Thursday, June 3, 2021
અજવાસ2 સરહદના સરદાર સમા – જગતાબાપુ .
2. સરહદના સરદાર સમા – જગતાબાપુ
આજથી 85-90 વર્ષ પૂર્વે ગોરાઓની સામે દેશ લડાઈ લડી રહ્યો હતો ,ત્યારે સુકા રણમાં હાલના પાકિસ્તાન સરહદી વિસ્તારમાં લોકો કુરિવાજો , અંધશ્રદ્ધા ,નિરક્ષરતા અને દમન વચ્ચે માત્ર શ્વાસ લેવો એ પણ જીવન સમજતા હશે ત્યારે એક સામાન્ય કુટુંબમાં જન્મેલ બાળક એજ આજના સરહદના સરદાર સમા જગતાબાપુ.
સ્વતંત્રતા પૂર્વે થરાદના નાગલા ગામે ચૌધરી સમાજમાં માતા કરમાબાઈ અને પિતા માવાભાઇને ત્યાં તા- 07-09-1927ના રોજ દીકરાનો જન્મ થયો. બાળપણમાં જ પોતાના ઘરમાથી શ્રીમદ ભગવતગીતા ,રામાયણ જેવા ધાર્મિક જ્ઞાન સાભળીને મેળવી લીધું .
એમની યુવા વયે દેશમાં સ્વાતંત્ર્ય માટેની ચળવળો ચાલતી હતી.એ સમયે તેઓ ચાર મહિના જેટલો સમય શાળામાં અભ્યાસ કરીને લખતા વાચતા શિખ્યા.ત્યારે તેઓ મેમણ હાજી ઉસમાન અબદલે બનાવેલી લાઇબ્રેરીમાં ગાંધીયુગના પુસ્તકો અને સામાયિકો વાચતાં.આ વાંચન દ્વારા તેઓ સ્વાતંત્ર્ય માટેની ચળવળોથી પરિચિત થયા અને અંગ્રેજો સામેની લડાઈમાં ભાવિ યોજનાઓ ધડતા. તેઓ લોકોને સ્વાતંત્ર્ય માટેની ચળવળોની લડાઈમાં ભાગ લેવા સમજાવતા પણ એમનું સમજે કોણ એ સમયે ! એ સમયે લોકો અંધશ્રધ્ધા , દમન ,નિરક્ષરતા અને ડર વચ્ચે કચડાયેલા માનસમાં જીવનારા. છતાં પણ એમને પ્રયત્નો ચાલુ રાખ્યા .
15-08-1947ના ભારત અંગ્રેજોના કબજામાથી મુકત થયું ,નવા ભારતનો સૂર્યોદય થયો. ત્યારે સ્વતંત્રતા બાદ રવિશંકર મહારાજનું એક અધિવેશન થરાદ તાલુકાનાં મલુપુર ગામે ભરાયું . આ અધિવેશનમાં જગતાબા એ વિનોબા ભાવેની “ભૂદાન ચળવળ”ને ઉપાડી લીધી. તેઓ પોતાના થોડાક મિત્રો સાથે ગામે- ગામ જનચેતના પ્રગટાવવા માટે પદયાત્રાઓ શરૂ કરી . સંકુચિત માનસ,કુરિવાજો ,અંધશ્રધ્ધા અને દમન વચ્ચે જીવવા ટેવાયેલા લોકોમાં જનચેતના પ્રગટાવવાનું કાર્ય આપણે માનીએ એટલું સરળ પણ નોહતું . એ સમયના પડકાર વચ્ચે જીવના જોખમે જગતાબા એ સરહદના છેવાડાના માનવીને સ્વાતંત્ર્તાનો અમી રસ ચખાડ્યો .
સરહદના લોકોને પાયાની સુવિધાઓ મળી રહે એમાટે ગ્રામલક્ષ્મીની પૂજા યજ્ઞ શરૂ કર્યા. સાદગી અને કરકસરયુકત જીવનપ્રણાલીમાં લોકોની સેવા કરવાનું શરૂ કર્યું.શરુઆતમાં ડોડગામ ગ્રામ પંચાયતના સરપંચ પદે,સતત 14 વર્ષ સુધી થરાદ તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ રહ્યા અને 17 વર્ષ સુધી થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યાઅને લોકોની અવિરત સેવા કરી. પ્રમુખ પદે હતા ત્યારે એક પ્રસંગ બને છે...એક શિક્ષક આગ્રહપૂર્વક તેઓને શાળામાં લઈ જાય છે,કન્યા પાસે એમનું કુમ-કુમ તિલકથી સ્વાગત કરે છે અને પછી શાળામાં ઓરડો નથી એટલે વરસાદ –ટાઠ,તડકામાં અગવડ પડવાની વાત એમના સમક્ષ મૂકે છે .એ સમયે નાણાંની ખૂબ અછત રહેતી છતાં પણ શિક્ષકની વાતને પોતાની ડાયરીમાં ટપકાવી.એકાદ અઠવાડિયા બાદ એ નિશાળના ઝાપે ગાડી આવે છે, ને ખાદીધારી જગતાબા ઉતરીને શિક્ષકને બોલાવીને કહે છે તમારે એક ઓરડો મંજૂર કરી લીધો છે,એકાદ માસમાં તમારે કામ ચાલુ થઈ જશે.આટલું બોલીને નીકળી જાય છે.આ બાબત એમની કાર્યશૈલીની સાક્ષી પૂરે છે.તેઓ એ સમયે 80 જેટલા શાળાઓમાં પાક્કા ઓરડા બનાવી શિક્ષણને મહત્વ આપ્યું હતું . ખેડૂતોના પ્રશ્નોને પણ વાચા આપી. સહકારી માળખાને આ વિસ્તારમાં ઊભું કરવામાં એમનું યોગદાન રહ્યું છે .
જગતાબાનું સૌથી મોટું સ્વપ્ન સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાનું હતું. તેઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મારા સમાજને શિક્ષણ ની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી હું ખાટલા કે પથારીમાં ઊંઘીશ નહિ –આવી કઠોર પ્રતિજ્ઞા લેનાર ખાદીધારી માણસ. ઇ.સ.1978માં સમાજની સેવા અને શિક્ષણ અર્થે આંજણા પટેલ કેળવણી મંડળની રચના કરી અને છાત્રાલય શરૂ કરી . ઇ.સ. 1986માં સમાજને કુરિવાજોની બદીઓમાથી મુકત કરાવવા માટે ગાયત્રી વિધાલયનો પાયો નાખ્યો . આજે આ સંસ્થા સરહદી ક્ષેત્રમાં એક વટવૃક્ષ સમી જગતાબાની હયાતીની સાક્ષી પૂરી રહી હોય એમ ઊભી છે.વર્ષ 1995+96મા સમાજની પાચ જેટલી દિકરીઓને ગાંધીનગર મુકામે સ્વ ખર્ચે અભ્યાસ કરવા મુકેછે.હાલમાં આ સંસ્થામાં એમનું બાવલું ઊભું છે ,એ એમના કાર્યની ફોરમ પ્રસરાવી રહ્યું છે .
તેઓ સામાન્ય અને ગરીબ જન જનના હ્રદયમાં આજે પણ હયાત છે. તેઓએ દરેક સમાજને સન્માન ,શિક્ષણ ,કુરિવાજોથી મુકત કરવા અને અંધશ્રધ્ધાથી બહાર લાવવા પ્રયત્નશીલ રહ્યા. આજથી 50 વર્ષ પહેલા પણ સામાજિક સમરસતા માટે સમૂહભોજનનું આયોજન કર્યું હતું.જેના લીધે તેઓને સમાજ બહાર પણ કરવામાં આવ્યા અને આગેવાનોની સમજૂતી બાદ પુન:સમાજમાં લેવામાં આવ્યા.આ બાબત એમની અન્ય સમાજપ્રત્યેની લાગણીનું ઉ.દા .પૂરું પાડે છે.
સરહદી ક્ષેત્રમાં સુકારણમાં સમાજ સુધારણા ,શિક્ષણ અને લોકોના ઉત્થાન માટે પોતાનું સમગ્ર જીવન ખપાવી દેનાર જગતાભાઈ માવાભાઇ પટેલ (જગતાબાપુ)ને સરહદનો પ્રત્યેક વ્યકિત “શાસ્ત્રીજી”, સરહદના સરદાર જેવા હુલામણા નામે આજે પણ જાણે છે .
એમની અંતિમ ઇચ્છા હતી કે મારો સમાજ વ્યસન મુકત હોય, ઘેર ધેર દીકરીના વધામણાં હોય .દરેક ઘરમાં તુલસી અને ગાય હોય ,સમાજના દીકરા-દીકરી ભણીગણી ને આગળ આવે . મારી ઈચ્છા મુજબના સમાજનું નિર્માણ થશે ,તો મને આપેલી શ્ર્ધ્ધાંજલી સાચી શ્ર્ધ્ધાંજલી ગણાશે.
લેખન:- વંશ માલવી
માહિતી સ્ત્રોત :- પ્રકાશકુમાર સુથાર રીસર્ચ -4-3-2018
ચંદરવો-રાધવજી માધડ
Subscribe to:
Post Comments (Atom)
ખુબ સુંદર👍👌
ReplyDeleteKhub saras
ReplyDelete