Wednesday, July 3, 2024

ઉનાકોટી.. એટલે એક કરોડમાં એક ઓછું.

માનનીય સુધા મૂર્તિ જી એ કાલે લોકસભા માં જે જગ્યા નો ઉલેખ કર્યો તે...ઉનાકોટી... ત્રિપુરાના ઉનાકોટીમાં બનેલી 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓનું રહસ્ય, આજ સુધી કોઈ જાણી શક્યું નથી ઉનાકોટી.. એટલે એક કરોડમાં એક ઓછું ત્રિપુરાની રાજધાની અગરતલાથી લગભગ 145 કિલોમીટર દૂર ઉનાકોટી તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે અહીં કુલ 99 લાખ 99 હજાર 999 પથ્થરની શિલ્પો છે, જેના રહસ્યો આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. જેમ કે - આ મૂર્તિઓ કોણે બનાવી, ક્યારે અને શા માટે બનાવી અને સૌથી મહત્વની વાત એ છે કે એક કરોડમાં માત્ર એક જ શા માટે? જો કે આની પાછળ ઘણી એવી કહાનીઓ છે જે આશ્ચર્યજનક છે.
આ રહસ્યમય પ્રતિમાઓને કારણે આ જગ્યાનું નામ ઉનાકોટી પડ્યું છે, જેનો અર્થ થાય છે એક કરોડમાં એક ઓછી. આ સ્થળને પૂર્વોત્તર ભારતના સૌથી મોટા રહસ્યોમાંથી એક માનવામાં આવે છે. ઘણા વર્ષો સુધી આ જગ્યા વિશે કોઈ જાણતું ન હતું. જોકે હજુ પણ બહુ ઓછા લોકો તેના વિશે જાણે છે.
તે એક પહાડી વિસ્તાર છે જે ગાઢ જંગલો અને ભેજવાળા વિસ્તારોથી ભરેલો છે. હવે, જંગલની વચ્ચે લાખો પ્રતિમાઓ કેવી રીતે બનાવવામાં આવી હશે, કારણ કે તેમાં વર્ષો લાગ્યા હશે અને અગાઉ આ વિસ્તારની આસપાસ કોઈ રહેતું ન હતું. હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ વિશે એક પૌરાણિક કથા ખૂબ જ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે એકવાર ભગવાન શિવ સહિત એક કરોડ દેવી-દેવતાઓ ક્યાંક જઈ રહ્યા હતા. રાત્રી થઈ ગઈ હોવાથી, બાકીના દેવી-દેવતાઓએ ભગવાન શિવને ઉનાકોટી પર રોકાઈને આરામ કરવા કહ્યું. ભગવાન શિવ સંમત થયા, પરંતુ એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ સૂર્યોદય પહેલા સ્થળ છોડવું પડશે. પરંતુ સૂર્યોદય સમયે માત્ર ભગવાન શિવ જ જાગી શકતા હતા, બાકીના બધા દેવી-દેવતાઓ સૂતા હતા. આ જોઈને ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને બધાને શ્રાપ આપ્યો અને બધાને પથ્થર બનાવી દીધા. આ કારણથી અહીં 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓ છે, એટલે કે એક કરોડથી ઓછી અહીં ભગવાન શિવની કોઈ મૂર્તિ નથી.

Sunday, September 10, 2023

મૃત્યુ બાદ જીવિત રહેવાનો એક માત્ર વિકલ્પ અંગદાન

મૃત્યુ બાદ જીવિત રહેવાનો એક માત્ર વિકલ્પ અંગદાન
સમાજમાં અંગદાનનો અજવાસ પ્રસરવતા દેશમુખ દાદા 🖊️🖊️🖊️🖊️📝 - વંશ_માલવી. *અંગદાનમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે*
ભારત અને ગુજરાતના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો પણ આપણે જાણી શકીએ કે,આપણી ભૂમિ મહાપુરુષો, ક્રાંતિવીરો ,દાતાઓ,ત્યાગ અને બલિદાનની ભૂમિ છે. આજે પણ ગુજરાતીઓના લોહીમાં દાનનું તત્વ રહેલું છે. ટેકનોલોજીના યુગમાં દાનની પરિકલ્પના બદલાઈ રહી છે. ગુજરાતીઓ આજે રક્તદાનથી પણ બે કદમ આગળ ચક્ષુદાન,અંગદાન તરફ અગ્રેસર છે.૧૩ ઓગષ્ટ 'વિશ્વ અંગદાન જાગૃતિ દિવસ' તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.વિશ્વભરના લોકોમાં અંગદાન બાબતે જાગૃતતા કેળવવા માટે વિવિધ સંસ્થાઓ, સરકાર,અને લોકો પ્રયત્નશીલ છે . આજે આપણે એક એવી વ્યક્તિ વિશે વાત કરીએ,જેઓને ઈશ્વરે નવજીવન અર્પણ કર્યું છે, નવજીવન બાદ તેઓ અંગદાન જાગૃતિ અંગે ભેખ ધારણ કરીને સમાજ વચ્ચે નિકળી પડ્યા છે.
હા, વાત છે દિલીપભાઈ દેશમુખની... જેઓનું જન્મસ્થળ મહારાષ્ટ્ર છે, પરંતુ કર્મભૂમિ ગુજરાત છે.તેઓ નાનપણથીજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોથી પ્રભાવિત રહ્યીને કાર્યશીલ રહ્યા છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં આજીવન પ્રચારક તરીકે સેવા આપી રહ્યા છે.
કહેવામાં આવે છે ને કે કુદરતની નિયતિ નિશ્ચિત હોય છે.એક સમાજસેવક,પ્રચારક તરીકે કાર્યરત દિલીપભાઈ દેશમુખ ને અચાનક તબિયત ખરાબ થઈ.સારવાર દરમિયાન એમનું લિવર ખરાબ છે એ બાબત ધ્યાનમાં આવ્યું.જાણવા છતાં પણ ગભરાયા નહિ, હિંમત રાખી અને ઈશ્વરે પણ સાથ આપ્યો. દિલીપભાઈ દેશમુખને એક વ્યક્તિ નું લિવર દાનમાં મળ્યું,લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ તેઓ બેડરેસ્ટ કરીને ફરી તંદુરસ્ત થયા.સમાજ વચ્ચે તેઓ ઇશ્વરીય કૃપાથી પરત ફર્યા.તેઓની આ અવસ્થા એક નવો જન્મ કહીએ તોપણ ખોટું નથી. દિલીપભાઈ દેશમુખને નવોજન્મ મળતા જ તેઓએ વિચાર કર્યો કે માનવ સમાજમાં આવા કેટલાય લોકો હશે જે આવી બિમારીઓથી પિડીત હશે અને જીવન ગુમાવી બેસતા હશે.જો સમાજમાં અંગદાન વિશે જાગૃતતા લાવવામાં આવે તો આવા અનેક લોકોને નવું જીવન મળી શકે એમ છે. દિલીપભાઈ દેશમુખે અંગદાનને એક અભિયાન રૂપે સંકલ્પિત કરીને સમાજમાં જાગૃતતા લાવવા માટે સંકલ્પ કર્યો અને કાર્યની શરૂઆત કરી.
વર્ષ-૨૦૨૦થી 'અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ' ના માધ્યમથી દિલીપભાઈ દેશમુખ (દાદા ) ના નેતૃત્વમાં સમગ્ર ગુજરાત તથા દેશભરમાં અંગદાન જાગૃતિ અંગે કાર્યક્રમોની શરુઆત થઈ. અંગદાન સંકલ્પ, અંગદાન સિગ્નેચર કેમ્પ્યન , સોશિયલ મીડિયાના માધ્યમ તથા “અંગદાન જાગૃતિ રથ”ગુજરાતના વિભિન્ન જિલ્લાઓમાં અંગદાન જાગૃતિ અર્થે કાર્યરત કરવામાં આવ્યો. ટૂંકા સમયમાં સમાજમાં અંગદાન માટે એક સમજ ઊભી થઈ,જેના પરિણામો આપણી નજર સમક્ષ થવા લાગ્યાં. છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં માત્ર ગુજરાત સિવિલ હોસ્પિટલમાં ૧૨૦થી પણ વધુ લોકોએ અંગદાન કર્યું છે.આ આંકડો અત્યારની સ્થિતિએ વધુ પણ હશે. છેલ્લા ત્રણ વર્ષમાં ૭૦૦થી વધુ લોકોને નવજીવન પ્રાપ્ત‌ થયું છે, પરંતુ આ માત્ર પ્રયાપ્ત નથી .આજે રોડ અકસ્માતમાં વર્ષે ૧.૫ લાખ થી વધુ લોકો જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે આવા વ્યક્તિમાંથી જો ૫ ટકા લોકો પણ અંગદાન કરવા માટે તૈયાર થાય‌ તો દેશના‌ લાખો લોકોને નવજીવન આપી શકાય,કેટલાય પરિવારમાં રોશની થાય એમ છે. ભારતમાં ૧.૫ કરોડ અંધજનો છે,જેની સામે માત્ર વાર્ષિક ૧૮૦૦૦ જેટલા લોકો ચક્ષુદાન કરે છે. ૧ લાખ કિડની દાતાની વાર્ષિક જરુરિયાત છે,જેની સામે દાનનું પ્રમાણ નહિવત જ છે. આમ, ભારતમાં દરવર્ષે ૫ લાખ લોકોને અંગદાનની જરુર છે, દરરોજ ૧૭ જેટલા લોકો ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતાં મૃત્યુ પામે છે. દિલીપભાઈ દેશમુખે અંગદાનને એક અભિયાન રૂપે સમાજ વચ્ચે મુક્યું છે.તેઓ અંગદાન કોણ કરી શકે? કેટલા અંગોનું દાન થાય? ,કેવી પરિસ્થિતિમાં દાન કરી શકાય? એ તમામ બાબતો પર પ્રકાશ પાડીને સમાજમાં અંગદાન વિશે અજવાસ પાથરવાનું કાર્ય કરી રહ્યા‌ છે .આપણે પણ ‌જાણીએ અંગદાન વિશે વિસ્તૃત વાતો...
*અંગદાન કોણ કરી શકે..??* શરીરના અવયવોનું દાન કોઇપણ વ્યકિત કરી શકે. ચાહે તે સ્ત્રી હોય, પુરૂષ હોય કે બાળક તે કોઇપણ જાતિ, ધર્મ કે ઉંમરની વ્યકિત હોઇ શકે છે. અંગોનું દાન બે રીતે થાય છેઃ- (૧) તંદુરસ્ત જીવિત વ્યક્તિ લોહીના સંબંધમાં લિવર અને કિડની જેવા અંગોનું દાન કરી શકે છે (૨) બ્રેઇન ડેથ વ્યક્તિના અંગોનું દાન કરી આઠ(૮) લોકોને નવજીવન આપી શકાય છે.જેમાં જીવિત વ્યક્તિએ મજબુરી વશ અંગો ના આપવા પડે એટલે મગજ મૃત (બ્રેઇન ડેથ )વ્યક્તિઓનું માનવ હિતમાં વધુ પ્રમાણમાં અંગદાન થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. *બ્રેઇન ડેથ એટલે શું ..?* મનુષ્યનું મૃત્યુ બે રીતે થાય છેઃ-(૧)શ્વાસોશ્વાસ બંધ પડવાથી થતુ સામાન્ય મૃત્યુ (૨) મગજનું મૃત્યુ (બ્રેઇન ડેથ) જેમાં મગજ પુર્ણ રૂપે ડેમેજ થઈ જાય છે (મનુષ્ય નું જીવવું અસંભવ હોય) જે પણ મૃત્યુ જ છે.આવી બ્રેઇન ડેથની સ્થિતિમાં આપણે અંગદાનનો નિર્ણય કરી શકીએ છીએ.જેમાં પરિવારની સંમતિ બાદ અંગોનું દાન કરવામાં આવે છે જેનું અન્ય જરુરિયાત વાળા દર્દી માં પ્રત્યારોપણ કરવામાં આવે છે. *એક અંગદાન આઠ વ્યકિતઓને નવજીવન આપી શકે છે* બ્રેઈન ડેથ થયેલી વ્યકિતનાં કિડની, લિવર, હદય કે આંખો જેવાં અવયવોનાં દાન કરી શકાય છે.અંગદાન થકી વ્યક્તિ આઠ લોકોને જીવન આપી શકે છે.મૃત્યુ બાદ પણ જીવિત રહી શકે છે. *દાન કરેલ અવયવોનું પ્રત્યારોપણ કોનામાં થાય ?* દાતા દ્વારા દાન કરાયેલ અવયવોનું પ્રત્યારોપણ એવા દર્દીઓમાં થાય છે જેમને તે અવયવની તાતી જરૂર હોય અને જે અગ્રતાક્રમમાં આવતા હોય એવા દર્દીની પસંદગી તબીબી બાબતોને ધ્યાનમાં લઈને થાય છે જેવી કે બ્લડગ્રુપ, ક્રોસ મેચિંગ અને શારીરિક ક્ષમતા આદિને ધ્યાનમાં લઈને પસંદ કરવામા આવે છે. આ પસંદગીમાં દર્દીની આર્થિક સ્થિતિને લક્ષમાં લેવામાં આવતી નથી. એ ગરીબ છે કે ધનવાન એ બાબતને કયારેય મહત્વ અપાતું નથી.આ સમગ્ર પ્રક્રિયા રાજ્ય કક્ષાએ SOTTO સંસ્થા કરે છે અને દેશ કક્ષાએ NOTTO સંસ્થા કરે છે. આધુનિક સમયમાં અંગદાન પણ રકતદાન જેટલું જ આવશ્યક છે,એ સમજ દરેક વ્યક્તિના માનસમાં લાવવી જ પડશે. દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન જાગૃતિ અભિયાનની વાત રાષ્ટ્રીય સ્તરે જ્યારે સ્વીકારી ને વેગવંતી બનાવવામાં આવી રહી હોય ત્યારે એક નાગરિક તરીકે આપણે સૌએ પણ આ અભિયાનમાં ખિસકોલી રુપી મદદ સહકાર આપવાની ભાવના આપણા હ્રદયમાં સ્થાપિત કરીને જન -જન સુધી આ સંદેશને પહોંચતો કરવો જ જોઈએ. ચાલો! આપણે સૌ અંગદાન અભિયાન અંતર્ગત જોડાઈએ. જોડાવવા માટે સંપર્ક કરો -અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ..
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષથી સમાજસેવી વંદનીય શ્રી દિલિપભાઇ દેશમુખ ‘દાદા’ ની પ્રેરણા અને માર્ગદર્શન થકી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમાજમાં અંગદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યુ છે જેનાથી ખુબ જ વિસ્તૃત પ્રમાણમાં લોક જાગૃતિ કેળવાઈ છે. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાજીના હસ્તે BEST EMERGING NGO નો એવોર્ડ એનાયત થયો છે. તે સૌ અંગદાતા ઓના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો છે. આવા સમાજસેવક દેશમુખ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન... લેખક- વંશ_માલવી (વશરામ) #PledgeForAngdan #AngDaan #AngdaanCharitableTrust #अंगदान #અંગદાનમહાદાન #Notto #SottoGujarat #Pledge4Angdan

અંગદાન જાગૃતિ કાર્યક્રમ ધાનેરા

ધાનેરા ખાતે શ્રી દિલીપભાઈ દેશમુખ દાદાની ઉપસ્થિતિમાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
🪴🪴🪴🪴🪴🙏 બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં શિક્ષક દિનના દિવસે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસ થકી ભારત વિકાસ પરિષદ ધાનેરા અને ઈન્ડિયન મેડીકલ એસોસિએશન ધાનેરાના સંયુક્ત ઉપક્રમે અંગદાન જાગૃતિ માટે અંગદાન જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. ❤️બુઝતે હુયે દિપ સે, નયે દિપ જલાયે જાએ સૂર્યાસ્ત હોતે હુએ, સૂર્યોદય કી આશ જગાએ જાએ❤️ શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા પૂર્વ પ્રચારક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ , સામાજિક કાર્યકરની પ્રેરક ઉપસ્થિતિ રહી. દેશમુખ દાદા ના સ્વાગતમાં બન્ને સંગઠનના પ્રમુખ મંત્રીઓએ અંગદાનના સંકલ્પપત્રો ભરીને એનાયત કરી ,તથા પાધડી પહેરાવીને,નોટબુકો આપીને વિશેષ સ્વાગત કર્યું. અંગદાન જાગૃતિ માટે દેશમુખ દાદાએ સમાજના પ્રત્યેક વ્યકિતને પહેલ કરવાની વાત મુકી,સાથે અંગદાન કેમ જરૂરી છે? અંગદાન કયારે અને કોણ કરી શકે? એ વિષય પર વિસ્તૃત સમજ આપી હતી. જે દિવસે અંગદાન માટે લોકો સ્વેચ્છાએ સંમતિ આપશે એ દિવસે આ અભિયાન સફળ થયું એમ ગણી શકાશે, ત્યાં સુધી આપણે આ સૌનું અભિયાન છે એમ માની પ્રયાસો કરતા રહેવું પડશે. ભારત વિકાસ પરિષદ ના અરવિંદભાઈ તુવર તથા ઈન્ડિયન મેડીકલ એસોસિએશન ધાનેરાના ડૉ.લાખાભાઈએ પણ અંગદાન માટે સમાજના વ્યક્તિઓને પહેલ કરવા માટે અપીલ કરી. હાજર ભાઈઓ - બહેનોએ સંકલ્પત્ર ભરીને અંગદાન અંગે સંકલ્પ કર્યો સાથે પ્રતિજ્ઞા કરી. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ધાનેરાના પ્રમુખ જગદીશભાઈ મેવાડા, મંત્રી વિપુલભાઈ ઠક્કર તથા ઈન્ડિયન મેડીકલ એસોસિએશન ધાનેરાના પ્રમુખ ડૉ લાખાભાઇ પ્રજાપતિ, મંત્રી ડૉ.બાબુભાઈ પટેલ તથા ભારત વિકાસ પરિષદના પ્રાન્ત કોર કમિટી ના મેમ્બર અરવિંદભાઈ તુવર અનેઅન્ય સભ્યો તથા ડોકટરો ઉપસ્થિત રહ્યા. દરેકે આ અભિયાનને સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવા પ્રયત્નો કરવાની કટિબદ્ધ બતાવી. અંગદાન જાગૃતિ અભિયાન ટીમ બનાસકાંઠાના કાર્યકર્તા કનુભાઈ વ્યાસ,ટી.પી.રાજપુત,ડો.કરશનભાઈ, માનાભાઈ,પીરાભાઈ, વશરામભાઇ, લાલાભાઈ,બાબુભાઈ ‌ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો. આગામી પખવાડિયામાં પણ વિશેષ કાર્યક્રમ કરવાની તૈયારી બતાવી. ધાનેરા નગરના 200 જેટલા નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
#વશરામભાઈપટેલ #અંગદાનજનજાગૃતિઅભિયાન #अंगदान #Notto #sottogujarat #અંગદાન_જાગૃતિ_મહાઅભિયાન_૨૦૨૩ Dilip Deshmukh Angdaan Charitable Trust

Sunday, May 7, 2023

IAS ઓફિસર બનવા માંગતી મિત્તલ પટેલ બની લાખો વ્યકિતઓનું સુખનું સરનામું

*IAS ઓફિસર બનવા માંગતી મિત્તલ પટેલ બની લાખો વ્યકિતઓનું સુખનું સરનામું* લેખન- *વશરામ પટેલ (વંશ_માલવી)*
“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ” – ઉમાશંકર જોશી. ઉપરોકત પંકિતને ખરા અર્થમાં સાર્થક કરનાર મિત્તલ પટેલ. એક એવું નામ જેમને ગુજરાતના કોઈ ખૂણામાં જાણતું ન હોય એવું અશકય છે. જેમણે વિચરતિ વિમુકતિ જાતિના લાખોલોકોને ઓળખ અપાવી છે.ઘર વિનાનાં માનવીને પોતાનું ઘર અપાવ્યું છે.સરનામા વિનાનાં માણસને એક ચોક્કસ સરનામું આપી એમની ઓળખ પ્રસ્થાપિત કરાવી છે.આજે એવી વ્યક્તિ વિશે વાત કરવી છે,જેમણે ન માત્ર માણસની ચિંતા કરી છે પરંતુ સમસ્ત સજીવસૃષ્ટિ માટે કાર્યો કરી રહ્યા છે.આવો ! મળીએ સુખનું સરનામું એવા આપણા દીદી મિત્તલબેનને. મિતલપટેલ અભ્યાસ અર્થે અમદાવાદ આવેલ.અભ્યાસની ઈન્ટરનશિપ દરમિયાન તેઓ દોઢમાસ જેટલા સમય માટે લોકોની વચ્ચે રહ્યા.તેઓની જીવનશૈલી, રહેણીકરણી,સભ્યતા, સંસ્કૃતિ અને પડકારોને ખૂબ નજીકથી એ દિવસોમાં જોયા. ખૂબ નજીકથી એક અલગ ભારતનું દ્ર્શ્ય જોયાં બાદ તેઓને આવા લોકો માટે કંઈક કરવાની તમન્ના જાગી.તેઓએ સમાજથી અલગ વિચારીને કાર્યો શરૂ કર્યા, શરુઆતના દિવસોમાં ખૂબ જ મુશ્કેલી વેઢીને કાર્યો કર્યા.વર્ષો સુધી માત્ર શાંત રહીને પડકારો વચ્ચે કાર્યો કર્યા. સેવાકીય કાર્યોને વધુ સારી રીતે કરવા માટે તેઓએ વર્ષ 2010 માં સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આજે સમગ્ર દેશમાં એમના કાર્યોની નોંધ લેવાઈ રહી છે.
ગુજરાત રાજયના એવા લોકો માટે એમણે કાર્ય કર્યું છે,જેમણે પોતાની ઓળખ સરનામું જ ન હતું.એ લોકોને રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, આધારકાર્ડ,બેન્ક ખાતા થકી ચોકકસ સરનામાં અપાવ્યાં.અનેક લોકોને આધારરૂપ મકાનો અપાવ્યા,આર્થિક રીતે નબળા પરિવારો ખાસ તો વિચરતી જાતિના કે જેમની પાસે રહેવા પોતાના પાક્કા ઘર નથી, તેવા પરિવારોને સરકાર રહેણાંક અર્થે પ્લોટ ફાળવે પછી સંસ્થા મકાન બાંધવા મદદ કરે,સરકારના 1.20 લાખની મદદ મળે બાકીની મદદ સંસ્થા દ્વારા કરવામાં આવે .અત્યાર સુધી 1500 ઘરો બાંધી આપવામાં આવ્યા છે.જે પૈકી 375 ધરો તો‌ સંસ્થાના સ્વતંત્ર સહયોગ થકી બંધાવ્યાં છે.કેટલાક સ્થળોએ તો‌ વસાહતો નું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં જૂનાડીસામાં જલારામનગરની કોલોની, એલપી સવાણી નગર ડીસા, કાંકરેજના કાકરગામમાં 90 ઘરની કોલોની વગેરે . ‌‌ સંસ્થા અલગ અલગ કાર્યક્રમો,યોજનાઓ અંતર્ગત સેવાકીય કાર્યોને વેગવંતુ બનાવી રહી છે . સ્વાવલંબન કાર્યક્રમ જે વ્યક્તિ સ્વંતંત્ર ધંધો કરવાની ક્ષમતા રાખે પણ આર્થિક સગવડ ન હોય તેમને સંસ્થા દ્વારા વગર વ્યાજે લોન આપવામં આવે અત્યાર સુધી 6500 પરિવારોને 7 સાત કરોડની લોન આપવામાં આવી છે. લોન લઈને ઘણા પરિવારો બે પાંદડે થયા.બનાસકાંઠાના વાડિયા ગામની અત્યાર સુધીમાં 35 થી વધુ દિકરીઓના લગ્ન કરવામાં સંસ્થા નિમિત્ત બની છે. વાડીયા ગામના દીકરા દીકરીઓ તથા ગુજરાત ના એવા પરિવારોના બાળકો જે જરુરિયાતમંદ હોવાથી અભ્યાસ કરતા નહોતા એવા 450 બાળકો અમદાવાદમાં એમની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. તેઓનો તમામ ખર્ચ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે.હાલમાં ગાંધીનગર ખાતે સંસ્થાની છાત્રાલય નિર્માણ કાર્ય ચાલુ છે,આવનાર સમયમાં 1000 બાળકો અભ્યાસ કરી શકશે. માવજત કાર્યક્રમ અંતર્ગત નિરાધાર વડીલો જેમનું કોઈ નથી તેવા 466 બા- દાદાઓને દર મહિને રાશન આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાને લીલોછમ બનાવવાના સંકલ્પ સાથે મિત્તલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ *VSSM સંસ્થાના નેતૃત્વમાં આજે 91 ગામમા 129સાઈડ પર કુલ 4.72 લાખ જેટલા વૃક્ષો ઉછરી રહ્યા છે.* વૃક્ષ ઉછેરની શરુઆત વર્ષ 2019 માં ઢેઢાલ ગામની સ્મશાનભૂમિ પર 3000 વૃક્ષોનું વાવેતર કરીને કરવામાં આવી. વર્ષ 2019થી લઈને અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ગામોની સ્મશાન ભૂમિ,ગૌચર ભૂમિ પર VSSM સંસ્થા અને ગ્રામજનો,પંચાયતો અને વિવિધ મંડળીઓના સંયુક્ત સહયોગ દ્વારા 4.72 લાખ જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહિં! *સ્મશાનભૂમિને તીર્થ સ્થાન બનાવવાનું કાર્ય કરે છે મિત્તલ પટેલ* આમ તો આપણે સ્મશાન શબ્દથી ડર લાગે.માણસ સ્મશાનમાં કયારે જાય ? જ્યારે કોઈ સ્વજન ગુમાવી દે, ત્યારે એમના અગ્નિસંસ્કાર કરવા માટે ભારે હ્રદયે સ્મશાનમાં જવું પડતું હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો સ્મશાન ભૂમિ પર એક પર્યટક તરીકે જતાં થયાં છે.મિત્તલ પટેલ દ્વારા ગામની એવી જગ્યા જ્યાં વૃક્ષારોપણ કરીને,એની માવજત દ્વારા એક તીર્થ સ્થળ તરીકે વિકસાવવા માટેનું અદ્ભુત કાર્ય કરવામાં આવી રહ્યું છે.મિત્તલ પટેલના માર્ગદર્શન હેઠળ આજે બનાસકાંઠા જિલ્લાના સ્મશાનભૂમિ પર ધાર્મિક વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરીને વૃક્ષારોપણ કરીને એક મોટા વનો ઊભા કરીને સ્મશાન ભૂમિને‌ ખરા અર્થમાં તીર્થ ભૂમિ તરીકે વિકસાવી રહ્યા છે.આવનાર સમયમાં આ નાનાં મોટાં જંગલોમાં અસંખ્ય પંખીઓ જીવજંતુઓને એમનું ધર અને ખોરાક પણ મળશે.પર્યાવરણમાં થતી નકારાત્મક અસરો ઓછી થશે. ગામમાં સમરસતાનો ભાવ ઉત્પન્ન થશે.
સાથોસાથ વર્તમાન સમયમાં ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળ બાબતે મિત્તલ પટેલ દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી બનાસકાંઠા જીલ્લામાં કુલ 218 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. 23 સાબરકાંઠા, 6 તળાવો મહેસાણા,3 તળાવો પાટણ જિલ્લામાં ઊંડા કરવામાં આવ્યા છે. જેની શરૂઆત વર્ષ 2015માં થરાદ તાલુકાનાં વાડિયા ગામમાં ખેતતલાવડી ઊંડી કરીને કરવામાં આવી. ત્યારબાદ વડગામડાના બે તળાવો ગાળ્યા.અને પછી ક્રમશઃ એક પછી એક એમ કુલ 250 તળાવો ગાળવાનું કાર્ય‌ મિત્તલ પટેલના સાનિધ્યમાં થયુ છે.વર્ષ 2023માં અન્ય 40 તળાવ ઊંડા કરવાનું આયોજન છે. બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષારોપણ તથા ભૂગર્ભજળ બાબતે કાર્ય કરવામાં 15 લોકોની સમિતિ બનાવવામાં આવીને કાર્ય કરવામાં આવે છે. આમ! સાચા અર્થમાં મિત્તલ પટેલ વિચરતી વિમુક્તી જાતિના લોકો તથા સમસ્ત માનવ અને જીવસૃષ્ટિ માટે એક સુખનું સરનામું બની રહ્યાં છે.

Saturday, January 28, 2023

ભગવાનશ્રી રામના હસ્તે સ્થાપિત રામેશ્વર મહાદેવજીનું મંદિર...

*ભગવાનશ્રી રામના હસ્તે સ્થાપિત રામેશ્વર મહાદેવજીનું મંદિર*
આપણે અવારનવાર સમાચારપત્રો કે સોશ્યલ મીડિયા પર પુરાતન સ્થળો,મંદિરો કે સ્થાપત્ય વિશે સાંભળતા હોઈએ છીએ. આપણી આસપાસ પણ એવા ધણા બધા પ્રાચીન સ્થળો આવેલા છે,જેની સ્થાપના હજારો વર્ષ પૂર્વે થયેલ હોય છે.પરંતુ કદાચ આપણે એ બાબતોથી ઓછા પરિચિત હોઈએ છીએ. એવા એક અતિપ્રાચીન મંદિર અને એના મહાત્મ્ય વિશે આજે આપણે સૌ જાણીએ. આજે વાત કરવી છે, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ રામસણ ગામ. આ ગામ વિશે તો આપે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે જ! *રામસણ એટલે ધોરાવાળી દેવનાથજી જગ્યાનું ગામ.* *રામસણ ગામ એટલે જૈનતીર્થ સ્થાન વાળું* *રામસણ ગામ એટલે હજારો વર્ષોથી હોળી કા દહન ન કરનારું ગામ.* *રામસણ ગામ એટલે ભગવાન રામેશ્વર મહાદેવનું અતિપ્રાચીન મંદિર વાળું શિવરાત્રી નો મેળો ભરાતું ગામ.* *રામસણ ગામ એટલે સોળ ગામની કોટડી ધરાવતું હેમજી બા વાળું (વાધેલાની રામસણ).* પરંતુ ,આજે એક એવી વાત મુકવી છે ,જે શ્રી રામજી ના સમયની વાત છે.
રામસણ ગામનું નામ જ એક ‌અલગ ઈતિહાસ ધરાવે છે.એક લોકવાયકા મુજબ ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન આ ગામમાં રોકાયેલ.ભગવાન શ્રી રામે અહીં મહાદેવજીની પૂજા અર્ચના કરેલ.ભગવાન શ્રી રામ દ્વારા અહીં મહાદેવજીના શિવલિંગની સ્થાપના કરેલ.વર્ષો બાદ ખોદકામ દરમિયાન આ શિવલિંગ મળેલ છે અત્યારે રામેશ્વર મહાદેવ નામે પ્રચલિત છે. ભગવાન શ્રી રામના હસ્તે સ્થાપિત રામેશ્વર મહાદેવનું અતિપ્રાચીન શિવલિંગ ધરાવતું રામેશ્વર મહાદેવ મંદિર અત્યારે પણ ગામની વચ્ચે આવેલું છે.જે ખૂબ જ અતિપ્રાચીન તીર્થસ્થાનોમાં એક છે.જેના પરથી ગામનું નામ પણ રામસણ હોવાની એક લોકવાયકા છે. ભગવાન શ્રી રામે અહીં મહાદેવજીની પૂજા અર્ચના કરી સ્થાપના કરી હોવાથી અહીં રામેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારો લોકો દુર દુરથી દર્શન કરવા આવે છે.અહી લોકો પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ ભકિત થકી અનેક રોગો દૂર કરવાની માનતા રાખે છે.લાખો લોકોના અસાધ્ય રોગથી મુક્તિ મળી છે. આ મંદિર ખાતે ગોળનો પ્રસાદ ધરવાનું મહાત્મ્ય વિશેષ છે. અહીં શ્રાવણ માસમાં ગામ લોકો ભેગા મળીને શિવપુરાણ વાંચે છે અને હવન પણ કરે છે. શિવરાત્રિના દિવસે અહીં પ્રખ્યાત મેળો ભરાય છે. હજારો કિલોમીટરની યાત્રા બાદ પણ લોકો અહીં પોતાનું શિશ ટેકવા આવે ‌છે.આપ પણ ક્યારેક આ અતિપ્રાચીન રામેશ્વર મહાદેવજીના દર્શનાર્થે પધારજો. આ મંદિરની બનાવટ ખૂબ જ સાદી છે.ખૂબ જ‌ જુનું અને પ્રાચીન છે.ગામના બસસ્ટેશન પર જ આવેલું છે.બેસવા લાયક જગ્યા છે.અહી એક શેડ પણ બનાવેલ છે, જ્યાં આપ ભજન કીર્તન કરી શકો છો. આ મંદિરની પૂજા અર્ચના વર્ષોથી ગામના‌ ગૌસ્વામી ભાઈઓ કરે છે. અહીં શ્રધ્ધા અને વિશ્વાસ સાથે આવનાર લોકોના દુઃખ દુર થાય છે. રામસણ ગામ વિશે પણ અનેક લોકવાયકાઓ પૂર્ણ ઈતિહાસ છે,જે આપણે બીજીવાર રજું કરીશું. *લેખન* 🙏વંશ_માલવી

Tuesday, January 24, 2023

ફૂલો, અત્તર, હુન્નર અને શાયરોનું નગર -પાલનપુર

*ફૂલો, અત્તર, હુન્નર અને શાયરોનું નગર -પાલનપુર
* માણસ‌ ઈતિહાસ,ઓળખ અને પ્રતિભા ધરાવે છે,એમ કોઈ નગરના ઈતિહાસને સજીવન કરવાનો પ્રયાસ કરીએ તો નગર પણ સજીવન થાય‌ છે,બોલે છે,ખીલે છે,સાક્ષી બને છે;એવું જ આપણું પાલનપુર . પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક. ઐતિહાસિક ઓળખ ધરાવતું પ્રહલાદનપુર એટલે પાલનપુર. સોલંકી વંશના પ્રસિદ્ધ શાસક સિધ્ધરાજ જયસિંહનું જન્મ સ્થળ.પાતાળેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરતું પાલનપુર. હા,એ‌! ખોડા લીમડા વાળું ‌બક્ષીબાબુનું‌ પાલનપુર. ઢાળવાસની ગફુરભાઈની મહેંદી વાળું પાલનપુર. પાલનપુરનો ઈતિહાસ આશરે ૭૫૦ વર્ષથી ૮૦૦વર્ષ જૂનો છે. પાલનપુરની સ્થાપના પાલ પરમાર વંશના પ્રહલાદન નામનાં રાજપૂત દ્વારા કરવામાં આવી હતી એવું મનાય છે.જેના કારણે પ્રહલાદનપુર તરીકે જાણીતું હતું. અફધાનોની લોહાની જાતિના રજવાડાની પાલનપુર રાજધાની હતી એવું પણ મનાય છે. પ્રાચીન સમયમાં પાલનપુર પ્રહલાદન પાટણ (પ્રહલાદનપુર) નામે જાણીતું હતું,જેનો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં જોવા મળે છે. પાલનપુર શહેરના શાસકોમાં ગઝની ખાનનાં ભાઈ મૌલિક ફિરોઝ થી લઈને બહાદુરખાન જેવા અનેક શાસકો આવતા રહ્યા હતા.પાલનપુર શહેરની સુરક્ષા હેતુ બહાદુર ખાને શહેરની ફરતે નગરકોટ બંધાવ્યો હતો, જેમાં સાત પ્રહરી દરવાજાઓ પણ હતાં.જેમા દિલ્લી દરવાજો, મીરાં દરવાજો, ગઠામણ દરવાજો,માલણ દરવાજો,વિરબાઈ દરવાજો,સલેમપુરા દરવાજો,શિમલા દરવાજો નામનાં દ્વારો સામેલ હતા,જે પૈકી હાલ માત્ર મીરાં દરવાજો હયાત જોવા મળે છે.જે પાલનપુરના ઇતિહાસની સાક્ષી પૂરે છે.
પાલનપુરને નવાબી નગરી તરીકે ઓળખવામાં આવે છે. પાલનપુર રાજય‌ પર નવાબોનું શાસન રહ્યું છે.તાલે મહંમદ ખાન બહાદુર નામે પાલનપુરના જાણીતા નવાબ હતાં. વર્તમાનમાં જે કીર્તિ સ્તંભ પાલનપુરની ઓળખ‌છખ,રોનક વધારે છે જેનું બાંધકામ એમનાં દ્રારા થયું હતું.આ સિવાય બાલારામ પેલેસ અને જોરાવર પેલેસ નું નિર્માણ કરાવ્યું હતું. હાલમાં પાલનપુરમાં જહાનારા બાગ તરીકે ઓળખાતા શશીવન બગીચાનું નિર્માણ બીજી પત્ની જોન ફોલ્કિનેર માટે કરાવ્યું હતું. ઐતિહાસિક ઓળખ ધરાવતું પ્રહલાદનપુર (પાલનપુર) એટલે નવાબી નગરી, ફૂલોની નગરી, અત્તરની નગરી, હુન્નર ની નગરી જેવા અનેક નામોથી સુપ્રસિદ્ધ છે. હજું પણ ઉમેરવું હોય‌ તો ! શાયરોની નગરી, સાહિત્યની નગરી,શ્વેતસરિતાની નગરી એટલે પાલનપુર. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પાલનપુર શહેરનો વિકાસ વેપાર -ધંધામા ખૂબ થયો,હીરા ઉધોગ માટે એક ઓળખ બની એટલે હુન્નર ની નગરી કહેવાઇ. પાલનપુર શહેરના આસપાસ વિસ્તારમાં ફૂલોનાં બગીચા ખેતી થતી હતી ,હાલ પણ થાય છે એટલે ફૂલોની નગરી તરીકે જાણીતું થયું. અહીં નું અત્તર દેશ-વિદેશમા જાણીતું હતું એટલે અત્તરની નગરી તરીકે પ્રસિદ્ધ છે. પાલનપુરની માટીમાં અનેક માનવ રત્નો જન્મ્યા. જેમા કવિ,લેખક અને શાયરો પણ સામેલ છે. પાલનપુરની ધરતીએ બક્ષી જેવા સાહિત્યકારો આપ્યાં છે. અદના શાયરો અહીંની ઓળખ છે ,એટલે શાયરો અને સાહિત્યની નગરી પણ કહેવાય છે. પાલનપુરમાં એશિયાની સૌથી મોટી સહકારી ડેરી બનાસ ‌આવેલી છે.બનાસ ડેરીએ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની દીર્ઘ દષ્ટિનું પરિણામ છે.પાલનપુરને વિશ્વ ફલક પર ઓળખ અપાવી છે.*આમ‌! પાલનપુર ગઈકાલે, આજે અને આવતીકાલે પ્રતિભાવંત હતું છે‌ અને રહેશે.* પાલનપુર આવો તો‌ આટલું અચુક જોજો! પાતાળેશ્વર મહાદેવજી મંદિર, કીર્તિ સ્તંભ,જોરાવર પેલેસ, બાલારામ પેલેસ,જહાનારા બાગ, મીરાં દરવાજો,બનાસ ડેરી. *લેખન* વંશ_માલવી(વશરામ પટેલ)

Wednesday, December 14, 2022

વિચાર વાવો તો જરૂર ઉગે છે

*અજવાસ* *લેખન :- વંશ_માલવી* *એક વિચાર વાવો તો જરૂર ઉગે છે
* વાત કરવી છે એક એવા વ્યક્તિ વિશે જેઓ હંમેશા બીજા કરતાં અલગ વિચારે છે,એ વિચારનો અમલ કરે છે અને પરિણામ લોકો સમક્ષ મુકે છે. તાજેતરમાં વિધાનસભાનું પરિણામ આવ્યું,દરેક મતવિસ્તારમાં લોકોને એક જનપ્રતિનિધિ પ્રાપ્ત થયા છે.સામાન્ય રીતે લોકો જીત બાદ પોતાના વિજેતા જનપ્રતિનિધિની સાથે શુભેચ્છા મુલાકાત કરતા હોય.શુભેચ્છા મુલાકાત વખતે લોકો પોતાના વિજેતા જનપ્રતિનિધિને માટે સન્માનમાં શાલ, ફૂલોનાં ગુલદસ્તા, કિંમતી ચીજવસ્તુઓ લાવતાં હોય છે,જે સામાન્ય રીતે નકામી જતી હોય અથવા ઉપયોગવગરની રહેતી હોય છે. પરંતું ડીસા વિધાનસભા ‌વિસ્તારના ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ હંમેશા લોકો માટે, લોકો વચ્ચે ‌જીવનારા સામાન્ય જનપ્રતિનિધિ તરીકે ઓળખાય છે. ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ પોતાના શુભેચ્છકો સમક્ષ એક નાનકડો વિચાર મુક્યો..કે, મને‌ શુભેચ્છાઓ પાઠવવા આવતા મિત્રો કોઈપણ પ્રકારની મોંધી કિંમતી ચીજવસ્તુઓ કે ફૂલહાર ન લાવે‌ અને એના‌ બદલે નોટબુક કે અભ્યાસમાં મદદરૂપ થાય એવી વસ્તુઓ લાવશો. ‌ એમનો આ વિચાર કદાચ આપણને નાનકડો લાગતો હશે.કેટલાક મિત્રોને આ બાબત અજુગતી લાગતી હોઈ શકે પરંતુ આ એક વિચાર કેટલાય જરુરિયાત ધરાવતા બાળકોને એમના અભ્યાસમાં રોશની આપી શકે એવો છે.શુભેચ્છકોએ આ વિચારને અપનાવ્યો ‌અને નોટબુક સાથે એમની શુભેચ્છા મુલાકાત કરતા દ્રશ્યો સર્જાયા.આ‌ તમામ‌ નોટબુક જરુરિયાત ધરાવતા બાળકોને વિતરણ કરીને મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ થશે તથા બિનજરૂરી ખર્ચ કરતા સાચા અર્થમાં ઉપયોગી થવાશે.મિત્રો એક વ્યક્તિ પોતાના એક વિચાર થકી કેટલું સકારાત્મક પરિવર્તન લાવી શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.એટલે જ કહ્યું છે કે,વિચાર વાવો તો ઉગે જ. પ્રવિણભાઈ માળી હંમેશા બીજા લોકોથી ‌અલગ વિચારનાર માણસ‌ છે. એમનો સ્વભાવ હંમેશા જનસુખાકારીનો રહ્યો છે.હંમેશા નાના નાના માણસોને સાચા અર્થમાં કેવી રીતે મદદરૂપ બની શકાય એ માટે વિચારતા અને કાર્યો કરનારા તરીકે છાપ ધરાવે છે. તેઓના સકારાત્મક વિચારો, કાર્ય કરવાની કોઠાસૂઝનો તથા પ્રજાહિત માટેની નિર્ણય શકિતનો લાભ આવનાર સમયમાં સમસ્ત ડીસા પંથકને પ્રાપ્ત થશે જ.

Wednesday, July 20, 2022

"છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાતરડાના હાથા પર સ્વમાનભેર જીવન ગુજારી શકે"- ગલબાકાકા

"છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાતરડાના હાથા પર સ્વમાનભેર જીવન ગુજારી શકે"- ગલબાકાકા

        ગુજરાતના ઉત્તર સરહદે આવેલો રણપ્રદેશથી ઘેરાયેલ ઓછો પાણીદાર વિસ્તાર ધરાવતો જિલ્લો એટલે બનાસકાંઠા. ઉત્તર ગુજરાતના બનાસ વિસ્તાર ભૌગોલિક રીતે વિષમતા ખરી પણ! અહીંના મનેખ પરિશ્રમી, કુદરતની વચ્ચે રહેનાર, ખમીરવંતા, જીવનની થપાટો ખાઈને બેઠા થનાર, પાણીદાર, માયાળુ. બનાસે અનેક પ્રતિભાવંતી વ્યકિતઓ આપ્યા છે, એમાનાં એક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ (ગલબાકાકા). 
           બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરથી નજીક વડગામ તાલુકાથી 6 કિ. મી. અંતરે આવેલ નળાસર ગામ ગલબાકાકાની જન્મભૂમિ. એક સામાન્ય ખેડુત કુટુંબમા 15મી ફેબ્રુઆરી 1918ના રોજ જન્મ થયો. માતા હેમાબેન અને પિતા નાનજીભાઈ. ગલબાકાકને પિતાનું સાનિધ્ય લાબું પ્રાપ્ત થયું નહિ, બે વર્ષ જેટલી નાની વયે એમને પિતાની છત્રછાયા ગુમાવી દીધી. પિતાના અવસાન બાદ માતા એમનો આઘાત સહન કરી શકયા નહિ, છ માસમાં સ્વર્ગવાસ થયો. માતા-પિતા બન્નેની કુમળી વયે છત્રછાયા ગુમાવનાર ગલબાભાઈની તમામ જવાબદારી દલુભાઈના શિરે આવી. આમ, ગલબાકાકાનો ઉછેર કાકા-કાકીના સાનિધ્યમાં થયો. 
             ગલબાભાઈને ભણી ગણીને આગળ વધવાની ખેવના ખરી પરંતુ એ સમયે બનાસકાંઠા જિલ્લો ભણતર બાબતે અતિપછાત. ભાગ્યે જ કોઈ વ્યકિત ભણેલો મળે. ગલબાભાઈ સીમમાં પશુઓ ચરાવવા જાય, ત્યાં એમની મિત્રતા ગલબાભારથી સાથે થઈ. આ ગલબાભારથી ગામમાં બે ચોપડી ભણેલો છોકરો. બન્ને ગાઢ મિત્રો. ગલબાભાઈની ભણવાની ઈચ્છા જોઈને ગલબાભારથીએ એમને અક્ષરજ્ઞાન આપવાની શરૂઆત કરી. બન્ને મિત્રો પશુઓને સીમમાં રેઢા ચારવા મુકીને કુદરતના સાન્નિધ્યમાં પ્રકૃતિના ખોળે બેસીને ભણવાની શરુંઆત કરી. દલુભાઈને આ વાતની ખબર પડીને અને ગલબાભાઈને ભણવા નિશાળે બેસાડે છે. થોડાક સમય બાદ ગલબાભાઈને કાણોદર શાળામાં ભણવા જાય છે, ત્યાં તેઓ અસ્પૃશ્યતા ના ભેદને ભુલાવીને દલિત વિઘાર્થીઓને મિત્રો બનાવ્યા અને લોકોને આ દુષણથી મુકત રહેવા રાહ ચિધ્યો. આમ ગલબાભાઈ થોડું ગણું ભણે છે. 

              અભ્યાસ બાદ તેઓ વેપારની દિશામાં ડગ ભરે છે. તેઓ શરુંઆતમા ભાગીદારીમાં દુકાન કરે છે. પરંતુ ગલબાભાઈ કોમળ હ્રદયના દયાળું સ્વભાવ એટલે ગરીબોને વસ્તુ મફત આપી દે, ઉઘાર માગનારને ઉધાર આપે અને ઉધરાણી પણ ન કરે. થોડાક સમયમાં દુકાન બંઘ કરવી પડી. પછી તેઓ લાકડાની લાટીનો ધંધો ભાગીદારીમાં શરુ કર્યો પણ એમાંથી ભાગ કાઢી નાખ્યો. ગામમાં દુકાન નાખી પણ ઝાઝી ફાવટ ન આવીને દુકાન બંઘ થઈ. ગલબાભાઈ વેપારના ધંધામાં સંપૂર્ણ નિષ્ફળ થયા પણ એમના મનથી હાર ન માનનારા.આમ વારંવાર ધંધામાં નિષ્ફળ રહ્યા. 
             આપણે પાલનપુરમાં પ્રવેશ કરીએ ને આપણા માનસપટ પર બનાસડેરીનુ ચિત્ર ન આવે એવું કયારે બને નહિ.ગઢામણ દરવાજાથી થોડેક આગળ ડેરી રોડ પર એક પ્રતિમા સર્કલ પર ઊભી છે જે જોઈને દરેક બનાસવાસીના ચહેરા પર સ્મિત રેલાય, છાતી ગદગદિત ફુલી જાય એ આપણા ગલબાકાકાની પ્રતિમા. 
          ગલબાભાઈનું બસ એક જ સ્વપ્ન જિલ્લાના છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાતરડાના હાથા પર સ્વમાનભેર જીવન ગુજારી શકે". પાલનપુર અને વડગામ તાલુકામાં  પશુપાલનનો વ્યવસાય થકી દુધમંડળીઓની શરુંઆત કરી, દુધ એકત્ર કરીને મહેસાણા દૂધસાગર ડેરીમાં આપી આવે.થોડાક સમય બાદ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ. પાલનપુરની નોંધણી કરી ડેરીની શરુંઆત કરી.માત્ર આઠ જેટલી મંડળીઓથી શરું થયેલ બનાસ આજે વિશ્વમાં શ્વેતક્રાંતિ માટે એક મિશાલ બની રહી છે , એ ગલબાકાકાના વિઝનનું પરિણામ છે. 
           આજે પ્રતિદિન બનાસકાંઠા જિલ્લામા પશુપાલકોના બેન્ક ખાતામાં 3 ત્રણ કરોડ રૂપિયા આવે છે.બનાસકાંઠા જિલ્લાની લાખો પશુપાલક બહેનો ભાઈઓના ચહેરા પર જે આર્થિક આઝાદીનું સ્મિત રેલાઈ રહ્યું છે, બનાસડેરીમા સેવા આપતા હજારો કર્મચારીઓના ઘરનો ચુલો પ્રગટાવવાનું કાર્ય જે કાર્ય થઈ રહ્યું છે;એના મુળમાં ગલબાકાકાના પરિશ્રમની ફોરમ છે. 
              આજે બનાસડેરીએ સીમાડાઓને ઓળંગીને રાજસ્થાન,ઉત્તર પ્રદેશ જેવા રાજયોમાં પણ લોકોને સ્વનિર્ભર બનાવવા માટે જે પ્રયાસ કર્યો છે એમાં ગલબાકાકાની દીર્ધદષ્ટિના દર્શન થાય છે. 

          
             ગલબાકાકા દ્રીભાષી મુંબઈ રાજ્યની ધારાસભાની ચૂંટણીમાં ચૂંટાયા અને ૧૯૫૭ની ધારાસભાની ચૂંટણીમાં પણ તેઓ વિજય થયા હતા. ગલબાભાઈ નાનજીભાઈ પટેલએ ઈ.સ ૧૯૬૮માં બનાસકાંઠા જિલ્લાના પંચાયત પ્રમુખ બન્યા હતા. તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ પણ પ્રમુખ રહ્યા હતા.ગલબાકાકાએ પોતાના માનવ ધર્મને સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવ્યો છે .
                આપણા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ગલબાકાકાની દીર્ધદષ્ટિની પરખ કરી છે,એમને અનેકવાર એમના ભાષણોમાં આ મહામાનવના કાર્યપધ્ધતિ અને વિચોરોનો ઉલ્લેખ કર્યો છે.
                 બનાસડેરીના વર્તમાન ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ ગલબાકાકાના નામ પર જિલ્લામાં પ્રથમ મેડિકલ કોલેજ એમના નામ પર બનાવીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.  
              આજે હું અને સમસ્ત બનાસવાસીઓ ગલબાકાકાના નામને સન્માનભેર લઈ રહ્યા છીએ, એમના મુળમાં એમના સાદગી, સેવા વૃતિ અને ત્યાગ જેવા ગુણો રહેલા છે. સાદગી અને કર્મની મૂર્તિ એવા ગલબાકાકાને સત સત વંદન. 

      લેખન:- વંશ_માલવી