Wednesday, June 26, 2019

આર્ટીકલ. અભણ મહિલાની સાફલ્યગાથા.

આર્ટીકલ.   અભણ મહિલાની સાફલ્યગાથા.
          કાનુબેનની પશુપાલન થકી કૃષિમંત્રાલય ભારત સરકારના પુરસ્કાર  સુધીની સફળ અવિરત સફર. 

          આપણે અવારનવાર એક સૂત્ર સાંભળ્યું છે કે, "એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે ". પરંતુ આજે વ્યાખ્યા બદલાઈ ગઈ છે "આજે એક સફળ પુરુષની સાથે એક સફળ સ્ત્રી હોય છે."  આજની નારી એ કેળવાયેલી, સુશિક્ષિત,  હિંમતવાળી છે ,જે ધરતીથી લઈ આકાશ સુધી અને પર્વતથી લઇ સમુદ્ર સુધી તમામ ક્ષેત્રની અંદર પોતાની સફળતાને આંબી ચૂકી છે. આપણે અહીં એક એવી જ નારી શક્તિ જે અભણ છે  ,પરંતુ ભણેલાને પણ પાછળ મૂકી દે એવી પ્રગતિ કરી છે .તેના વિશેની વાત અહીંયા મૂકેલી છે.


              બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ચારડા ગામની મહિલા  શ્રીમતી કાનુબેન રાવતાભાઈ ચૌધરી. જેઓ અભણ છે. તેઓનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. પશુપાલન ક્ષેત્રે તેઓ ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં નામના ધરાવે છે. જેઓ છેલ્લા 15 વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કાનુબેન ચૌધરીએ ૦૮ પશુઓથી પોતાના વ્યવસાયની શરૂઆત કરેલી અત્યારે તેઓ ૮૦ ગાય અને 40થી વધારે ભેંસો ધરાવે છે. 
                    તેઓએ પશુઓની સારવાર માટે એક સરસ તબેલાનું નિર્માણ કર્યું છે. પશુઓની સારસંભાળ માટે તેઓએ તબેલામાં પંખા અને કુલિંગ ફૂવારાની વ્યવસ્થા પણ કરેલ છે. તેઓ જાતે જ આ બધા પશુઓની સારસંભાળ રાખે છે સાથે સાથે તેમને મદદ કરવા માટે ઘરના સભ્યો તથા અન્ય પાંચ વ્યક્તિઓ રાખેલ છે.
 તેઓને ભારતની નામાંકિત બનાસ ડેરીમાં વર્ષ 2016- 17 માં "બનાસ લક્ષ્મી એવોર્ડ"એનાયત થયો છે. સાથોસાથ 25 હજાર રૂપિયા ડેરી તરફથી પ્રાપ્ત થયેલ છે.તેઓની આ સાફલ્યગાથા માટે તેમને અનેક એવોર્ડ અને પ્રમાણપત્ર આજ દિન સુધી એનાયત થયેલ છે.
            તેઓ રોજનું હજાર લીટર જેટલું દૂધ ભરાવે છે ,અને તેઓને દૂધ ભરાવા અલગ જગ્યાએના જવું પડે એના માટે પોતાના ઘરે જ એક ડેરી નું નિર્માણ કર્યું છે. તેઓની ચાલુ વર્ષની આવક પશુપાલન ક્ષેત્રમાંથી ૭૨ લાખ રૂપિયા પ્રાપ્ત થઇ છે. તેઓ માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં ગુજરાતમાંજ નહિ ભારતમાં પણ નામના ધરાવે છે. ભારતની અંદર મહિલા પશુપાલક તરીકે તેઓ દ્વિતીય ક્રમે છે. તેઓને વર્ષ ૨૦૧૮ ની અંદર ભારતમાં મહિલા પશુપાલન ક્ષેત્રે બીજા ક્રમે રહેવા બદલ ભારતીય કૃષિ મંત્રી ભારત સરકાર દ્વારા પણ એવોર્ડ એનાયત થયેલ છે. વર્ષ 2018- 19 ની અંદર બનાસડેરી દ્વારા તેઓને પુરસ્કાર એનાયત થયેલ છે.


            કાનુબેન ચૌધરી આજની મહિલાઓ માટે એક ઉમદા ઉદાહરણ છે તેઓ માત્ર એક નારી નહિ, સર્જનશક્તિ છે.જન્મદાતા જ નહિ પોષનારી , કેળવણીથી ધડનારી અને સ્નેહનોસંચાર કરનાર માતા છે. આજના સમયમાં આપણા સૌના માટે એક પ્રેરણા રૂપ છે.
                                    વંશ માલવી. 

No comments:

Post a Comment