Tuesday, January 24, 2023
ફૂલો, અત્તર, હુન્નર અને શાયરોનું નગર -પાલનપુર
*ફૂલો, અત્તર, હુન્નર અને શાયરોનું નગર -પાલનપુર*
માણસ ઈતિહાસ,ઓળખ અને પ્રતિભા ધરાવે છે,એમ કોઈ નગરના ઈતિહાસને સજીવન કરવાનો પ્રયાસ કરીએ તો નગર પણ સજીવન થાય છે,બોલે છે,ખીલે છે,સાક્ષી બને છે;એવું જ આપણું પાલનપુર . પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક. ઐતિહાસિક ઓળખ ધરાવતું પ્રહલાદનપુર એટલે પાલનપુર. સોલંકી વંશના પ્રસિદ્ધ શાસક સિધ્ધરાજ જયસિંહનું જન્મ સ્થળ.પાતાળેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરતું પાલનપુર. હા,એ! ખોડા લીમડા વાળું બક્ષીબાબુનું પાલનપુર. ઢાળવાસની ગફુરભાઈની મહેંદી વાળું પાલનપુર.
પાલનપુરનો ઈતિહાસ આશરે ૭૫૦ વર્ષથી ૮૦૦વર્ષ જૂનો છે. પાલનપુરની સ્થાપના પાલ પરમાર વંશના પ્રહલાદન નામનાં રાજપૂત દ્વારા કરવામાં આવી હતી એવું મનાય છે.જેના કારણે પ્રહલાદનપુર તરીકે જાણીતું હતું.
અફધાનોની લોહાની જાતિના રજવાડાની પાલનપુર રાજધાની હતી એવું પણ મનાય છે.
પ્રાચીન સમયમાં પાલનપુર પ્રહલાદન પાટણ (પ્રહલાદનપુર) નામે જાણીતું હતું,જેનો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં જોવા મળે છે.
પાલનપુર શહેરના શાસકોમાં ગઝની ખાનનાં ભાઈ મૌલિક ફિરોઝ થી લઈને બહાદુરખાન જેવા અનેક શાસકો આવતા રહ્યા હતા.પાલનપુર શહેરની સુરક્ષા હેતુ બહાદુર ખાને શહેરની ફરતે નગરકોટ બંધાવ્યો હતો, જેમાં સાત પ્રહરી દરવાજાઓ પણ હતાં.જેમા દિલ્લી દરવાજો, મીરાં દરવાજો, ગઠામણ દરવાજો,માલણ દરવાજો,વિરબાઈ દરવાજો,સલેમપુરા દરવાજો,શિમલા દરવાજો નામનાં દ્વારો સામેલ હતા,જે પૈકી હાલ માત્ર મીરાં દરવાજો હયાત જોવા મળે છે.જે પાલનપુરના ઇતિહાસની સાક્ષી પૂરે છે.
પાલનપુરને નવાબી નગરી તરીકે ઓળખવામાં આવે છે. પાલનપુર રાજય પર નવાબોનું શાસન રહ્યું છે.તાલે મહંમદ ખાન બહાદુર નામે પાલનપુરના જાણીતા નવાબ હતાં. વર્તમાનમાં જે કીર્તિ સ્તંભ પાલનપુરની ઓળખછખ,રોનક વધારે છે જેનું બાંધકામ એમનાં દ્રારા થયું હતું.આ સિવાય બાલારામ પેલેસ અને જોરાવર પેલેસ નું નિર્માણ કરાવ્યું હતું. હાલમાં પાલનપુરમાં જહાનારા બાગ તરીકે ઓળખાતા શશીવન બગીચાનું નિર્માણ બીજી પત્ની જોન ફોલ્કિનેર માટે કરાવ્યું હતું.
ઐતિહાસિક ઓળખ ધરાવતું પ્રહલાદનપુર (પાલનપુર) એટલે નવાબી નગરી, ફૂલોની નગરી, અત્તરની નગરી, હુન્નર ની નગરી જેવા અનેક નામોથી સુપ્રસિદ્ધ છે. હજું પણ ઉમેરવું હોય તો ! શાયરોની નગરી, સાહિત્યની નગરી,શ્વેતસરિતાની નગરી એટલે પાલનપુર.
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પાલનપુર શહેરનો વિકાસ વેપાર -ધંધામા ખૂબ થયો,હીરા ઉધોગ માટે એક ઓળખ બની એટલે હુન્નર ની નગરી કહેવાઇ.
પાલનપુર શહેરના આસપાસ વિસ્તારમાં ફૂલોનાં બગીચા ખેતી થતી હતી ,હાલ પણ થાય છે એટલે ફૂલોની નગરી તરીકે જાણીતું થયું. અહીં નું અત્તર દેશ-વિદેશમા જાણીતું હતું એટલે અત્તરની નગરી તરીકે પ્રસિદ્ધ છે.
પાલનપુરની માટીમાં અનેક માનવ રત્નો જન્મ્યા. જેમા કવિ,લેખક અને શાયરો પણ સામેલ છે. પાલનપુરની ધરતીએ બક્ષી જેવા સાહિત્યકારો આપ્યાં છે. અદના શાયરો અહીંની ઓળખ છે ,એટલે શાયરો અને સાહિત્યની નગરી પણ કહેવાય છે.
પાલનપુરમાં એશિયાની સૌથી મોટી સહકારી ડેરી બનાસ આવેલી છે.બનાસ ડેરીએ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની દીર્ઘ દષ્ટિનું પરિણામ છે.પાલનપુરને વિશ્વ ફલક પર ઓળખ અપાવી છે.*આમ! પાલનપુર ગઈકાલે, આજે અને આવતીકાલે પ્રતિભાવંત હતું છે અને રહેશે.* પાલનપુર આવો તો આટલું અચુક જોજો! પાતાળેશ્વર મહાદેવજી મંદિર, કીર્તિ સ્તંભ,જોરાવર પેલેસ, બાલારામ પેલેસ,જહાનારા બાગ, મીરાં દરવાજો,બનાસ ડેરી.
*લેખન*
વંશ_માલવી(વશરામ પટેલ)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment