Sunday, May 7, 2023
IAS ઓફિસર બનવા માંગતી મિત્તલ પટેલ બની લાખો વ્યકિતઓનું સુખનું સરનામું
*IAS ઓફિસર બનવા માંગતી મિત્તલ પટેલ બની લાખો વ્યકિતઓનું સુખનું સરનામું*
લેખન-
*વશરામ પટેલ (વંશ_માલવી)*
“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ” – ઉમાશંકર જોશી.
ઉપરોકત પંકિતને ખરા અર્થમાં સાર્થક કરનાર મિત્તલ પટેલ. એક એવું નામ જેમને ગુજરાતના કોઈ ખૂણામાં જાણતું ન હોય એવું અશકય છે. જેમણે વિચરતિ વિમુકતિ જાતિના લાખોલોકોને ઓળખ અપાવી છે.ઘર વિનાનાં માનવીને પોતાનું ઘર અપાવ્યું છે.સરનામા વિનાનાં માણસને એક ચોક્કસ સરનામું આપી એમની ઓળખ પ્રસ્થાપિત કરાવી છે.આજે એવી વ્યક્તિ વિશે વાત કરવી છે,જેમણે ન માત્ર માણસની ચિંતા કરી છે પરંતુ સમસ્ત સજીવસૃષ્ટિ માટે કાર્યો કરી રહ્યા છે.આવો ! મળીએ સુખનું સરનામું એવા આપણા દીદી મિત્તલબેનને.
મિતલપટેલ અભ્યાસ અર્થે અમદાવાદ આવેલ.અભ્યાસની ઈન્ટરનશિપ દરમિયાન તેઓ દોઢમાસ જેટલા સમય માટે લોકોની વચ્ચે રહ્યા.તેઓની જીવનશૈલી, રહેણીકરણી,સભ્યતા, સંસ્કૃતિ અને પડકારોને ખૂબ નજીકથી એ દિવસોમાં જોયા. ખૂબ નજીકથી એક અલગ ભારતનું દ્ર્શ્ય જોયાં બાદ તેઓને આવા લોકો માટે કંઈક કરવાની તમન્ના જાગી.તેઓએ સમાજથી અલગ વિચારીને કાર્યો શરૂ કર્યા, શરુઆતના દિવસોમાં ખૂબ જ મુશ્કેલી વેઢીને કાર્યો કર્યા.વર્ષો સુધી માત્ર શાંત રહીને પડકારો વચ્ચે કાર્યો કર્યા. સેવાકીય કાર્યોને વધુ સારી રીતે કરવા માટે તેઓએ વર્ષ 2010 માં સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આજે સમગ્ર દેશમાં એમના કાર્યોની નોંધ લેવાઈ રહી છે.
ગુજરાત રાજયના એવા લોકો માટે એમણે કાર્ય કર્યું છે,જેમણે પોતાની ઓળખ સરનામું જ ન હતું.એ લોકોને રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, આધારકાર્ડ,બેન્ક ખાતા થકી ચોકકસ સરનામાં અપાવ્યાં.અનેક લોકોને આધારરૂપ મકાનો અપાવ્યા,આર્થિક રીતે નબળા પરિવારો ખાસ તો વિચરતી જાતિના કે જેમની પાસે રહેવા પોતાના પાક્કા ઘર નથી, તેવા પરિવારોને સરકાર રહેણાંક અર્થે પ્લોટ ફાળવે પછી સંસ્થા મકાન બાંધવા મદદ કરે,સરકારના 1.20 લાખની મદદ મળે બાકીની મદદ સંસ્થા દ્વારા કરવામાં આવે .અત્યાર સુધી 1500 ઘરો બાંધી આપવામાં આવ્યા છે.જે પૈકી 375 ધરો તો સંસ્થાના સ્વતંત્ર સહયોગ થકી બંધાવ્યાં છે.કેટલાક સ્થળોએ તો વસાહતો નું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં જૂનાડીસામાં જલારામનગરની કોલોની, એલપી સવાણી નગર ડીસા, કાંકરેજના કાકરગામમાં 90 ઘરની કોલોની વગેરે .
સંસ્થા અલગ અલગ કાર્યક્રમો,યોજનાઓ અંતર્ગત સેવાકીય કાર્યોને વેગવંતુ બનાવી રહી છે . સ્વાવલંબન કાર્યક્રમ જે વ્યક્તિ સ્વંતંત્ર ધંધો કરવાની ક્ષમતા રાખે પણ આર્થિક સગવડ ન હોય તેમને સંસ્થા દ્વારા વગર વ્યાજે લોન આપવામં આવે અત્યાર સુધી 6500 પરિવારોને 7 સાત કરોડની લોન આપવામાં આવી છે. લોન લઈને ઘણા પરિવારો બે પાંદડે થયા.બનાસકાંઠાના વાડિયા ગામની અત્યાર સુધીમાં 35 થી વધુ દિકરીઓના લગ્ન કરવામાં સંસ્થા નિમિત્ત બની છે. વાડીયા ગામના દીકરા દીકરીઓ તથા ગુજરાત ના એવા પરિવારોના બાળકો જે જરુરિયાતમંદ હોવાથી અભ્યાસ કરતા નહોતા એવા 450 બાળકો અમદાવાદમાં એમની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. તેઓનો તમામ ખર્ચ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે.હાલમાં ગાંધીનગર ખાતે સંસ્થાની છાત્રાલય નિર્માણ કાર્ય ચાલુ છે,આવનાર સમયમાં 1000 બાળકો અભ્યાસ કરી શકશે.
માવજત કાર્યક્રમ અંતર્ગત નિરાધાર વડીલો જેમનું કોઈ નથી તેવા 466 બા- દાદાઓને દર મહિને રાશન આપવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લાને લીલોછમ બનાવવાના સંકલ્પ સાથે મિત્તલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ *VSSM સંસ્થાના નેતૃત્વમાં આજે 91 ગામમા 129સાઈડ પર કુલ 4.72 લાખ જેટલા વૃક્ષો ઉછરી રહ્યા છે.* વૃક્ષ ઉછેરની શરુઆત વર્ષ 2019 માં ઢેઢાલ ગામની સ્મશાનભૂમિ પર 3000 વૃક્ષોનું વાવેતર કરીને કરવામાં આવી.
વર્ષ 2019થી લઈને અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ગામોની સ્મશાન ભૂમિ,ગૌચર ભૂમિ પર VSSM સંસ્થા અને ગ્રામજનો,પંચાયતો અને વિવિધ મંડળીઓના સંયુક્ત સહયોગ દ્વારા 4.72 લાખ જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહિં! *સ્મશાનભૂમિને તીર્થ સ્થાન બનાવવાનું કાર્ય કરે છે મિત્તલ પટેલ*
આમ તો આપણે સ્મશાન શબ્દથી ડર લાગે.માણસ સ્મશાનમાં કયારે જાય ? જ્યારે કોઈ સ્વજન ગુમાવી દે, ત્યારે એમના અગ્નિસંસ્કાર કરવા માટે ભારે હ્રદયે સ્મશાનમાં જવું પડતું હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો સ્મશાન ભૂમિ પર એક પર્યટક તરીકે જતાં થયાં છે.મિત્તલ પટેલ દ્વારા ગામની એવી જગ્યા જ્યાં વૃક્ષારોપણ કરીને,એની માવજત દ્વારા એક તીર્થ સ્થળ તરીકે વિકસાવવા માટેનું અદ્ભુત કાર્ય કરવામાં આવી રહ્યું છે.મિત્તલ પટેલના માર્ગદર્શન હેઠળ આજે બનાસકાંઠા જિલ્લાના સ્મશાનભૂમિ પર ધાર્મિક વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરીને વૃક્ષારોપણ કરીને એક મોટા વનો ઊભા કરીને સ્મશાન ભૂમિને ખરા અર્થમાં તીર્થ ભૂમિ તરીકે વિકસાવી રહ્યા છે.આવનાર સમયમાં આ નાનાં મોટાં જંગલોમાં અસંખ્ય પંખીઓ જીવજંતુઓને એમનું ધર અને ખોરાક પણ મળશે.પર્યાવરણમાં થતી નકારાત્મક અસરો ઓછી થશે. ગામમાં સમરસતાનો ભાવ ઉત્પન્ન થશે.
સાથોસાથ વર્તમાન સમયમાં ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળ બાબતે મિત્તલ પટેલ દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી બનાસકાંઠા જીલ્લામાં કુલ 218 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. 23 સાબરકાંઠા, 6 તળાવો મહેસાણા,3 તળાવો પાટણ જિલ્લામાં ઊંડા કરવામાં આવ્યા છે. જેની શરૂઆત વર્ષ 2015માં થરાદ તાલુકાનાં વાડિયા ગામમાં ખેતતલાવડી ઊંડી કરીને કરવામાં આવી. ત્યારબાદ વડગામડાના બે તળાવો ગાળ્યા.અને પછી ક્રમશઃ એક પછી એક એમ કુલ 250 તળાવો ગાળવાનું કાર્ય મિત્તલ પટેલના સાનિધ્યમાં થયુ છે.વર્ષ
2023માં અન્ય 40 તળાવ ઊંડા કરવાનું આયોજન છે. બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષારોપણ તથા ભૂગર્ભજળ બાબતે કાર્ય કરવામાં 15 લોકોની સમિતિ બનાવવામાં આવીને કાર્ય કરવામાં આવે છે.
આમ! સાચા અર્થમાં મિત્તલ પટેલ વિચરતી વિમુક્તી જાતિના લોકો તથા સમસ્ત માનવ અને જીવસૃષ્ટિ માટે એક સુખનું સરનામું બની રહ્યાં છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment