Thursday, June 3, 2021

અજવાસ -1 બનાસના ગાંધી – લોકસેવક હરિસિંહ ચાવડા (દાદા)

બનાસના ગાંધી – લોકસેવક હરિસિંહ ચાવડા (દાદા) બનાસકાંઠા જિલ્લામાં નિરક્ષરતાના કલંકને અળગું કરવામાં જેનું અમૂલ્ય યોગદાન રહેલું છે,એવા સફેદ ખાદીનો લેંઘો-જભ્ભો પહેરનાર ,રણકતો પ્રેમાળ અવાજ ધરાવનાર ,લોકબોલીમાં બોલનાર અને કર્મ જ સુવાસ એવું માનનારા, “દાદા”ના હુલામણા નામે જાણીતા બનાસના ગાંધી સમા વ્યકિત વિશે જાણીએ ... મૂળ મહેસાણા જિલ્લાના અંબોડા ગામના . માતા શ્રીમતી ઉદીબાના કૂખે 30-10-1930ના રોજ જન્મેલા નોખી વિચારધારાવાળા માણસ એટલે હરિસિંહ. પિતા પ્રતાપસિહ. બનાસકાંઠા જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવીને શિક્ષણની અલખ જગાવનાર ગાંધીપુરુષ શ્રી હરીસિહ પ્રતાપસિંહ . ગુજરાતની ભૂમિએ સત્ય,અહિંસા અને સત્યાગ્રહની ભૂમિ. ગાંધીજીના વિચારોને અમલમાં કરીને ગુજરાતમાં અનેક રચનાત્મક સંસ્થાઓ નિર્માણ પામી છે ,વેડછી ,બોચાસણ ,દક્ષિણામૂર્તિ ,લોકનિકેતન અને નુતનભારતી . જેમાની એક સંસ્થા લોકનિકેતન જે પૂજય દાદાશ્રી હરિસિંહએ ગાંધી વિચારોને પચાવીને એક રચનાત્મક સંસ્થા સ્થાપીને લોકસેવા અને શિક્ષણનું કામ કર્યું છે . તેઓએ પોતાની આગવી આવડત ,કોઠાસુજ,ખાંતપૂર્વકની મહેનતના લીધે બનાસકાંઠામાં પોતાની આગવી ઓળખ બનાવી.
શિક્ષણક્ષેત્રે પૂર્વ પ્રાથમિકશિક્ષણ થી લઈને પ્રાથમિક , માધ્યમિક ,ઉચ્ચ માધ્યમિક અને વિવિધ પ્રકારની કોલેજ સુધીની સંસ્થાઓ સ્થાપી અને એમને વિકસાવી , પગભર બનાવી તથા છેવાડાના માનવી સુધી પહોચાડીને જાગૃતતા લાવી. લોકનિકેતન સંસ્થાને સાથે સાંકળીને સમગ્ર જીલ્લામાં તાલુકા મુજબ આશ્રમશાળાઓ ,પ્રાથમિક શાળાઓ ,પછાત વિસ્તારમાં નિવાસી વિધાલયો સ્થાપી. હરિસિંહ દાદા મૂળતો શિક્ષણનો જીવ પણ માત્ર ચીલાચાલુ કે પરંપરાગત શિક્ષણ નહિ .તેઓ ગાંધી વિચારો સાથે જોડાયેલા એટલે રચનાત્મક ,મૂલ્યલક્ષી અને વ્યાવસાયિક શિક્ષણના કાયમી હિમાયતી રહ્યા . તેઓ જીવનપર્યંત બનાસકાંઠા જિલ્લાના છેવાડાના માનવીના શિક્ષણ અને સ્વાસ્થય ની ચિંતા કરી. બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાન સરહદી વાવથી લઈને રાજસ્થાન સરહદના અમીરગઢ-દાંતા તાલુકાનાં માણસના શિક્ષણ ,સ્વાસ્થય માટે સતત કાર્યશીલ રહ્યા.તેઓએ પ્રત્યેક તાલુકામાં પ્રવાસ કરીને જન જન સુધી પહોંચીને સાચી પરિસ્થિતીનો તાગ મેળવીને એમની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કર્યા. હરિસિંહ દાદા સવારે ત્રણ વાગ્યે જાગનાર શ્રમજીવી વ્યકિત.સવારે વહેલા ઊઠીને દૈનિક ક્રિયાઓ પૂરી કરીને સમગ્ર સંસ્થામાં આંટો લગાવીને સ્વ નિરીક્ષણ કરતાં. તેઓ જાતે પાવડો અને કોદાળી લઈને યુવાનોને શરમાવે એવું શ્રમ કાર્ય કરતાં . ગરીબ અને પછાત લોકો પ્રત્યે એમને અનહદ પ્રેમ અને કરુણા હતી. જેનું ઉતમ ઉ.દા. આશ્રમમાં અભ્યાસ કરતાં બાળકો. જેનું કોઈ નથી તેવા લોકોને મદદરૂપ બનીને પોતાના આશ્રમમાં સ્થાન આપતા .ગરીબ પછાત વર્ગના બાળકોને ભણવાથી લઈને રહેવા સુધીની તમામ સગવડો દાદા કરી આપતા. હજારો ગરીબ બાળકોના બેલી દાદા બન્યા છેદાદા બાળકોને જ ભગવાનનું સ્વરૂપ માનતા. બાળકોને પ્રેમ આપવાથી આનંદ પ્રાપ્ત થાય છે ,તેવો બીજા કાર્યોમાં નથી મળતો . દાદા હમેશા શિક્ષાના વિરોધી હતા, બાળકોથી ભૂલો થાય તો સમજ આપો શિક્ષા નહીં. તેઓ શિસ્ત અને ચોકસાઈના આગ્રહી હતા,એકવાર સંસ્થાના તમામ બાળકો પ્રાર્થના સભામાં બેસી ગયાને એમના ચપ્પલ બહાર અસ્ત-વ્યસ્ત હતા .તેઓ સ્વયં એ ચપ્પલને એક હરોળમાં કરીને પ્રાર્થનામાં બેસ્યા .
હરિસિંહ દાદાબે વાર મંત્રી તથા સાંસદ રહી ચૂક્યા છે,છતાં પણ એમને કયારેય સતાનો ચસ્કો કે અભિમાન સ્પર્શી શક્યું નહીં.તેઓ સદાય આશ્રમી જીવન સાદગીપૂર્ણ રીતે જીવ્યા. આજે પણ એમના દ્વારા સ્થાપિત લોકનિકેતન રતનપુર સંસ્થા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અંબાજી વચ્ચે એમની અમી છાયડાની સાક્ષી પૂરે છે. લાખો બાળકો આ સંસ્થામાં શિક્ષણ મેળવીને સારી જગ્યા પર સેવાઓ આપી રહ્યા છે . વર્તમાન સમયમાં પણ લોકનિકેતન સંસ્થામાં તથા એમની પેટાશાખામાં હજારો બાળકો અભ્યાસ કરી રહ્યા છે .તેઓ પંચોતેર વર્ષની ઉમરે પણ એક સ્વપ્નું સેવ્યું હતું – લોકનિકેતન ને “ડીમ્ડ યુનિવર્સિટી “ બનાવવાનું .જે તેઓ પૂર્ણ ના કરી શક્યા. હરિસિંહ દાદાએ બધાજ વાદવિવાદથી મુકત રહીને એક રાજકીય વ્યક્તિ કેવી રીતે રચનાત્મક કરી થકી સમાજના જન જન સુધી સેવા આપી શકે એનું ઉતમ ઉ.દા . પૂરું પાડ્યું. ટૂકમાં હરિ નામે રામના નામના ભેખધારી ,શિક્ષણ અને સેવાનો સંગમ કરનાર આજીવન સેવાદળને સમર્પિત રહેનાર ,બનાસકાંઠાને પોતાનું ઘર બનાવનાર એક બાહોશ અને નિર્ભય વ્યક્તિત્વ વાળો માણસ . ગાંધીજીના વિચારોથી રંગાયેલા સમાજને નવી રાહ ચિંધનાર હરિસિંહ ચાવડાને લોકનિકેતન સંસ્થા તથા સમગ્ર બનાસવાસીઓ “દાદા”ના હુલામણા નામે ઓળખે છે. એમના વિશે લખવા બેસીએ તો એક ગ્રંથ પણ લખી શકાય એમ છે ,પરંતુ એમની પ્રમુખ બાબતોને આવરવાનો પ્રયાસ કર્યો છે. બનાસના શિક્ષણ માં જે પછાતપણું નામનું કલંક હતું એ દૂર કરવામાં દાદાના યોગદાનને પ્રત્યેક બનાસવાસી ભૂલી શકે એમ નથી . એમના અંતર આત્માને નમન... નમન... લેખન:- વંશ માલવી નોધ- આ લેખની લિંક આપ શેર કરી શકશો ,પરંતુ આપના નામે આ લેખને ચડાવવાનો પ્રયાસ કરશો નહીં.

3 comments:

  1. સુંદર વ્યકિતત્વનું અતિસુંદર શબ્દોમાં વર્ણન..... 👌👌👌

    ReplyDelete
  2. ખુબ જ સુંદર જીવંત લેખ

    ReplyDelete