાઈ રબારીએ આપણા લશ્કરના જનરલ માણેકશા માનીતા અને તે રણછોડભાઈ ને લશ્કરનો હીરો કહેતા.
જનરલ માણેકશાનો સિવિલિયનો સાથે પ્રસ્નલ સબંધ વ્યવહારો ઓછા હતા પણ તેણે ઢાકામાં પોતાની સાથે ડીનર માટે રણછોડભાઈ રબારીને આમંત્રિત કર્યા હતા.
રણછોડભાઈ રબારી ઢાકામાં જનરલ માણેકશા સાથે ડીનર લેવા ગયા ત્યારે તે પોતાની સાથે ઘરનો રોટલો લેતા ગયા હતા. તે રોટલો ઢાકામાં જનરલ માણેકશા અને પોતે સાથે જમ્યા હતા.
રણછોડ પગીને ૧૯૬૫ અને ૧૯૭૧ ના ભારત-પાક યુદ્ધ દરમિયાન અનન્ય કાર્ય માટે, સંગ્રામ મેડલ, સમર સેવા સ્ટાર અને પોલીસ મેડલ - ત્રણ સન્માન પણ એનાયત કરાયા હતા. તેમના સાથી ગ્રામજનો દ્વારા તેમને ગામમાં લગભગ દર વરસે સ્વતંત્રતા દિવસ ના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું સન્માન પણ આપવામાં આવ્યું હતું. નિવૃત થયાના ચાર વર્ષ પછી, આખરે ૨૦૧૩ માં લગભગ ૧૧૨ વર્ષ ની વયે તેઓ અવસાન પામ્યા. રણછોડભાઈ પગી ની અંતિમ ઈચ્છા હતી કે તેઓને મૃત્યુ બાદ તેઓના માથા પર પાધડી રાખવામાં આવે અને અંતિમ સંસ્કાર તેઓના ખેતરમાં જ કરવામાં આવે-તેઓની અંતિમ ઈચ્છા પણ પૂર્ણ કરવામાં આવી.
ભારતીય લશ્કરના સાચા પથદર્શક અને પાકિસ્તાનના લશ્કરને ભારે પડેલા સરહદના રણબંકા એવા રણછોડ રબારીના જીવનને રૂપેરી પરદે મઢવા બોલીવુડ 'ભુજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા' નામની એક ફિલ્મ પણ બનાવી છે.
આવા રણબંકા રણછોડભાઈ રબારી 'પગી'ની દેશ પ્રત્યેની વફાદારી, ખુમારી, સેવાભાવને વંદન... વંદન... વંદન...
📝📝📝લેખન:- વંશ_માલવી🖋🖋🖋🖋🖋
(આપને આ લેખ ગમે તો આપના પ્રતિભાવો કોમેન્ટ પર જરુર આપશો. આવા અન્ય વ્યક્તિ વિશે ફરી આવતા રવિવારે મળીશું)
સંદર્ભ સ્તોત્ર:- વેબસાઇટ , ફેસબુક પેજ ઈતિહાસ...
માહિતી અને તસવીર સ્ત્રોત:
♒https://www.thebetterindia.com/146487/ranchhod-pagi-rabari-herder-gujarat-bsf-indo-pak-war/
🤍 કચ્છના રણમાં એકલા રણછોડ પગી પાકિસ્તાની સેનાને ભારી પડ્યા હતા !
Subscribe to:
Post Comments (Atom)
દેશભક્તિને વંદન
ReplyDeleteએ સમય એમની મૂછ ને એમની પાઘડી વટ ની સાથે લીબાળાથી થર પારકરસૂધી ને ચાલી ને ગયા છે બે વખત આમના લીધે ભારતની જીત થઇ હતી.આવા વિરબંકા હવે મળવા મૂશકેલ છે.
ReplyDeleteખૂબ સરસ
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteKhub sundar
ReplyDelete