Sunday, October 24, 2021
છોડવું સરળ નથી... ડૉ.જી.એન.ચૌધરી
છોડવું સરળ નથી
દર ચાલીસ સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે. બીજા શબ્દોમાં કહીએ તો આટલી વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે જીવન જીવવાનું છોડી દે છે. આ છોડવા પાછળના ભાવને તમે સમજી શકો છો. સ્વૈચ્છિક રીતે જીવન છોડવું સરળ નથી પણ ખૂબ દુષ્કર હોય છે.
સરકારી કર્મચારી નિશ્ચિત કરેલ વય થતાં નોકરી છોડી દે છે. નોકરી છોડવાની ઈચ્છા ના હોય છતાં નોકરી છોડવી પડે એટલે નોકરી ફરજીયાત રીતે છોડાવવામાં આવે છે તેમ કહીએ તો પણ કંઈ ખોટું નથી.
કેટલાક કર્મચારીઓ સ્વૈચ્છિક રીતે નોકરી છોડી દે છે. આ છોડવા પાછળ ક્યાંક કોઈ સારો વિકલ્પ મળ્યો હશે અથવા ક્યાંક નોકરી છોડવાની કોઈ મજબૂરી કારણભૂત હશે. સ્વૈચ્છિક રીતે નોકરી છોડવી પણ સરળ નથી હોતી.
હમણાંજ ગુજરાત અને પંજાબના મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી પદ છોડી દીધું. સ્વૈચ્છીક પદ છોડવા માટે રાજુનામું આપવામાં આવતું હોય છે. આ રાજીનામામાં રાજીપો હોય ખરો ? રાજીખુશીથી રાજીનામું આપનારા કેટલા ? આ પદ છોડવા પાછળનો ભાવ તમે સમજી શકો છો.
આયુ મર્યાદાના કારણે શરીર જીર્ણ બની ગયું હોય તેવી વ્યક્તિને તમે એવું કહેતા સાંભળી હશે ' હવે ભગવાન લઈ જાય તો સારું.' આવું કહેવું સરળ હશે પણ યમરાજા આવીને ઊભા રહે ત્યારે તેમની સાથે જીવન છોડીને ચાલવું એટલું સહેલું નથી.
ક્રિકેટના કેપ્ટન ને કેપ્ટનશિપ એક દિવસ છોડવાનીજ હોય છે પણ કેપ્ટનશિપ છોડવાની ઘટના એટલી સુખદ નથી હોતી.
કોઈ પણ હોદ્દો મળવો એનો અર્થજ એ થાય કે હોદ્દો એક દિવસ છોડવાનો છે, જન્મ લેવાનો અર્થજ એ થાય કે એક દિવસ જીવન છોડવાનું છે. આ સત્ય વાત ને પચાવવી ક્યાં સરળ છે?
પુત્રવધુ ઘરમાં આવતાંજ નક્કી થઈ જાય છે કે એક દિવસ પોતાના પુત્ર કરતાં વધુ એવી પુત્રવધુને ઘરનો વહીવટ સોંપવાનો છે, છતાં વહીવટ છોડવો કેવો અઘરો પડે છે !!
ઘરનો વહીવટ ઘણીવાર સાસુ વહુ વચ્ચેના ઝઘડાનું મૂળ બની જતો હોય છે. વહીવટ છોડવો સરળ નથી.
'મેળ ના આવે તો છૂટટાછેડા લઈ લેવાના' પણ છુટા પડવું એટલું સરળ નથી હોતું.
'રાગ ના આવે તો સબંધ કાપી નાંખવાનો' સંબંધોની કાપણી શાકભાજીની કાપણી જેટલી સરળ નથી હોતી.
આશ્રમના ગાદીપતિ ને પણ ગાદી છોડવી કયાં ગમે છે ? ગાદી સાચવવા ગાદીપતિ ક્યાંક મૂલ્યો સાથે બાંધછોડ કરતા પણ જોવા મળે છે.
અધ્યાત્મના રસ્તે ચાલવા પ્રયત્ન કરનાર સાધકને પણ પોતાનો અહમ છોડવો દુષ્કર લાગે છે.
વ્યક્તિ પોતાની વાત અસત્ય છે તેવું જાણતી હોવા છતાં 'પોતાનીજ વાતનું મમત્વ' ક્યાં છોડી શકે છે ? પોતાના અહમ કે સ્વાર્થના કારણે सत्यम् मम । માનવાની જગ્યાએ मम सत्यम्। 'મારી જ વાત સત્ય' તેને પકડી રાખે છે.
'ખરાબ ટેવો, વ્યસનો વિશે વિસ્તારથી ભાષણ આપી શકે તેટલી માહિતી ધરાવનાર વ્યક્તિ પણ સરળતાથી વ્યસન છીડી શકતી નથી.
'બાળકોને શિક્ષા નહિ પણ શિક્ષણ આપવાનું છે.' પણ શિક્ષા વગર શિક્ષણ કેવી રીતે આપી શકાય ? તેવું રૂઢ થયેલું વલણ અતાર્કિક હોવા છતાં તે વલણ છોડવું ક્યાં સરળ છે!!
'સાઈઠ વર્ષ પછી સલાહ આપવાનું છોડી દેવું જોઈએ.' આવી સલાહ આપનાર પણ સાઈઠ વર્ષ પછી સલાહ આપવાનો ભાવ ક્યાં છોડી શકે છે ?
'ડૉકટરો છૂટી પડ્યા છે.' આ છૂટી પડવાની વાત પચાવવી કેટલી દુષ્કર થઇ પડે છે !!'
સમાચાર પત્રમાં યુવાન દીકરા દીકરીના ફોટા છપાવીને 'સબંધ કાપી નાંખ્યો છે' તેની જાહેરાત કરનાર માટે સબંધ છોડવો ક્યાં સરળ છે ? સબંધ છોડનાર માતાપિતાના દીલની શુ સ્થિતિ હશે તે તો તે માતાપિતા જ જાણી શકે.
'હવે ભૂલી જવાનું, ન માને તો છોડી દેવાનું' આ વાક્ય બોલવું સરળ છે પણ ભૂલી જવું ક્યાં સરળ છે ?
'હવે કામધંધો કરવાનો છોડી દીધો' છોડી દીધો કે શરીરની નબળાઈના કારણે કામધંધો છોડવો પડ્યો ? કામધંધો છોડવો ક્યાં સરળ છે ?
'કોઈએ આપણને કહેલાં કડવાં વેણ, કોઈએ કરેલું આપણું અપમાન, ભૂલવું ક્યાં સરળ છે ?'
'સરપંચ નો હોદ્દો છોડનાર વ્યક્તિ પણ પંચાયતઘરની ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખતી જોવા મળે છે.'
'માંગણીથી બદલીના સ્થળે જતાં પણ જે તે સ્થળ છોડવું ક્યાં સરળ લાગે છે ?'
ભણવાનું છોડનાર બાળકોનો પણ બારીકાઈથી અભ્યાસ કરશો તો 'ભણવાનું છોડતાં પણ તેમનો જીવ બળે છે તેવું જાણવા મળશે.'
'ભગવાને ખૂબ આપ્યું છે પણ એમના હાથે જમ બેઠા છે, એક કાણીયો પૈસો છૂટતો નથી.'
'બધું અહીંના અહીં પડી રહેવાનું છે, કશુંજ સાથે આવવાનું નથી.' આવું ડહાપણ જાણતી વ્યક્તિ કોઈને ઉછીની વસ્તુ પણ આપવા તૈયાર નથી હોતી, તો આ બધું છોડવા કેવી રીતે તૈયાર થાય ? કદાચ એટલેજ મરણ પછી ભેગી કરેલી કે વસાવેલી વસ્તુઓમાં વ્યક્તિનો જીવ રહી જતો હશે. એટલા માટેજ શંકરાચાર્ય એ ખૂબ સરસ કહ્યું છે કે..
*अङ्गं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् ।*
*वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम्।।*
અંગો ગળી ગયાં, માથાના વાળ પાકી ગયા (ધોળા થઈ ગયા), મોઢામાં દાંત રહ્યા નહિ, ઘરડો થઈ ગયો, તો પણ આશા દેહને છોડતી નથી.
એટલા માટેજ એવું કહેવાય છે કે.. *Departure is Always SAD.*
*છોડવાની સલાહ આપવી સરળ છે,પણ છોડવું સરળ નથી. છોડી દીધું કે છૂટી ગયું તે અભ્યાસનો વિષય છે.*
એક અનુભવેલા પ્રસંગ પરથી સમજવા પ્રયત્ન કરીએ.
ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસની હાજરી હોય છતાં કેટલીક વ્યક્તિઓ ટ્રાફીકના નિયમો ભંગ કરીને ભાગી જતાં તમે જોયા હશે. પોલીસ પકડવા પાછળ દોડે પણ તે વ્યક્તિ પકડાય નહિ અને જતી રહે અને પોલીસ એમ કહે કે *'જવા દીધો'*
વાસ્તવમાં જવા નથી દીધો જતો રહ્યો છે. આ ઘટના પકડવાની અસમર્થતા સૂચવે છે.
*દ્રાક્ષ ખાટી છે. Grapes are sour.*
આ કહેવત આપણે બધાએ સાંભળી છે અને પરિસ્થિતિ મુજબ એનો ઉપયોગ પણ કર્યો હશે. આજકાલ છોડવાની વાત આવા પ્રકારની જોવા મળે છે.
આપણા શાસ્ત્રોમાં છોડવા માટે *'ત્યાગ'* શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ત્યાગ એટલે છોડવું નહીં, ત્યાગ એટલે રોકવું, વાવવું.
ભારતીય સંસ્કૃતિ ની ત્રણ આધારશીલા
1. અહિંસા
2. ત્યાગ
3. બ્રહ્મચર્ય
*ત્યાગ એ આધ્યાત્મિક જીવનનો સૌથી મોટો અભ્યાસ છે.*
હું મહેસાણાથી પાલનપુર જવા માટે બસમાં બેસું ત્યારેજ મને ખબર છે કે મારે પાલનપુર ઉતરવાનું છે, તો પાલનપુર ઉતરતાં મને બસ ની આસક્તિ નહિ થાય અને હું સરળતાથી ઉતરી જઈશ.
મારી પાલનપુર diet માં બદલી થઈ ત્યારે મને ખબર હતી કે મારી જોડે ત્રણ વર્ષનો સમયગાળો છે. Begin with the End in your mind. તો છોડવાની સરળતા રહેશે અને તે સમયનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરી શકીશું.
સંસ્કૃતમાં સરસ વાત કરી છે.
*इदम न मम : ।*
*આ મારું નથી...*
મારું નથી નો ભાવ સુખી કરનારો છે. આ જમીનનો હું માલિક નહિ પણ ટ્રસ્ટી છું. આ શરીરનો હું માલિક નથી. શરીરના માધ્યમથી હું જીવન યાત્રા કરી શકું છું.
*शरीर माध्यम खलु धर्म साधनम् ।*
જનક રાજા રાજા હોવા છતાં મહાન ત્યાગી કહેવાયા છે. *ત્યાગીને ભોગવી જાણો..* તે ભાવ તેમનામાં પડેલો જોવા મળે છે.
નાનકડો ત્યાગ પણ મનને શાંત કરે છે. જ્યારે નાનકડી અયોગ્ય પક્કડ માનવીને દુઃખી કરે છે.આપણને અનુકૂળ ના હોય તેવા કાર્યક્રમ,પ્રસંગ કે જગ્યાએ ટાળી શકાય એવું હોય તો જવાનું છોડીને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકાય. આપણા શરીરને અનુકૂળ ન હોય તેવા ખોરાક છોડીને શારીરિક મુશ્કેલીઓથી બચી શકાય.
શું પકડવું અને શું છોડવું ? શ્રેષ્ઠ ત્યાગ કોને કહેવાય તેનું સરસ માર્ગદર્શન શ્રી કૃષ્ણ ભગવાને ભગવદગીતા માં આપ્યું છે.
*સહજં કર્મ કૌન્તેય સદોષમપિ ન ત્યજેત્ ।*
*સર્વારમ્ભા હિ દોષણ ધૂમેનાગ્નિરિવાવૃતાઃ ॥ ૧૮/૪૮ ॥*
હે કૌન્તેય! દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ; કેમકે ધૂમાડાથી અગ્નિની પેઠે સઘળાં કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે.
*દુઃખમિત્યેવ યત્કર્મ કાયક્લેશભયાત્ત્યજેત્ ।*
*સ કૃત્વા રાજસં ત્યાગં નૈવ ત્યાગફલં લભેત્ ॥૧૮/૮॥*
જે કંઈ કર્મ છે, એ સઘળું દુઃખરૂપ જ છે - એમ માનીને જો કોઈ માણસ શારીરિક ક્લેશના ભયથી કર્તવ્યકર્મોનો ત્યાગ કરી દે, તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો. ॥
*કાર્યમિત્યેવ યત્કર્મ નિયતં ક્રિયતેઽર્જુન ।*
*સઙ ત્યક્ત્વા ફલં ચૈવ સ ત્યાગઃ સાત્ત્વિકો મતઃ ॥ ૧૮/૯||*
હે અર્જુન! જે શાસ્ત્રવિહિત કર્મ, ‘કરવું કર્તવ્ય છે’ એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે, એ જ સાત્ત્વિક ત્યાગ મનાયો છે.
कर्मणे वाधिका रस्ते मा फलेषु कदाचन ।
આજે વ્યક્તિ કુદરતના આ સિદ્ધાંત ની વિરુદ્ધ જાય છે.કર્મ કરતા નથી કે કર્મમાં કુશળતા બતાવતા નથી અને ફળની અપેક્ષા રાખે છે. ફળની અપેક્ષા વગરનું કર્મ એ પણ ત્યાગ છે. નાનપણથી જ પકડવાની સાથે છોડવાનો અભ્યાસ કરવો જોઈએ. સાત્વિક દાન કરવું એ પણ ત્યાગનો અભ્યાસ છે. કોઈ પણ સ્વાર્થ વગર કોઈના ઘરે જવું એ પણ આજના સમયમાં અહમ ના ત્યાગનો અભ્યાસ છે. અહંકાર કાઢવાનો એકજ ઉપાય કોઈ કાર્યમાં ડૂબી જવું.
દિવાળીના દિવસોમાં ઘરની સફાઈ કરતી વખતે કેટલીએ એવી વસ્તુઓ હાથમાં આવશે જે ખરીદી કર્યા પછી જેનો કોઈ ઉપયોગ નહિ થયો હોય, આપણા માટે તે વસ્તુઓ outdated હશે પણ કોઈકના માટે તે ખૂબ ઉપયોગી હશે. બીજાને ઉપયોગી હોય તેને તે વસ્તુઓ આપીને છોડવાનો અભ્યાસ પણ કરી શકાય. આપણા ઘરમાં કે ઓફિસમાં અન્ય સભ્યોને કોઈપણ જાતનો હસ્તક્ષેપ કર્યા વગર કામ કરવાની સ્વતંત્રતા આપવી એ પણ એક જાતના ત્યાગનો અભ્યાસ છે. બીજાની વાતમાં માથું મારવાનું બંધ કરવું, પડોશી શુ કરે છે તેની પંચાતમાં ન પડવું, બાળપણમાં કે યુવાનીમાં પડેલી કુટેવોમાંથી બહાર આવવું, બિનજરૂરી રાજકારણની ચર્ચાઓ છોડવી,બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરવો, ધર્મ આધારિત કમાણી સિવાયની કમાણી ન કરવી,ઊંઘ પ્રમાદ ઓછા કરવા, વ્રત ઉપવાસ કરવા જેવી પ્રવૃતિઓ દ્વારા ત્યાગનો અભ્યાસ કરી શકાય.
હું ત્રેવીસ ચોવીસ વર્ષનો હતો ત્યારે નેપાળના પ્રવાસે ગયો હતો, તે સમયે અમે દિલ્હી પહોંચ્યા ત્યાં એક માજી બિમાર થયાં તેમને લઈને પરત ઘરે આવવાનું હતું. હજુ પ્રવાસના પચીસેક દિવસ બાકી હતા. કોણ પાછું આવે ? બે યુવાન મિત્રો તૈયાર થઈ ગયા અને એ માજીને લઈને પરત આવ્યા. આજે પણ તે બે મિત્રોની એક ઉમદા છાપ મારા મન પર છે. *ત્યાગની બહુ મોટી કિંમત છે.* મહેનત કરીને મેળવેલું, હક્કદાર હોય તો પણ છોડી દેવું તેની કિંમત ભગવાનના દરબારમાં પણ બહુ મોટી હશે. શાળાઓ માટે પોતાની જમીન છોડી દેવી, પોતાના ભાઈ, કુટુંબ,ગામ, સમાજ, દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરનારને સલામજ કરવી રહી. સમાજમાં કેટલીયે એવી વ્યક્તિઓ છે કે જેને પોતાની કમાણીનો મોટો ભાગ દાનમાં આપી દીધો છે.
ખરેખર તો ત્યાગી કરનાર ઘણું બધું પ્રાપ્ત કરે છે. સાત્વિક ત્યાગ પ્રભુ મેળવવાનું મોટું સાધન છે. *નાનો મોટો ત્યાગ કરનાર સૌ મહાન આત્માઓને ભાવપૂર્વક વંદન.*
Always keep hoping for Good
ત્યાગનો ભાવ ઉજાગર થાય તે ભાવ સાથે.
આપનો સ્નેહાધીન
🙏 *ડૉ.જી.એન.ચૌધરી* 🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment