Sunday, September 10, 2023

મૃત્યુ બાદ જીવિત રહેવાનો એક માત્ર વિકલ્પ અંગદાન

મૃત્યુ બાદ જીવિત રહેવાનો એક માત્ર વિકલ્પ અંગદાન
સમાજમાં અંગદાનનો અજવાસ પ્રસરવતા દેશમુખ દાદા 🖊️🖊️🖊️🖊️📝 - વંશ_માલવી. *અંગદાનમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે*
ભારત અને ગુજરાતના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો પણ આપણે જાણી શકીએ કે,આપણી ભૂમિ મહાપુરુષો, ક્રાંતિવીરો ,દાતાઓ,ત્યાગ અને બલિદાનની ભૂમિ છે. આજે પણ ગુજરાતીઓના લોહીમાં દાનનું તત્વ રહેલું છે. ટેકનોલોજીના યુગમાં દાનની પરિકલ્પના બદલાઈ રહી છે. ગુજરાતીઓ આજે રક્તદાનથી પણ બે કદમ આગળ ચક્ષુદાન,અંગદાન તરફ અગ્રેસર છે.૧૩ ઓગષ્ટ 'વિશ્વ અંગદાન જાગૃતિ દિવસ' તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.વિશ્વભરના લોકોમાં અંગદાન બાબતે જાગૃતતા કેળવવા માટે વિવિધ સંસ્થાઓ, સરકાર,અને લોકો પ્રયત્નશીલ છે . આજે આપણે એક એવી વ્યક્તિ વિશે વાત કરીએ,જેઓને ઈશ્વરે નવજીવન અર્પણ કર્યું છે, નવજીવન બાદ તેઓ અંગદાન જાગૃતિ અંગે ભેખ ધારણ કરીને સમાજ વચ્ચે નિકળી પડ્યા છે.
હા, વાત છે દિલીપભાઈ દેશમુખની... જેઓનું જન્મસ્થળ મહારાષ્ટ્ર છે, પરંતુ કર્મભૂમિ ગુજરાત છે.તેઓ નાનપણથીજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોથી પ્રભાવિત રહ્યીને કાર્યશીલ રહ્યા છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં આજીવન પ્રચારક તરીકે સેવા આપી રહ્યા છે.
કહેવામાં આવે છે ને કે કુદરતની નિયતિ નિશ્ચિત હોય છે.એક સમાજસેવક,પ્રચારક તરીકે કાર્યરત દિલીપભાઈ દેશમુખ ને અચાનક તબિયત ખરાબ થઈ.સારવાર દરમિયાન એમનું લિવર ખરાબ છે એ બાબત ધ્યાનમાં આવ્યું.જાણવા છતાં પણ ગભરાયા નહિ, હિંમત રાખી અને ઈશ્વરે પણ સાથ આપ્યો. દિલીપભાઈ દેશમુખને એક વ્યક્તિ નું લિવર દાનમાં મળ્યું,લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ તેઓ બેડરેસ્ટ કરીને ફરી તંદુરસ્ત થયા.સમાજ વચ્ચે તેઓ ઇશ્વરીય કૃપાથી પરત ફર્યા.તેઓની આ અવસ્થા એક નવો જન્મ કહીએ તોપણ ખોટું નથી. દિલીપભાઈ દેશમુખને નવોજન્મ મળતા જ તેઓએ વિચાર કર્યો કે માનવ સમાજમાં આવા કેટલાય લોકો હશે જે આવી બિમારીઓથી પિડીત હશે અને જીવન ગુમાવી બેસતા હશે.જો સમાજમાં અંગદાન વિશે જાગૃતતા લાવવામાં આવે તો આવા અનેક લોકોને નવું જીવન મળી શકે એમ છે. દિલીપભાઈ દેશમુખે અંગદાનને એક અભિયાન રૂપે સંકલ્પિત કરીને સમાજમાં જાગૃતતા લાવવા માટે સંકલ્પ કર્યો અને કાર્યની શરૂઆત કરી.
વર્ષ-૨૦૨૦થી 'અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ' ના માધ્યમથી દિલીપભાઈ દેશમુખ (દાદા ) ના નેતૃત્વમાં સમગ્ર ગુજરાત તથા દેશભરમાં અંગદાન જાગૃતિ અંગે કાર્યક્રમોની શરુઆત થઈ. અંગદાન સંકલ્પ, અંગદાન સિગ્નેચર કેમ્પ્યન , સોશિયલ મીડિયાના માધ્યમ તથા “અંગદાન જાગૃતિ રથ”ગુજરાતના વિભિન્ન જિલ્લાઓમાં અંગદાન જાગૃતિ અર્થે કાર્યરત કરવામાં આવ્યો. ટૂંકા સમયમાં સમાજમાં અંગદાન માટે એક સમજ ઊભી થઈ,જેના પરિણામો આપણી નજર સમક્ષ થવા લાગ્યાં. છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં માત્ર ગુજરાત સિવિલ હોસ્પિટલમાં ૧૨૦થી પણ વધુ લોકોએ અંગદાન કર્યું છે.આ આંકડો અત્યારની સ્થિતિએ વધુ પણ હશે. છેલ્લા ત્રણ વર્ષમાં ૭૦૦થી વધુ લોકોને નવજીવન પ્રાપ્ત‌ થયું છે, પરંતુ આ માત્ર પ્રયાપ્ત નથી .આજે રોડ અકસ્માતમાં વર્ષે ૧.૫ લાખ થી વધુ લોકો જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે આવા વ્યક્તિમાંથી જો ૫ ટકા લોકો પણ અંગદાન કરવા માટે તૈયાર થાય‌ તો દેશના‌ લાખો લોકોને નવજીવન આપી શકાય,કેટલાય પરિવારમાં રોશની થાય એમ છે. ભારતમાં ૧.૫ કરોડ અંધજનો છે,જેની સામે માત્ર વાર્ષિક ૧૮૦૦૦ જેટલા લોકો ચક્ષુદાન કરે છે. ૧ લાખ કિડની દાતાની વાર્ષિક જરુરિયાત છે,જેની સામે દાનનું પ્રમાણ નહિવત જ છે. આમ, ભારતમાં દરવર્ષે ૫ લાખ લોકોને અંગદાનની જરુર છે, દરરોજ ૧૭ જેટલા લોકો ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતાં મૃત્યુ પામે છે. દિલીપભાઈ દેશમુખે અંગદાનને એક અભિયાન રૂપે સમાજ વચ્ચે મુક્યું છે.તેઓ અંગદાન કોણ કરી શકે? કેટલા અંગોનું દાન થાય? ,કેવી પરિસ્થિતિમાં દાન કરી શકાય? એ તમામ બાબતો પર પ્રકાશ પાડીને સમાજમાં અંગદાન વિશે અજવાસ પાથરવાનું કાર્ય કરી રહ્યા‌ છે .આપણે પણ ‌જાણીએ અંગદાન વિશે વિસ્તૃત વાતો...
*અંગદાન કોણ કરી શકે..??* શરીરના અવયવોનું દાન કોઇપણ વ્યકિત કરી શકે. ચાહે તે સ્ત્રી હોય, પુરૂષ હોય કે બાળક તે કોઇપણ જાતિ, ધર્મ કે ઉંમરની વ્યકિત હોઇ શકે છે. અંગોનું દાન બે રીતે થાય છેઃ- (૧) તંદુરસ્ત જીવિત વ્યક્તિ લોહીના સંબંધમાં લિવર અને કિડની જેવા અંગોનું દાન કરી શકે છે (૨) બ્રેઇન ડેથ વ્યક્તિના અંગોનું દાન કરી આઠ(૮) લોકોને નવજીવન આપી શકાય છે.જેમાં જીવિત વ્યક્તિએ મજબુરી વશ અંગો ના આપવા પડે એટલે મગજ મૃત (બ્રેઇન ડેથ )વ્યક્તિઓનું માનવ હિતમાં વધુ પ્રમાણમાં અંગદાન થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. *બ્રેઇન ડેથ એટલે શું ..?* મનુષ્યનું મૃત્યુ બે રીતે થાય છેઃ-(૧)શ્વાસોશ્વાસ બંધ પડવાથી થતુ સામાન્ય મૃત્યુ (૨) મગજનું મૃત્યુ (બ્રેઇન ડેથ) જેમાં મગજ પુર્ણ રૂપે ડેમેજ થઈ જાય છે (મનુષ્ય નું જીવવું અસંભવ હોય) જે પણ મૃત્યુ જ છે.આવી બ્રેઇન ડેથની સ્થિતિમાં આપણે અંગદાનનો નિર્ણય કરી શકીએ છીએ.જેમાં પરિવારની સંમતિ બાદ અંગોનું દાન કરવામાં આવે છે જેનું અન્ય જરુરિયાત વાળા દર્દી માં પ્રત્યારોપણ કરવામાં આવે છે. *એક અંગદાન આઠ વ્યકિતઓને નવજીવન આપી શકે છે* બ્રેઈન ડેથ થયેલી વ્યકિતનાં કિડની, લિવર, હદય કે આંખો જેવાં અવયવોનાં દાન કરી શકાય છે.અંગદાન થકી વ્યક્તિ આઠ લોકોને જીવન આપી શકે છે.મૃત્યુ બાદ પણ જીવિત રહી શકે છે. *દાન કરેલ અવયવોનું પ્રત્યારોપણ કોનામાં થાય ?* દાતા દ્વારા દાન કરાયેલ અવયવોનું પ્રત્યારોપણ એવા દર્દીઓમાં થાય છે જેમને તે અવયવની તાતી જરૂર હોય અને જે અગ્રતાક્રમમાં આવતા હોય એવા દર્દીની પસંદગી તબીબી બાબતોને ધ્યાનમાં લઈને થાય છે જેવી કે બ્લડગ્રુપ, ક્રોસ મેચિંગ અને શારીરિક ક્ષમતા આદિને ધ્યાનમાં લઈને પસંદ કરવામા આવે છે. આ પસંદગીમાં દર્દીની આર્થિક સ્થિતિને લક્ષમાં લેવામાં આવતી નથી. એ ગરીબ છે કે ધનવાન એ બાબતને કયારેય મહત્વ અપાતું નથી.આ સમગ્ર પ્રક્રિયા રાજ્ય કક્ષાએ SOTTO સંસ્થા કરે છે અને દેશ કક્ષાએ NOTTO સંસ્થા કરે છે. આધુનિક સમયમાં અંગદાન પણ રકતદાન જેટલું જ આવશ્યક છે,એ સમજ દરેક વ્યક્તિના માનસમાં લાવવી જ પડશે. દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન જાગૃતિ અભિયાનની વાત રાષ્ટ્રીય સ્તરે જ્યારે સ્વીકારી ને વેગવંતી બનાવવામાં આવી રહી હોય ત્યારે એક નાગરિક તરીકે આપણે સૌએ પણ આ અભિયાનમાં ખિસકોલી રુપી મદદ સહકાર આપવાની ભાવના આપણા હ્રદયમાં સ્થાપિત કરીને જન -જન સુધી આ સંદેશને પહોંચતો કરવો જ જોઈએ. ચાલો! આપણે સૌ અંગદાન અભિયાન અંતર્ગત જોડાઈએ. જોડાવવા માટે સંપર્ક કરો -અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ..
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષથી સમાજસેવી વંદનીય શ્રી દિલિપભાઇ દેશમુખ ‘દાદા’ ની પ્રેરણા અને માર્ગદર્શન થકી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમાજમાં અંગદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યુ છે જેનાથી ખુબ જ વિસ્તૃત પ્રમાણમાં લોક જાગૃતિ કેળવાઈ છે. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાજીના હસ્તે BEST EMERGING NGO નો એવોર્ડ એનાયત થયો છે. તે સૌ અંગદાતા ઓના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો છે. આવા સમાજસેવક દેશમુખ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન... લેખક- વંશ_માલવી (વશરામ) #PledgeForAngdan #AngDaan #AngdaanCharitableTrust #अंगदान #અંગદાનમહાદાન #Notto #SottoGujarat #Pledge4Angdan

No comments:

Post a Comment