Wednesday, July 20, 2022

"છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાતરડાના હાથા પર સ્વમાનભેર જીવન ગુજારી શકે"- ગલબાકાકા

"છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાતરડાના હાથા પર સ્વમાનભેર જીવન ગુજારી શકે"- ગલબાકાકા

        ગુજરાતના ઉત્તર સરહદે આવેલો રણપ્રદેશથી ઘેરાયેલ ઓછો પાણીદાર વિસ્તાર ધરાવતો જિલ્લો એટલે બનાસકાંઠા. ઉત્તર ગુજરાતના બનાસ વિસ્તાર ભૌગોલિક રીતે વિષમતા ખરી પણ! અહીંના મનેખ પરિશ્રમી, કુદરતની વચ્ચે રહેનાર, ખમીરવંતા, જીવનની થપાટો ખાઈને બેઠા થનાર, પાણીદાર, માયાળુ. બનાસે અનેક પ્રતિભાવંતી વ્યકિતઓ આપ્યા છે, એમાનાં એક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ (ગલબાકાકા). 
           બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરથી નજીક વડગામ તાલુકાથી 6 કિ. મી. અંતરે આવેલ નળાસર ગામ ગલબાકાકાની જન્મભૂમિ. એક સામાન્ય ખેડુત કુટુંબમા 15મી ફેબ્રુઆરી 1918ના રોજ જન્મ થયો. માતા હેમાબેન અને પિતા નાનજીભાઈ. ગલબાકાકને પિતાનું સાનિધ્ય લાબું પ્રાપ્ત થયું નહિ, બે વર્ષ જેટલી નાની વયે એમને પિતાની છત્રછાયા ગુમાવી દીધી. પિતાના અવસાન બાદ માતા એમનો આઘાત સહન કરી શકયા નહિ, છ માસમાં સ્વર્ગવાસ થયો. માતા-પિતા બન્નેની કુમળી વયે છત્રછાયા ગુમાવનાર ગલબાભાઈની તમામ જવાબદારી દલુભાઈના શિરે આવી. આમ, ગલબાકાકાનો ઉછેર કાકા-કાકીના સાનિધ્યમાં થયો. 
             ગલબાભાઈને ભણી ગણીને આગળ વધવાની ખેવના ખરી પરંતુ એ સમયે બનાસકાંઠા જિલ્લો ભણતર બાબતે અતિપછાત. ભાગ્યે જ કોઈ વ્યકિત ભણેલો મળે. ગલબાભાઈ સીમમાં પશુઓ ચરાવવા જાય, ત્યાં એમની મિત્રતા ગલબાભારથી સાથે થઈ. આ ગલબાભારથી ગામમાં બે ચોપડી ભણેલો છોકરો. બન્ને ગાઢ મિત્રો. ગલબાભાઈની ભણવાની ઈચ્છા જોઈને ગલબાભારથીએ એમને અક્ષરજ્ઞાન આપવાની શરૂઆત કરી. બન્ને મિત્રો પશુઓને સીમમાં રેઢા ચારવા મુકીને કુદરતના સાન્નિધ્યમાં પ્રકૃતિના ખોળે બેસીને ભણવાની શરુંઆત કરી. દલુભાઈને આ વાતની ખબર પડીને અને ગલબાભાઈને ભણવા નિશાળે બેસાડે છે. થોડાક સમય બાદ ગલબાભાઈને કાણોદર શાળામાં ભણવા જાય છે, ત્યાં તેઓ અસ્પૃશ્યતા ના ભેદને ભુલાવીને દલિત વિઘાર્થીઓને મિત્રો બનાવ્યા અને લોકોને આ દુષણથી મુકત રહેવા રાહ ચિધ્યો. આમ ગલબાભાઈ થોડું ગણું ભણે છે. 

              અભ્યાસ બાદ તેઓ વેપારની દિશામાં ડગ ભરે છે. તેઓ શરુંઆતમા ભાગીદારીમાં દુકાન કરે છે. પરંતુ ગલબાભાઈ કોમળ હ્રદયના દયાળું સ્વભાવ એટલે ગરીબોને વસ્તુ મફત આપી દે, ઉઘાર માગનારને ઉધાર આપે અને ઉધરાણી પણ ન કરે. થોડાક સમયમાં દુકાન બંઘ કરવી પડી. પછી તેઓ લાકડાની લાટીનો ધંધો ભાગીદારીમાં શરુ કર્યો પણ એમાંથી ભાગ કાઢી નાખ્યો. ગામમાં દુકાન નાખી પણ ઝાઝી ફાવટ ન આવીને દુકાન બંઘ થઈ. ગલબાભાઈ વેપારના ધંધામાં સંપૂર્ણ નિષ્ફળ થયા પણ એમના મનથી હાર ન માનનારા.આમ વારંવાર ધંધામાં નિષ્ફળ રહ્યા. 
             આપણે પાલનપુરમાં પ્રવેશ કરીએ ને આપણા માનસપટ પર બનાસડેરીનુ ચિત્ર ન આવે એવું કયારે બને નહિ.ગઢામણ દરવાજાથી થોડેક આગળ ડેરી રોડ પર એક પ્રતિમા સર્કલ પર ઊભી છે જે જોઈને દરેક બનાસવાસીના ચહેરા પર સ્મિત રેલાય, છાતી ગદગદિત ફુલી જાય એ આપણા ગલબાકાકાની પ્રતિમા. 
          ગલબાભાઈનું બસ એક જ સ્વપ્ન જિલ્લાના છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાતરડાના હાથા પર સ્વમાનભેર જીવન ગુજારી શકે". પાલનપુર અને વડગામ તાલુકામાં  પશુપાલનનો વ્યવસાય થકી દુધમંડળીઓની શરુંઆત કરી, દુધ એકત્ર કરીને મહેસાણા દૂધસાગર ડેરીમાં આપી આવે.થોડાક સમય બાદ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ. પાલનપુરની નોંધણી કરી ડેરીની શરુંઆત કરી.માત્ર આઠ જેટલી મંડળીઓથી શરું થયેલ બનાસ આજે વિશ્વમાં શ્વેતક્રાંતિ માટે એક મિશાલ બની રહી છે , એ ગલબાકાકાના વિઝનનું પરિણામ છે. 
           આજે પ્રતિદિન બનાસકાંઠા જિલ્લામા પશુપાલકોના બેન્ક ખાતામાં 3 ત્રણ કરોડ રૂપિયા આવે છે.બનાસકાંઠા જિલ્લાની લાખો પશુપાલક બહેનો ભાઈઓના ચહેરા પર જે આર્થિક આઝાદીનું સ્મિત રેલાઈ રહ્યું છે, બનાસડેરીમા સેવા આપતા હજારો કર્મચારીઓના ઘરનો ચુલો પ્રગટાવવાનું કાર્ય જે કાર્ય થઈ રહ્યું છે;એના મુળમાં ગલબાકાકાના પરિશ્રમની ફોરમ છે. 
              આજે બનાસડેરીએ સીમાડાઓને ઓળંગીને રાજસ્થાન,ઉત્તર પ્રદેશ જેવા રાજયોમાં પણ લોકોને સ્વનિર્ભર બનાવવા માટે જે પ્રયાસ કર્યો છે એમાં ગલબાકાકાની દીર્ધદષ્ટિના દર્શન થાય છે. 

          
             ગલબાકાકા દ્રીભાષી મુંબઈ રાજ્યની ધારાસભાની ચૂંટણીમાં ચૂંટાયા અને ૧૯૫૭ની ધારાસભાની ચૂંટણીમાં પણ તેઓ વિજય થયા હતા. ગલબાભાઈ નાનજીભાઈ પટેલએ ઈ.સ ૧૯૬૮માં બનાસકાંઠા જિલ્લાના પંચાયત પ્રમુખ બન્યા હતા. તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ પણ પ્રમુખ રહ્યા હતા.ગલબાકાકાએ પોતાના માનવ ધર્મને સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવ્યો છે .
                આપણા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ગલબાકાકાની દીર્ધદષ્ટિની પરખ કરી છે,એમને અનેકવાર એમના ભાષણોમાં આ મહામાનવના કાર્યપધ્ધતિ અને વિચોરોનો ઉલ્લેખ કર્યો છે.
                 બનાસડેરીના વર્તમાન ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ ગલબાકાકાના નામ પર જિલ્લામાં પ્રથમ મેડિકલ કોલેજ એમના નામ પર બનાવીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.  
              આજે હું અને સમસ્ત બનાસવાસીઓ ગલબાકાકાના નામને સન્માનભેર લઈ રહ્યા છીએ, એમના મુળમાં એમના સાદગી, સેવા વૃતિ અને ત્યાગ જેવા ગુણો રહેલા છે. સાદગી અને કર્મની મૂર્તિ એવા ગલબાકાકાને સત સત વંદન. 

      લેખન:- વંશ_માલવી

No comments:

Post a Comment