Tuesday, May 24, 2022

ગૌમુખ (માઉન્ટ આબુ)

 #ગૌમુખ (માઉન્ટ આબુ) 



     માઉન્ટ આબુ જવું કોને ન ગમે? 

         શકિતની, ઉપાસનાની, સંતોની, તપસ્વીઓની ભૂમિ... મંદિરોથી શોભતી   અને પ્રકૃતિને પ્રેમ કરનારી આ ભૂમિ. અનેક ઈતિહાસો સાથે ગહન નાતો ધરાવતી આ ભૂમિ પર સૌ કોઇ દર્શને, આનંદમાણવા અને વિહરવા પ્રકૃતિના સ્થાન પર જતા હોય છે. માઉન્ટ આબુ પર અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. એ પૈકીનું એક ઐતિહાસિક સ્થળ એટલે... ગૌમુખ. 


આ મંદિરનો શાબ્દિક અર્થ છે "ગાયનું મોં." મંદિરના સૌથી ઉપરના ભાગમાં પહોંચવા માટે વ્યક્તિએ 733+ પગથિયાં ઉતરવાની જરૂર છે. આ મંદિરની રચના સાથે ઘણી રસપ્રદ વાતો, કથાઓ જોડાયેલી છે. 

આ મંદિર સંત વશિષ્ઠને સમર્પિત છે. એવું કહેવાય છે કે સંત વશિષ્ઠે આ સ્થાન પર એક યજ્ઞ કર્યો હતો. આ જગ્યા પર શ્રીરામે તથા એમના ભાઈઓએ અભ્યાસ કર્યો હોવાનું પણ માનવામાં આવે છે. વશિષ્ઠ ઋષિ એ અહીં તપ કર્યું અને ગાયોની સેવા ઉપાસના પણ કરી હતી.ઉપાસના કરીને સરસ્વતીનું અવતરણ પણ કર્યું હતું.તેને એક વિશાળ ખડકમાંથી કાપીને બાંધવામાં આવ્યું છે, મંદિરમાં એક પથ્થર કોતરવામાં આવેલ ગાયનું માથું છે જેમાં આરસની ગાયના મુખમાંથી કુદરતી ઝરણું વહે છે. નજીકમાં તમને નંદી, સંત વશિષ્ઠ, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની મૂર્તિઓ જોવા મળશે. હાલમાં પણ  અહીં વશિષ્ઠ ઋષિ નો આશ્રમ આવેલ છે. એમના ઉપાસકો અહીં રહે છે. 

    આ સ્થાન પર પહોચવા માટે આપણે 733+ પગથિયાં નીચે ઉતરવું પડે છે. આજુબાજુ પ્રકૃતિથી વચ્ચે અરાવલ્લીની ગોદમાં આવેલું આ સ્થાન શોભી રહ્યું છે. અહીં જતી વખતે રસ્તામાં આબાનુ વન હોય એવો અહેસાસ પણ થાય છે. જીવનમાં એકવાર માઉન્ટ આબુ જજો અને હા આ સ્થાનની મુલાકાત ચોકકસ લેશો. 

         #વંશ_માલવી.

Wednesday, March 9, 2022

ગુણોત્સવ 2.0 વિશે અગત્યના પ્રશ્નો❓

 1.  ગુણોત્સવ 2.0ની શરુંઆત કયારે થઇ હતી? 

            વર્ષ 2019થી 

2. ગુણોત્સવ 2.0ના મુખ્યક્ષેત્રો કેટલા છે? 

       4 (ચાર) 

3. ગુણોત્સવ 2.0 અંતર્ગત મૂલ્યાંકન માટે કોની નિમણૂંક કરવામાં આવે છે❓

       સ્કુલ ઈન્સપેકટર

4.  ગુણોત્સવ 2.0અંતર્ગત મૂલ્યાંકનમાં એકમ કસોટીનો ગુણભાર કેટલા ટકા છે? 

      12% (બારટકા) 

5. ગુણોત્સવ 2.0અંતર્ગત મૂલ્યાંકનમાં સત્રાંત કસોટીનો ગુણભાર કેટલા ટકા છે? 

        12% (બાર ટકા) 

6. ગુણોત્સવ 2.0અંતર્ગત શાળાની હાજરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? 

     શાળા વ્યવસ્થાપન

7. D ગ્રેડની શાળાને રિપોર્ટ કાર્ડમાં કયો કલર કોડ પ્રાપ્ત થશે? 

       બ્લેક કલર 

8. GSQACની સ્થાપના કયારે થઇ હતી? 

     2010

9. 79%  ગુણભાર ધરાવતી શાળાને કયો ગ્રેડ મળવાપાત્ર થશે? 

        A

10. શાળા પુસ્તકાલય પેટા ક્ષેત્રનો સમાવેશ કયા મુખ્ય ક્ષેત્રમાં થશે? 

         સંશાધનો અને તેનો ઉપયોગ


Monday, February 21, 2022

માતૃભાષા દિવસ... ♈ચાલો! ખરા અર્થમાં માતૃભાષાને પ્રેમ કરીએ. 🤍🖋


💐💐💐💐💐💐💐💐આજના ગૌરવવંતા માતૃભાષા દિવસની સૌને શુભેચ્છાઓ💐💐💐💐💐💐💐💐 

ગર્ભ,ગળથૂથી અને માના ધાવણમાંથી પ્રાપ્ત થઈ હોય એ માતૃભાષા. #વંશ_માલવી

ભાષાએ વ્યકત થવાનું માધ્યમ છે, પરંતુ માતૃભાષા એ માનવીની ભાવનાઓ, લાગણીઓ, ઊર્મિઓ, વેદનાઓ વગેરેને સંયોજિત કરીને અભિવ્યક્ત થવાની ભાષા છે. માતૃભાષાએ આપણને ઊગતાં, ખિલતા અને સમૃધ્ધ થતા શિખવે છે. માતૃભાષામાં મા નો મીઠો સ્પર્શ હોય છે. જેની પાસે માતૃભાષા છે એની પાસે'મા' નું વાત્સલ્ય છે.  

માતૃભાષાના આધાર પર અનેક ભાષાઓની ઈમારત ચણાતી હોય છે. -અજ્ઞાત

માતૃભાષાએ આપણા સપનાની ભાષા છે. 

તસ્વીર બોલે છે.... 

માતૃભાષા વિશેનો મહિમા સમજાવતા માસુગભાઈ પટેલ


માતૃભાષાને સમજવાનો પ્રયાસ કરનારા અમારા બાળદેવો.... 


                     આપણે સૌ ગુજરાતી... આપણી માતૃભાષા ગુજરાતી...આજના આ ખાસ દિવસે થોડીક વાત આપણી મા અર્થાત્ ગુજરાતી ભાષાની કરવી છે. માતૃભાષા એ સાગર છે ,એનો વિસ્તાર અનંત છે ,એની ગહેરાઈ ખૂબ જ વિશાળ છે. આપણી માતૃભાષાનો વારસો ખૂબ જ સમૃધ્ધ છે. આપણા વારસામાં ભાલણ,પ્રેમાનંદ, પન્નાલાલ પટેલ, વીર નર્મદ, કવિ કલાપી, સુન્દરમ્, નરસિંહ મહેતા, મીરાબાઈ, રધુવીર ચૌધરી, ઝવેરચંદ મેઘાણી અને મહાત્મા ગાંધીજી જેવા અનેક મહાનુભાવોની વર્ષોની તપસ્યા રૂપી મહેક છે. આપણે બસ જરુર છે આ વારસાને સાચવવાની...

     આજે આપણે ધેર આવતા મહેમાનને આવકારવા વેલકમ ના બદલે પધારો, આવો રા, ભલે પધાર્યા એવો મીઠો આવકાર આપવો પડશે,મહેમાનને વિદાય વખતે બાયને બદલે પધારો જો, આવ જો એવો મીઠો ટહુકો આપવો પડશે.મમ્મીને બદલે મા, બાઈ જેવા વાત્સલ્ય વાચક શબ્દો થકી સંબંધને મજબૂત બનાવો પડશે.પપ્પાને બદલે બાપુજી જેવા શબ્દો ઉપયોગ કરતાં થવું પડશે.સોરીના બદલે માફ કરશો, ક્ષમા કરશો એવા ભાવવાચક શબ્દોને બોલવા પડશે. આપણો સમૃદ્ધ વારસો ફાકડા અંગ્રેજી શબ્દોમાં નહિ પણ આપણી માતૃભાષામાં છે જે સાચવવાની જવાબદારી આપણા સૌની છે. 

      આપણા બાળકને અન્ય ભાષાના વિષને બદલે માતૃભાષાનું અમૃત પીરસો. આપણા ધર , પરિવારમાં આપણા દરેક પ્રત્યાયનમાં આપણે માતૃભાષાનો ઉપયોગ કરીએ. આપણા શાળા કે ધરના નાનકડાં ગ્રંથાલયમાં આપણી માતૃભાષાને સમૃધ્ધ બનાવતા પુસ્તકો વસાવીએ, વાચીએ અને બાળકોને વંચાવીએ. માનવીની ભવાઈ, મારી હકીકત, મળેલા જીવ, દીપ નિર્વાણ જેવા અનેક સાહિત્યના ખજાનાને આપણે ઢંઢોળવો પડશે તો જ આપણે ખરા અર્થમાં માતૃભાષા દિનની ઊજવણી કરી મનાશે. 




Monday, December 6, 2021

અજવાસ- બનાસ જળક્રાંતિના જનક પરથીભાઈ

જળક્રાંતિના જનક ,લોકસેવક,કૃષિના ઋષિ પરથીભાઈ ચૌધરી
બનાસકાંઠાએ ભૌગોલિક વિવિધતાથી ધેરાયેલો પંથક.એક તરફ અરવલ્લીની ગિરિમાળાઓ તો બીજી તરફ રણપ્રદેશથી ધેરાયેલો પ્રદેશ. બનાસકાંઠાના માનવીઓ માયાળુ ,મહેનતુ અને ખંતીલા.કેટકેટલીય વિષમ પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને આનંદિત રહેતા મનખોનો આ પંથ. બનાસકાંઠાનો કેટલો ભાગ નર્મદા કેનાલથી અને બાકીનો ઘણો વિસ્તાર બોરવેલથી સમૃદ્ધ બન્યો..
પણ હવે બોરવેલથી તળ ખાલી થઈ રહ્યા છે.1000 થી લઈને 1200 ફૂટ સુધી પાણીના તળ પહોંચ્યા છે. અમુક વિસ્તારોમાં તો તળમાં પાણી જ નથી. આવનારી પેઢીને જમીન જાગીર તો વારસામાં આપીશું પણ તળમાં પાણી જ નહીં હોય તો? એ જમીન જાગીર શું કામની? બનાસકાંઠા જિલ્લામાં આ પાણીની ખપતને કેમ કરી પુરી કરવી? એ પણ એક પ્રશ્ન❓ સરકાર, તંત્ર અને લોકો કરે તો કરે શું? આ સમયે એક એવા વ્યક્તિ જેમણે બનાસકાંઠા જિલ્લાને હરિયાળો પાણીદાર બનાવવા માટે એક સંકલ્પ કર્યો. એમણે સીમનુ પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં રહે અને લોકોને ઉપયોગી બને એમાટે જળસંચય અભિયાન ઉપાડયું. પાણીને બચાવવા માટે પાણીનો વ્યય થતો અટકાવો પડે એતો ખરું!! પણ, સાથેસાથે એનો સંગ્રહ કરવો પણ ખૂબજ જરુરી.
એ વ્યકિત બીજી કોઈ નહિ ... ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાનાં ડાંગીયા ગામે એક સામાન્ય ખેડૂત પરિવારમાં જેઓનો જન્મ થયો એવા અસાધારણ પ્રતિભા ધરાવનાર વ્યકિત એટલે પરથીભાઈ ચૌધરી .બાળપણથી તેઓનો ઉછેર એક સામાન્ય રીતે પરિશ્રમી પરિવારમાં થયો હોવાથી મહેનતુ ,ખંતીલા અને સ્વપ્ન દ્રષ્ટા વ્યક્તિ . કોલેજ સુધી અભ્યાસ કરીને પોલીસ વિભાગની પરીક્ષા પાસ કરીને પોલીસ સેવામાં જોડાયા અને અંતે તેઓ ડી.વાય.એસ.પી.સુધી સેવા આપીને નિવૃત થયા . જળસંચય અભિયાનને સફળ બનાવવા માટે પરથીભાઈએ સૌપ્રથમ ગામના અને દાંતીવાડા તાલુકાના ખેડુતો અને યુવાનો આગળ પોતાનો વિચાર વ્યકત કર્યો.આ કાર્ય માત્ર એકલા હાથે કરી શકાય નહિ,કારણ એમાં શ્રમ,નાણાં અનેસમયની જરૂર પણ એટલી.એ વિસ્તારના સહકાર થકી દાંતીવાડા તાલુકાના એવા વિસ્તાર જે જગ્યાએ સૌથી વધુ પાણી સંગ્રહ કરી શકાય અને પડતર જમીનનો ઉપયોગ કરી શકાય એવા વિસ્તારની પસંદગી કરવામાં આવી.પી.જે.ચૌધરીના નેતૃત્વમાં દાંતીવાડા તાલુકાનાં સેવાભાવિ લોકોની એક આખી ટીમ જોડાઈ અને તાલુકાનાં સૂકા વિસ્તારને હરિયાળો ,પાણીદાર બનાવવા માટે સૌકોઈ એકજૂટ થઈને જલસંચયની કામગીરી માટે તૈયાર થયા . એક અનુભવી અને કુશળ નેતૃત્વની દિશાસૂચન સાથે તાલુકામાં તળાવોનું ખોદકામ શરૂ થયું . કોઈ ટ્રેકટર ,કોઈ જે.સી.બી .મશીન તો કોઈ ટ્રૉલી લઈને તો કોઈ નાણાં ,સમય આપીને આ અભિયાનમાં જોડાયા . દાંતીવાડામાં રાણીટૂંક ખાતેથી આ અભિયાન શરૂ થયું . પી.જે.ચૌધરી સાહેબની આ મહેનત આખરે એક નવા ઇતિહાસ તરફ આગળ વધીને 20થી વધુ ગામોના ખેડૂતો આ અભિયાનમાં જોડાયા .ખુબ જ સરસ આયોજન સાથે 88 લાખ જેટલા રૂપિયાના ખર્ચે તળાવો બાંધવામાં આવ્યા .
તાલુકા મથકમાં બનાવેલ તળાવો - રાણોલ ગામમાં 04 તળાવો , વાવધરા ગામે 01 તળાવ , સાતસનણ ગામે 01 તળાવ .રતનપુર આટાલ ગામે 01 તળાવ . તમામ તળાવો ના નામ પણ અનોખી રીતે આપવામાં આવ્યા . બે ચોમાસામાં આ તળાવોમાં પાણી ભરાયા અને ખેડૂતોને આ પાણી સિંચાઇ માટે ખૂબ જ ઉપયોગી થયું.આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ પણ ઊંચા આવ્યા . આખરે જે ઉદેશ સાથે આ કાર્યનો આરંભ થયો હતો તે ખરો સાબિત થયો. પી.જે.ચૌધરી સાહેબના આ વિચારને જો બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ લોકો અપનાવે તો બનાસને પાણીદાર જિલ્લો બનાવતા કોઈ રોકી શકે નહિ. આજે પણ તેઓ બનાસને હરિયાળું ,પાણીદાર બનાવવાની નેમ સાથે જીલ્લામાં ખુબજ ખંત પૂર્વક લોકો માટે કરી કરી રહ્યા છે .
લેખન : - વંશ માલવી

Friday, November 19, 2021

અજવાસ- 'સરહદ ના પ્રહરી' 'પગેરું પારખું' કે 'રણના ભોમિયા'... રણછોડભાઈ રબારી 'પગી'

આપણે એક એવા વીરની વાત કરી રહ્યા છીએ જેને એક વાર નહીં, પરંતુ બેવાર પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે વીરનું નામ એટલે સ્વર્ગસ્થ રણછોડભાઇ રબારી 'પગી' . પગીના નામથી ઓળખાતા રણછોડ રબારીએ ભારતીય સૈન્યને અનેકવાર મદદ કરી હતી. 'સરહદ ના પ્રહરી', 'પગેરું પારખું'👣👣 કે 'રણના ભોમિયા' તરીકે ઓળખાતા રણછોડભાઈ પગી વિશે આજના નવજુવાનો કદાચ બહુ ઓછા પ્રમાણે જાણતા હશે.
રણછોડભાઇ મૂળ થરપારકર જિલ્લાના પેથાપુર ગાથડો (હાલ પાકિસ્તાનમા) ગામના વતની હતાં. ભારતના વિભાજન સમયે રણછોડભાઇ પોતાના પરિવાર અને માલઢોર સાથે પેથાપુર રહેતા હતાં, પરંતુ ભાગલા વખતે પેથાપુર ગાથડો પાકિસ્તાન ચાલ્યું ગયું.રણછોડભાઈ 300 એકર જમીનના માલિક હતા,એટલાજ પશુઓ પણ હતા એમની પાસે પરંતુ સરહદના પાકિસ્તાની વિસ્તારમાં સૈનિકો દ્વારા રંઝાડવાનુ શરુ થયું , પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી કંટાળીને રણછોડભાઇ માલઢોર છોડીને વાવના રાધાનેસડા ગામે શરણાર્થી તરીકે આવ્યા બાદમાં પોતાના મોસાળ એવા બનાસકાંઠા જિલ્લા ના વાવ તાલુકાના લીંબાળા ગામે આવી ગયા અને સ્થાયી થયા.તેઓનુ પુરુ નામ રણછોડભાઈ સવાભાઈ રબારી.ઈ.સ.1901મા જન્મેલા.
✡️રણછોડભાઈ 'પગી' તરીકે કેમ ઓળખાયા? રણછોડ ‘પગી’ એટલે તેઓ ચોકીદારી નહતાં પણ, લોકોના પગલાંની છાપ ઉપરથી તેઓ સંપૂર્ણ માહિતી આપી શકવાની કુશળતા ,આવડત ધરાવતા હતાં. બાળપણથી જ માલઢોર સાથે પ્રકૃતિના ખોળે, કચ્છના વિશાળ રણમાં જીવન વિતાવ્યું હોવાથી તેઓ પોતાની કોઠાસૂઝથી કોઈપણ પગલાં જોઈને તેની માહિતી આપી શકતાં હતાં. તેઓ પગની નિશાની જોઈને કહી શકતાં હતાં કે – કેટલા લોકો હતાં, કઈ દિશામાં ગયા, સાથે સામાન હતો કે નહીં અને જો હતો તો પછી કેટલો ! પગલાંના નિશાન ઉપરથી તેઓ એ પણ જાણી શકતાં કે આ પગલાં કેટલા જૂના છે, એટલે કે કેટલા સમય પહેલા અહીથી આ માણસો પસાર થયા હશે. તેઓ રણના માર્ગો પર ઊંટ પર કેટલા લોકો સવાર હતાં, તે પણ ઊંટના પગના નિશાન જોઇને કહી શકતા હતાં. તો ક્રીક અને રણમાં પગના નિશાન પરથી ઘૂસણખોર કેટલા વર્ષનો અને કેટલો વજન ઉંચકીને બોર્ડરમાં પ્રવેશ્યો છે તે પણ સચોટ કહી દેતા હતાં. તેમની આ આવડત ની મદદથી તેઓ ઘણીવાર ગામમાં ચોરનું પગેરું મેળવી તેને પકડી પાડતા હતાં. રણછોડ પગી પોતાંની આ અસાધારણ આવડત ને લીધે સ્થાનીય પોલીસ અને ભારતીય સેના માં ખૂબ જાણીતા હતાં. સૌપ્રથમ તેઓ સુઇગામ પોલીસ મથકે પગી તરીકે નિમણૂક પામ્યા. પોતાની આ આવડત થી ઘૂસણખોરોની માહિતી બીએસએફ ને આપીને ઘણા ભારતીયો ના જીવ બચાવ્યા હતાં. એટલું જ નહીં, પાકિસ્તાન સામેના ૧૯૬૫ અને ’૭૧ ના યુદ્ધ માં તો તેમણે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ⚛️૧૯૬૫ અને ૧૯૭૧ ના યુદ્ધ પછી પણ રણછોડભાઇ ભારતીય સેના ને મદદ કરતાં રહ્યા. તેમણે ૧૯૯૮ માં ૨૨ કિલો આરડીએક્સ સાથે ‘મુશર્રફ’ નામના ઊંટ ને પકડયું હતું. તેના એક વર્ષ પછી, ભગત વેરી વિસ્તાર નજીક પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા છુપાવેલ 24 કિલો આરડીએક્સ અને હાજીપીર નજીક રણમાં સંતાડેલ ૪૬ કિલો વિસ્ફોટક પણ પકડી પાડ્યો હતો.
🇮🇳🇮🇳*સન્માન, પુરસ્કાર* 🇮🇳🇮🇳 1⃣સામાન્ય રીતે બીએસએફ ની પોસ્ટ નું નામ આજુબાજુના મંદિર કે દરગાહ અથવા કોઈ સૈનિકના નામ ઉપરથી અપાતું હોય છે. પરંતુ રણછોડ પગીના સન્માન માં ગુજરાતમાં સૌપ્રથમ વાર, ૨૦૧૫ માં બીએસએફ એ તેમના આ 'માર્ગદર્શક' ના નામ ઉપરથી ઉત્તર ગુજરાતના સુઈગામ નજીક એક પોસ્ટને 'રણછોડ પોસ્ટ' નામ આપ્યું છે. 2⃣ગુજરાત પોલીસે પણ તેમનું સન્માન કરવાનો એક અનોખો રસ્તો અપનાવ્યો છે. ગુજરાતમાં ૫૪૦ કિલોમીટર લાંબી ભારત-પાક સરહદની સુરક્ષામાં બીએસએફને મદદ કરતાં પગીઓ માટે તેમણે ‘પોલીસ પગી’ એવોર્ડ ની શરૂઆત કરી છે. કચ્છના એસપીએ એકવાર કહ્યું હતું કે: “આ પગીઓ રણની સરહદ પરના અમારા એન્કરમેન છે.” 3⃣તેમને સંગ્રામ મેડલ, પોલીસ મેડલ અને સમર સેવા સ્ટાર પુરસ્કારો એનાયત કરાયા હતા. 4⃣૨૦૦૭માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડે પાલનપુર ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના સમારોહમાં તેમનું સન્માન કરાયું હતું.
રણછોડભાઈ રબારી અને જનરલ માણેકશાનો અનેરો નાતો - રણછોડભાઈ રબારીએ આપણા લશ્કરના જનરલ માણેકશા માનીતા અને તે રણછોડભાઈ ને લશ્કરનો હીરો કહેતા. જનરલ માણેકશાનો સિવિલિયનો સાથે પ્રસ્નલ સબંધ વ્યવહારો ઓછા હતા પણ તેણે ઢાકામાં પોતાની સાથે ડીનર માટે રણછોડભાઈ રબારીને આમંત્રિત કર્યા હતા. રણછોડભાઈ રબારી ઢાકામાં જનરલ માણેકશા સાથે ડીનર લેવા ગયા ત્યારે તે પોતાની સાથે ઘરનો રોટલો લેતા ગયા હતા. તે રોટલો ઢાકામાં જનરલ માણેકશા અને પોતે સાથે જમ્યા હતા. રણછોડ પગીને ૧૯૬૫ અને ૧૯૭૧ ના ભારત-પાક યુદ્ધ દરમિયાન અનન્ય કાર્ય માટે, સંગ્રામ મેડલ, સમર સેવા સ્ટાર અને પોલીસ મેડલ - ત્રણ સન્માન પણ એનાયત કરાયા હતા. તેમના સાથી ગ્રામજનો દ્વારા તેમને ગામમાં લગભગ દર વરસે સ્વતંત્રતા દિવસ ના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું સન્માન પણ આપવામાં આવ્યું હતું. નિવૃત થયાના ચાર વર્ષ પછી, આખરે ૨૦૧૩ માં લગભગ ૧૧૨ વર્ષ ની વયે તેઓ અવસાન પામ્યા. રણછોડભાઈ પગી ની અંતિમ ઈચ્છા હતી કે તેઓને મૃત્યુ બાદ તેઓના માથા પર પાધડી રાખવામાં આવે અને અંતિમ સંસ્કાર તેઓના ખેતરમાં જ કરવામાં આવે-તેઓની અંતિમ ઈચ્છા પણ પૂર્ણ કરવામાં આવી. ભારતીય લશ્કરના સાચા પથદર્શક અને પાકિસ્તાનના લશ્કરને ભારે પડેલા સરહદના રણબંકા એવા રણછોડ રબારીના જીવનને રૂપેરી પરદે મઢવા બોલીવુડ 'ભુજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા' નામની એક ફિલ્મ પણ બનાવી છે. આવા રણબંકા રણછોડભાઈ રબારી 'પગી'ની દેશ પ્રત્યેની વફાદારી, ખુમારી, સેવાભાવને વંદન... વંદન... વંદન...
📝📝📝લેખન:- વંશ_માલવી🖋🖋🖋🖋🖋 (આપને આ લેખ ગમે તો આપના પ્રતિભાવો કોમેન્ટ પર જરુર આપશો. આવા અન્ય વ્યક્તિ વિશે ફરી આવતા રવિવારે મળીશું) સંદર્ભ સ્તોત્ર:- વેબસાઇટ , ફેસબુક પેજ ઈતિહાસ... માહિતી અને તસવીર સ્ત્રોત: ♒https://www.thebetterindia.com/146487/ranchhod-pagi-rabari-herder-gujarat-bsf-indo-pak-war/ 🤍 કચ્છના રણમાં એકલા રણછોડ પગી પાકિસ્તાની સેનાને ભારી પડ્યા હતા !

Tuesday, November 16, 2021

અજવાસ . બનાસરત્ન શંકરભાઈ ચૌધરી.

વડનગરની ભુમિએ દેશને એક અનમોલ વ્યકિતત્વ આપ્યું, એવા અનમોલ વ્યક્તિ જેમના નામ અને કાર્યોની સોડમ માત્ર ભારતમાં જ નહિ, વિશ્વ ફલક પર પ્રસરાયેલ છે. આજની પેઢીના જન જનના હ્રદયમાં જેમનું નામ અને ચહેરો સ્થાપિત છે એવા બનાસના ગૌરવસમા, યુવા બનાસરત્ન, પ્રજાવત્સલ સરહદી લોક સેવક શંકરભાઈ ચૌધરી. જેમના નેતૃત્વએ બનાસકાંઠા જિલ્લાને એક નવી દિશા, ઓળખ આપી છે. આ વ્યકિતની પ્રતિભાને પારખવાની ભૂલ કદાચ એકવાર થઈ છે જેનું નુકશાન સમસ્ત બનાસકાંઠાએ ભોગવ્યું છે એ એક સત્ય છે જ! બનાસકાંઠા જિલ્લાને પૂર, દુષ્કાળ કે તીડ પ્રકોપ જેવી કુદરતી આપતિ સમયે દિન રાત એક કરી, પ્રજાની વચ્ચે પહોંચીને સેવાકાર્યો અને સરકારની મદદ થકી પુનઃ ધબકતું કરવાનું શ્રેય જેમના શિરે વિશેષ જાય છે એવા વ્યક્તિ એટલે બીજું કોઈ નહિ આપણા સૌના શંકરભાઈ ચૌધરી. એમના વિશે જાણીએ...
🏹1. *જન્મ* ગુજરાતની કૂખે હંમેશાં સવાયા સંતાનો જન્મયા છે. અને વાર-તહેવારે સંકટમાં ઘેરાયેલા દેશ-પરદેશને સાવજ સમુ નેતૃત્વ પૂરું પાડ્યું છે. ઉત્તરે મરુભૂમિનો સીમાડો વઢિયાર,જતોડા કે રાધનપરી તરીકે ઓળખાય છે. એની સૂક્કી ભઠ્ઠ પણ ફળદ્રુપ ધરામાં આજથી ચાર દાયકા પહેલા એક માનવ રત્નનો જન્મ થયો. શંકરભાઈ ચૌધરીનો જન્મ રાધનપુર તાલુકાના વડનગર મુકામે 3 ડીસેમ્બર 1970ના ખેડુત પરિવારમાં થયો.માતાનુ નામ રત્ન બહેન ચૌધરી અને પિતાનુ નામ લગધીરભાઇ ચૌધરી.
🏹2. *અભ્યાસ* પ્રાથમિક શિક્ષણ વડનગર મુકામે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ રાધનપુર મુકામે. ત્યારબાદ તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં સહકારી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. શંકરભાઈ ચૌધરી બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ વિચારધારા સાથે જોડાયેલ વ્યક્તિ. સંધ વિચારધારા થકી બાળપણથી જ સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલ. અનેક રચનાત્મક કાર્યો થકી યુવાનવયે જ એક અલગ ઓળખ બનાવનાર સરહદી યુવા પુરુષ. ઈ. સ. 1997મા રાધનપુર વિધાનસભા ક્ષેત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે જેમને રાજકીય કારકિર્દીની શરુંઆત કરી એવો યુવા પુરુષ. એક સમયે જયારે શંકરસિંહ વાઘેલા જેવા ગુજરાતના નામચિન વ્યક્તિ સામે ચુટણી લડવા કોઈ ત્યાર જ નહોતું ત્યારે પોતાના રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવ્યું એવા પ્રતિભાશાળી વ્યક્તિ. શંકર ચૌધરી તે ચૂંટણીમાં તો હારી ગયા હતા પરંતુ ભાજપનું એક જાણીતું નામ બની ગયુ . 99 નો મેલેરિયાના રોગોમાં રાધનપુર સાંતલપુરમાં જોરદાર સેવા. એમનુ ખુદનુ મકાન પણ હોસ્પિટલમાં સોપી ખડે પગે રહી સેવા કરી
🏹 Rss ના સ્વયંસેવક, નગર કાર્યવાહની જવાબદારી, પ્રથમ વખત હાર પછી સળંગ 3 વખત રાધનપુર બેઠક પરથી વિજેતા. ત્યારબાદ વાવ વિધાનસભા માં જીત અને સરકારના રાજય કક્ષાના આરોગ્ય મંત્રી તરીકે ની જવાબદારી ખૂબજ કુનેહપૂર્વક નિભાવી.મંત્રી તરીકે જયારે હતા ત્યારે સિવિલ હોસ્પિટલમાં અધતન રીતે સુવિધાઓ પ્રાપ્ત થાય અને નાનામાં નાના માણસને સરળતાથી સેવાઓ મળે એમાટે હંમેશા હકારાત્મક દિશામાં કાર્યો કર્યા. 🎤 વર્ષ 2015 અને 2017 ના પુરગ્રસ્ત સમગ્ર બનાસકાંઠામાં સળંગ 15 દિવસ દિનરાત જોયા વગર સેવા કરીને બનાસકાંઠા જિલ્લાને ફરી ધબકતું કરવા ઉત્તમ પ્રયાસો કર્યા. 🏀 બનાસડેરીમાં પ્રથમ વખત ચૂટણી લડીને ચેરમેન તરીકે નિયુકત થયા અને ત્યારબાદ સળંગ સમરસ કરીને ચેરમેન તરીકે કાર્યરત છે.
બનાસડેરીને ભારતમાં એક નવી ઊચાઈએ લઈ જનાર દીર્ધદષ્ટા... બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજીવિકા આપનારી જીવાદોરી સમાન ડેરીનું નેતૃત્વ શંકરભાઈ ચૌધરીના શિરે આવ્યું. શંકરભાઈ ચૌધરી એટલે જે પણ ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં અનેક સિદ્ધ થકી એક નવો મુકામ હાસિલ કરવો એ એમની કાયમી ખેવના હોય. બનાસડેરીએ શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વમાં માત્ર જિલ્લા પુરતી સીમિત ન રહેતા જિલ્લા,રાજયના સીમાડાઓ ઓળંગીને સમગ્ર ભારતમાં અલગ અલગ જગ્યાએ નવો વિકલ્પ બનીને લોકોને આર્થિક આઝાદી આપવાનું કાર્ય કર્યું છે.માત્ર દુધ ઉત્પાદન પુરતું સિમિત ન રહેતા શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વમાં બનાસડેરીએ ગોબર ગેસ પ્લાન્ટ થકી કુદરતી ગેસનું નિર્માણ,મધ ઉત્પાદન,વિવિધ પ્રકારની બનાસડેરીની દુધની નવી વસ્તુઓનું ઉત્પાદન થકી લોકોને રોજગારી આપવા માટે ના ઉત્તમ કાર્યો ચાલુ કર્યા છે. પર્યાવરણક્ષેત્રે શંકરભાઈ ચૌધરીની નવીન પહેલ... બનાસકાંઠા જિલ્લાને હરિયાળો જિલ્લો બનાવવા માટે દર વર્ષે એક કરોડ વૃક્ષો વાવવા અને માવજત કરવાની ટેક લીધી. એમના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ બંજર ભુમિ પર વૃક્ષારોપણ કાર્યક્રમ થયા, વૃક્ષો થકી ગામે ગામ નાના મોટા વૃક્ષો થકી લીલોતરી મલકવા લાગી. આજે પણ આ કાર્ય ચાલુ સ્થિતિમા છે. 🏹 ગુજરાત રાજયમાં પ્રથમ એવી મેડીકલ કોલેજ જિલ્લાને મળી જે પશુપાલકો થકી હોય. બનાસ મેડીકલ કોલેજ કોરોના મહામારી સમયમાં બનાસની પ્રજાને એક અધતન સુવિધા આપી. બનાસકાંઠા જિલ્લાની પ્રજાને કોરોના મહામારી સમયમાં ખડેપગે રહીને સેવાઓ આપી. આનો બધોજ શ્રેય શંકરભાઈ ચૌધરીના શિરે જાય છે.
🏹 શિક્ષણસેવા, માનવસેવા અને સંસ્કૃતિસેવાને પોતાનો જીવનમંત્ર બનાવી આ વિસ્તારના વિકાસમાં સતત પોતાની મહેનતની ફોરમ ફેલાવીને આ પંથકના લોકોને બે પાદડે કરવા માટે સતત એક વિકાસ પરુષ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે શંકરભાઈ. આખો બનાસ પંથક વિકાસની પરાકાષ્ઠાએ લીલા મોલની જેમ લચી પડ્યો છે. એની ઉપજાઉ જમીનમાં નર્મદા મૈયાના પવિત્ર નીર રેલાઈ રહ્યા છે. નિરક્ષર સ્ત્રીઓ આજે આર્થિક આઝાદીનો અનુભવ કરે છે.લોકોના મોઢા ઉપર નવી ચમક આવી અને એક નવી ઊર્જાનો સંચાર થયો છે. આખો મલક બે પાંદડે થયો છે. ધૂળિયા મારગ બધા પાકા થઈ ગયા છે. ખોરડામાં નવા તેજ પૂરાયા છે. યુવાનોને સાચી દિશા મળતા પ્રગતિની પાંખો ફૂટી છે. વિકાસના કામોની કતાર લાગી છે. 🖋 દેશના કોઈપણ ખૂણે ચુટણીમાં એક સ્ટાર પ્રચારક તરીકે શંકરભાઈ ચૌધરીનું નામ હંમેશા અવ્વલ હોય જ. પક્ષના એક વફાદાર સૈનિક તરીકે હંમેશા આગવી ભુમિકા નિભાવે છે. સતત સંધર્ષ સાથે આખા પંથકના લોકોને આર્થિક આઝાદી અપાવનાર યુવા પુરુષ, બનાસ રત્ન, ઓજસ્વી વ્યકિતત્વ એ આપણા સૌના શંકરભાઈ ચૌધરીને વંદન. 🎤🎤🎤🎤લેખન:- વંશ_માલવી🖋🖋🖋 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા રવિવારે...) /b> આ લેખ આપને ગમે તો એના પ્રતિભાવો નીચે કોમેન્ટ બોકસમાં આપશો.

Tuesday, November 9, 2021

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ...ગુજરાતનું ગૌરવ

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ... કચ્છના અબડાસા તાલુકાનું સાંધો ગામ. પિતાની જન્મભૂમિ! જ્યાં પ્લેગ ફેલાયો હતો ત્યારે એક પરિવારના તેરમાંથી અગિયાર માણસોને પ્લેગ ભરખી ગયો. નાના બાળકને લઈને એક સ્ત્રી પહેરે લુગડે મુંબઈ ભાગી. તેની પરવરીશ કરી મુંબઈ વસતા કચ્છીઓએ. સ્ત્રીનું નામ તો ક્યાંથી લખાય? પણ પેલું બાળક મોટું થયું અને તે દીકરાનું નામ જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના વિદ્યાર્થી તરીકે નોંધાયું. એ સમય વીસમી સદીના શરૂના દોઢ બે દસકનો. સિરામિકના કોર્સ સૌ પહેલા શરુ થયેલા તેમાં પહેલો વિદ્યાર્થી સિદ્દીકભાઈ અબ્બાસભાઈ.
સિદ્દીકભાઈના પત્નીનું નામ હસીનાબેન. સૌ એને નાનીબેન કહે. આ દંપતીના પરિવારમાં ચાર સંતાનો. અમીનાબહેન, છોટુભાઈ, કરીમભાઈ અને શાહબુદ્દીન. આખું કુટુંબ પછી તો મુંબઈ છોડી થાન આવ્યું. થાનમાં ૧૯૧૩માં પોટરી શરુ થયેલી. ૧૯૩૪ સુધી સોહરાબ દલાલ નામના પારસી શેઠે પોટરી ચલાવી. પછી પરશુરામ શેઠે પોટરી લીધી. થાનગઢમાં બહાર બનેલું પહેલું મકાન "સિદ્દીક મંઝિલ" ત્યાં જીવન શરુ થયું. લેટ્રીન ઘરમાં હોય તેવો કોઈને ખ્યાલ જ નહિ. માંદા હોય તે જ ઘરમાં જાય. બાકી બધા તો તળાવે જ જાય. અહીંના બાળકો હાલતાં શીખે હારોહાર તરતા શીખે!! ગામમાં બે તળાવ. શાહબુદ્દીન માટે ખાવું, પીવું, ને લહેર કરવી એ બાળપણ. જીવનનો મોટો આનંદ એ તરવું. ઘટાટોપ રાણનું ઝાડ જે આજે પણ છે. ઘેઘુર બે પીપળા હતા. એમાંનો એક પીપળો ગયો ત્યારે આખા ગામે શોક પાળેલો!!! મિત્રો અનેક!! પરશુરામનગરમાં મિત્રો અને વર્ગના મિત્રો. સુરેશ, આનંદ, રમણીક ત્રિવેદી. દેશનો પહેલો કમ્પ્યુટર નિષ્ણાત સરેશ વિષ્ણુ દેવધર ને હાલ લોસ એન્જેલસમાં ઈજનેર છે તે રમણીક. તો નટુ, વનેચંદ, રતિલાલ, પ્રાણલાલ, જશવંત, સુલેમાન.... ભણવામાં બધા આગળ પાછળ પણ ધીંગામસ્તી ને મોજમજામાં ભેગા. શાહબુદ્દીન હોશિયાર નહિ, પણ નાપાસ ન થાય તેવો એવરેજ! ભણવા કરતા ભાઈબંધોને ભેગા થવાનું મહાતમ વધુ. ઓઝા સાહેબ ગણિતના દાખલ લખતા હોય ને તળાવ પરથી ઠંડો પવન આવતો હોય તો શાહબુદ્દીન ચડે ઝોલે, ને નસકોરા બોલે એવું ઊંઘે!! મહીપતરામ જોશી ડ્રોઈંગ ટીચર પણ ગુજરાતી વધુ સારું ભણાવતા! શાહબુદ્દીનને જીવનમાં વ્યથા કોને કહેવાય, મિત્રોથી જુદા પાડવાનું દુઃખ કોને કહેવાય એ ખબર પડી જ્યારે ભણવા માટે થાન છોડ્યું ત્યારે! દસ રૂપિયા ઉછીના ખિસ્સામાં લઇ વગર ટિકિટે ભાવનગર જવા રાતની કીર્તિ (એક્સપ્રેસ)માં બેઠા ત્યારે મિત્રોની યાદે આંખ ભીની કરાવેલી. લોજમાં ત્રીસ રૂપિયામાં બે ટાઈમનું જમવાનું માસિક બિલ ને ભાઈનું બજેટ બધું થઈને મહિનાનું ૨૦ રૂપિયા!! લાંઘણ ખેંચ્યા!! આવી જ તંગી એફ. વાય. ની ફી ભરતી વખતે! ભાઈબંધોએ ભેગા થઈને પરશુરામનગરના ઘરના બારીબારણાં રંગાવાનું કામ લીધું, સાંજ પડે સૌ થાકીને લોથ, કેટલાક તો રોઈ પડતા !! રૂપિયા ૧૩૫ મળ્યા તેમાંથી એફ. વાય.ની ફી ભરીને ચોપડા ખરીદ્યા. થાનમાં તો કોઈ થોડું ભણે ને લાગે નોકરીએ પરશુરામ પોટરીમાં. શાહબુદ્દીન પણ આમ કરી શકત પણ એક ગાંઠ વાળેલી કે પોટરીમાં નોકરી નહિ કરું! કારણ બહુ સ્પર્શી જાય એવું હતું. પિતાજીએ એકવાર નોકરી છોડ્યા બાદ ફરી અરજી કરી ત્યારે એમને પોટરીએ નોકરી ન આપી, એટલે શાહબુદ્દીને મનમાં ગાંઠ વળી કે મારે આ પોટરીમાં તો ન જ જોડાવું. જીવનનો આ વળાંક આજે સફળતાનાં શિખર સુધી લઇ ગયો છે. એફ. વાય. પછી ચોટીલા થી ૬ ગામ દૂર કાબરણ નામનું ગામ. ત્યાં સિત્તેર રૂપિયા પગારથી પ્રાથમિક શિક્ષક થયા. થોડી બચત થઈ એટલે નોકરી છોડી દીધી. બચતમાંથી ઇન્ટરના પુસ્તકો ખરીદ્યા અને ઇન્ટર પાસ કર્યું. આખરે ૦૧-૦૨-૧૯૫૮ના રોજ જ્યાંથી ભણ્યા હતા એજ શાળામાં શિક્ષક થયા. નિમણૂંકપત્ર આપતા બી.ટી.રાણા સાહેબે કહેલું કે, "તારા પિતાએ મને નોકરી આપી હતી, ને હું તને નોકરી આપું છું." (પિતાના અવસાન બાદ આવી ખેલદિલી કોણ બતાવે છે?? આજના કળિયુગમાં એ જેના પર વીતી હશે એ ચોક્કસ સમજી શકશે!!) પછી તો ઈતિહાસ અને પોલિટિક્સમાં બી.એ. કર્યું. પ્રાધ્યાપક ઉપેન્દ્ર પંડ્યા અને મનસુખલાલ ઝવેરીના અવાજ હજુ કાનમાં ગુંજે છે. શિક્ષક તરીકે એટલું જ આવડે કે તન્મય થઈને ભણાવવાનું, મેથડની કંઈ ખબર ના પડે. એવું રસપ્રદ ભણાવે કે પિરિયડ ક્યાં પૂરો થાય તેની ખબર ન વિદ્યાર્થીને થવી જોઈએ કે ન આપણને. જે વિષય આપે તે બધા જ ભણાવવાના. ગણિત અને ચિત્ર પણ ! છોકરાંવની સાથે જ ચિત્રની એલિમેન્ટરી અને ઈન્ટરમિડિયેટની પરીક્ષા ય પાસ કરી. તે સમયમાં લીમડીમાં બે શિક્ષકો સ્પેશિયલ કેસમાં આચાર્ય થયા. એક મહિપતસિંહ ઝાલા, અને બીજા શાહબુદ્દીન રાઠોડ!! બી.એડ તો કર્યું છેક ૧૯૬૯માં રાજકોટની પી.ડી. માલવિયા કોલેજમાંથી. ત્યાં એચ. વી. શાહ સાહેબ કહેતા, "શિક્ષક મેથડને અનુસરતા નથી, મેથડ શિક્ષકને અનુસરે છે." ડો. મનુભાઈ ત્રિવેદી કહેતા, "અંગ્રેજીમાં પાઠ તરીકે નાટક કોઈ લેતું નથી." શાહબુદ્દીનભાઈએ અંગ્રેજીમાં એકાંકી લખ્યું અને ભજવ્યું પણ ખરું. એ જ વર્ષમાં "શિક્ષકનું સર્જન" અને "ઈન્સાનિયત" પણ લખ્યા. સ્ટેજ સાથે નાતો ઘણો જૂનો, નાનપણમાં "બાપુનો ડાયરો" અને ૧૯૫૬માં પ્રેમશંકર યાજ્ઞિકનું નાટક "રખેવાળ" ભજવેલું. પરશુરામનગરમાં મોટું સ્ટેજ હતું. બાસઠ વર્ષ ત્યાં ગણેશ ઉત્સવ ઉજવાયો. થાન-મોરબી-વાંકાનેરમાં કાર્યક્રમો થાય. ૧૯૫૭માં "સૈનિક" ભજવ્યું. તેમાં વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર સુલેમાન પટેલે ડાન્સ ડિરેક્ટર તરીકે કામ કર્યું. સ્ત્રી પાત્ર વગરના નાટકો લખ્યા અને ભજવ્યા. "વનેચંદ ભણતો ત્યારે કંઈ યાદ ન રહે પણ નાટકમાં મારા ડાયલોગ કડકડાટ મોઢે રાખે!!" -- શાહબુદ્દીનભાઈ જીવનની રુડી વાતો આ રીતે વાગોળે છે. તેર વર્ષ શિક્ષક અને પચ્ચીસ વર્ષ આચાર્ય તરીકે ભરપૂર જીવી જાણનાર શાહબુદ્દીન રાઠોડ જીવનનું પરમ સત્ય કહે છે: "જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, એમને શું છે જગત, તેની ખબર હોતી નથી." સીક્સ્થમાં પાસ હોય તેને દસ રૂપિયાની સ્કોલરશીપ મળતી. આ સહાયનો ચાલીસ રૂપિયાનો મનીઓર્ડર આવ્યો ત્યારે એસ.એસ.સી.નું ફોર્મ ભરી શકનાર આ કરુણાનો માણસ આજે પણ કેટલાય વિદ્યાર્થીઓની ફી ભરે છે. પોતાની શાળાનો વિદ્યાર્થી વૉલીબૉલના ખેલાડી તરીકે એક ટુર્નામેન્ટમાં બહાર રમવા ગયો હતો. ને અચાનક એને લોહીની ઉલ્ટીઓ થવી શરુ થઇ ગઈ. આયોજકો મૂંઝવણમાં હતા અને એના પિતાજીને અને ઘરવાળાઓને જાણ કરવાનું વિચાર કરતા હતા. ત્યાં પેલો છોકરો બોલ્યો, "મારા આચાર્ય શ્રી શાહબુદ્દીન રાઠોડને જાણ કરો એ બધું જ ગોઠવી લેશે!!" શિક્ષક્ત્વની આ ઊંચાઈ છે!! થાનમાં ચોપન વર્ષ નવરાત્રી મહોત્સવનું સઘળું આયોજન કર્યું. સાહિત્ય-શિક્ષણ-સમાજના ધુરંધરો આવ્યા. એક કલાક રામચરિતમાનસ અને પછી ગરબાની રમઝટ. શાહબુદ્દીનભાઈનું નામ પડે ને હોઠ મલકે! "વનેચંદનો વરઘોડો" સાંભરે જ, "નટુ અને વિઠ્ઠલ" નજર સામે તરે. આ એમની શ્રોતા વર્ગ સાથેની સીધી જ કનેક્ટિવિટીની ઉપલબ્ધી અથવા તો બ્રાન્ડ્સ છે!! ૧૯-૧૧-૧૯૬૯માં લીમડીમાં પહેલવહેલો કાર્યક્રમ, ને પછી બાવીસથી વધુ દેશમાં એમણે કાર્યક્રમો આપ્યા, ૧૯૮૦માં એન્ટવર્પથી વિદેશયાત્રા આરંભી. હજુય થોડી નાદુરસ્ત તબિયત હોવા છતાં એ યાત્રા અવિરત છે. પોતે પસંદગી કરીને વસાવેલા ૧૦,૦૦૦ થી પણ વધુ પુસ્તકો પોતાની સ્કૂલ લાયબ્રેરીમાં છે. પુસ્તકોને પુંઠા ચઢાવતા ને ગોઠવતા એમાંથી વાંચનની ટેવ પડી છે, જેણે જીવનને ઊંડાણ બક્ષ્યું. ચિંતન-મર્મ-અધ્યાત્મથી ભરપૂર હાસ્ય. શાહબુદ્દીનભાઈ ગર્વથી કહી શકે છે, "શિક્ષણથી મેં હાસ્યને ગંભીર બનાવ્યું અને હાસ્યથી મેં શિક્ષણને હળવું બનાવ્યું છે. મારા માટે હાસ્ય જીવનનું સાધ્ય છે અને તેથી સ્વમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જવું પણ કક્ષાથી નીચે ન ઉતરવું -- એ સિદ્ધાંત મેં પાળ્યો છે." સાંસ્કૃતિક વાતો એમની શૈલીનું મુખ્ય આકર્ષણ બની રહી છે અને સંસ્કૃતિનો અવિરત પ્રવાહ એમની શૈલીમાંથી નીતરતો રહ્યો છે. એમના કોઈ પણ કાર્યક્રમમાં નાના ભૂલકાઓ પણ જેવું શાહબુદ્દીનભાઈ બોલવાનું શરુ કરે એટલે સ્વયંભૂ ટપોટપ બેસીને શાંતિ અને શિસ્તથી ધ્યાનસ્થ થઇ સાંભળે! આ એમની ધ્યાનાકર્ષક વાણીછટા રહી છે. ૧૯૭૧માં મુંબઈના બિરલા માતુશ્રી સભાગૃહમાં લોકડાયરો હતો, પ્રેક્ષકોમાં કલ્યાણજીભાઈ, સી. ટી. ચૂડગર, સવિતાદીદી અને બાબુલાલ મેઘજી શાહ જેવા માણસો તથા સ્ટેજ ઉપર લાખાભાઈ ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દીવાળીબેન ભીલ, નાનજીભાઈ મીસ્ત્રી અને હાજી રમકડુ જેવા કલાકારો સાથે શાહબુદ્દીન રાઠોડ પણ હતા, અગત્યની વાત એ હતી કે શાહબુદ્દીન રાઠોડનાં ભાવિ સસરા પોતાની પુત્રી સાથે મુરતિયાને જોવા તથા સાંભળવા માટે ઓડીયન્સમાં બેઠા હતા, આવા માહોલમાં શાહબુદ્દીન રાઠોડને મુંબઈમાં પોતાનો પ્રથમ કાર્યક્રમ આપવાનો હતો!! કલાકારનાં મનમાં ખુબ મથામણ હતી કે સૌરાષ્ટ્રમાં તો છેલ્લા બે વરસથી લોકો સાંભળે છે પણ મુંબઈમાં મારી દેશી ભાષા અને ગામઠી વાતો ચાલશે કે નહી ? ત્યાં નામ જાહેર થયુ ને ‘વનેચંદનો વરઘોડો’ શરૂ થયો, લોકો ઉલળી-ઉલળીને હસવા લાગ્યા, પ્રેક્ષકોમાં એક યુવાન તો એટલો બધો ખુશ થાય કે ઉભો થઈને તાલીઓ વગાડી દાદ આપે, આ યુવાનનું નામ રમેશ મહેતા, આ શાહબુદ્દીન રાઠોડ અને રમેશ મહેતાની પ્રથમ મુલાકાત. ૧૯૭૧નાં આ કાર્યક્રમથી શાહબુદ્દીન રાઠોડને સાબીરાબેન જેવી પત્ની મળી, રમેશ મહેતા જેવો મિત્ર મળ્યો અને જગતને શાહબુદ્દીન રાઠોડ જેવો કલાકાર મળ્યો. શાહબુદ્દીનભાઈ ફેલ્ટ/હેટ પહેરવાના શોખીન છે, હસતા હસતા કહે, "એમાં બે લાભ છે, વટ તો પડે જ પણ મોટી થતી ટાલ સંતાડી પણ શકાય!" માત્ર પેન્સિલથી, એક માત્ર રંગથી, એક્રેલીકથી, સુંદર ચિત્રો દોરવા તે તેમનો અંગત શોખ છે. જીવનની સુંદર ક્ષણોની અભિવ્યક્તિ એ ચિત્ર છે. તેથી નિજી મૂડમાં હું પીંછી પકડું છું. અને છેલ્લે, સંસ્કૃતિનો પરિચય આપતું વ્યક્તિત્વ: "શાળામાંથી નિવૃત્તિ સમયે વસવસો રહેતો હતો કે ડોનેશન ભેગું કરી મારા થાનમાં ગર્લ્સ હાઈસ્કૂલનું મકાન તો બનાવી શક્યો, પણ બે વર્ગોમાં દીકરીઓ માટે નવી બેન્ચ ન અપાવી શક્યો!!" હળવદના સોનલ રાવલ દુબઈ છે, એમનો ફોન આવ્યો કે કાર્યક્રમ આપવા આવો તો કહેવાઈ ગયું કે "બાવન હજાર ડોનેશન આપો તો આવું!!" દુબઈથી આવી સ્કૂલે બે ખટારામાં નવી બેન્ચ મોકલી ત્યારે આઠમા ધોરણની દીકરીયું હર્ષોલ્લાસ કરતી ખટારામાં ચડી જે હોંશથી બેન્ચ ઉતારવા લડી કે ના પૂછો વાત. જીવનમાં એટલો સંતોષ ક્યારેય નથી મળ્યો અને હવે જોતો ય નથી." આટલું બોલ્યા પછી એ દિવસે શાહબુદ્દીન રાઠોડ વધુ કંઈ ન બોલી શકયા. અને મારી કલમ પણ હવે વધુ કંઈ એમના વિષે લખી નહિ શકે...!! એ પણ એની હદ જાણે જ છે અને આવી મહાન હસ્તી સામે શાંતિથી મારા ખિસ્સામાં સરી જાય એમાંજ એની ભલાઈ છે! (પુસ્તક:"મુઠ્ઠી ઉંચેરા ૧૦૦ માનવરત્નો") લેખકઃ ડૉ. કાર્તિક શાહ સંકલિત. https://www.mavjibhai.com/gadya/156_padmashri.htm 🍁

ઉઘાડા પગે પારંપરિક વસ્ત્રોમાં પદ્મશ્રી લેવા પહોંચનાર વૃદ્ધ મહિલા કોણ છે? 🎖🎖🎖🎖🎖

ઉઘાડા પગે પારંપરિક વસ્ત્રોમાં પદ્મશ્રી લેવા પહોંચી વૃદ્ધ મહિલા, તાળીઓથી ગૂંજી ઉઠ્યો હૉલ કર્ણાટકનાં આદિવાસી મહિલા તુલસી ગૌડા ક્યારેય સ્કૂલમાં નથી ગયા પરંતુ 70થી વધુ ઉંમરે આખું જંગલ ઊભું કર્યું, છ દાયકાથી પર્યાવરણ સેવા કરતાં 30 હજાર રોપા વાવ્યાં.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં સમ્માનિત કરવામાં આવેલ કર્ણાટકના 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડાનુ નામ હવે દુનિયા આદરથી લઈ રહી છે. તેમને પર્યાવરણની સુરક્ષામાં તેમના યોગદાન માટે સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ચંપલ વિના ઉઘાડા પગે ચાલતા અને જંગલ વિશેની તમામ માહિતી રાખતા તુલસી ગૌડા હજારો છોડ વાવી ચૂક્યા છે. પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરાવા પર ઘણા લોકો તેમના વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે. તો આવો જાણીએ કોણ છે એ સ્ત્રી તુલસી ગૌડા...
કર્ણાટકના ગરીબ પરિવારમાં જન્મ્યા તુલસી ગૌડા . તે પારંપરિક પોષાક પહેરે છે. તેમનો પરિવાર એટલો ગરીબ છે કે તે ભણી શક્યા નહિ. તેમના માટે જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ હોય છે. તેમણે ક્યારેય ઔપચારિક શિક્ષણ મેળવ્યુ નથી પરંતુ આજે તેમને એનસાઈકિલોપીડિયા ઑફ ફૉરેસ્ટ (વનના વિશ્વકોષ) તરીકે ઓળખવામાં આવે છે. છોડ-વૃક્ષો અને જડીબુટીઓની વિવિધ પ્રજાતિઓના તેમના વિસ્તૃત જ્ઞાનના કારણે તેમને આ નામ આપવામાં આવ્યુ છે.
72 વર્ષની ઉંમરે પણ કામ અવિરત ચાલુ આંધ્ર પ્રદેશના ભાજપ પ્રમુખ વિષ્ણુ વર્ધન રેડ્ડીએ કહ્યુ કે આજે 72 વર્ષની ઉંમરે પણ તુલસી ગૌડાએ પર્યાવરણ સંરક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવા માટે છોડનુ પોષણ કરવાનુ અને યુવા પેઢી સાથે પોતાના વિશાળ જ્ઞાનને શેર કરવાનુ ચાલુ રાખ્યુ છે. તેમણે કહ્યુ કે તુલસી ગૌડા એક ગરીબ અને સુવિધાઓથી વંચિત પરિવારમાં મોટા થયા તેમછતાં તેમણે આપણા જંગલનુ પાલન-પોષણ કર્યુ છે.
વિષ્ણુ વર્ધન રેડ્ડીએ ટ્વિટ કરીને કહ્યુ કે તેઓ એક આદિવાસી પર્યાવરણવિદ છે જેમણે 30,000થી વધુ છોડ વાવ્યા છે અને છેલ્લા છ દશકથી પર્યાવરણ સંરક્ષણ કાર્યોમાં શામેલ છે. વળી, રાષ્ટ્રપતિ ભવન તરફથી પણ જણાવવામાં આવ્યુ કે તુલસી ગૌડાને તેમના સામાજિક કાર્યો અને પર્યાવરણ પ્રત્યે તેમના યોગદાન માટે પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

પદ્મશ્રી પુરસ્કાર અને ગુજરાતીઓનું યોગદાન... 🏅🏅🏅🏅🏅🏅🏅

પદ્મશ્રી પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો એક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાનના માટે એનાયત કરવામાં આવે છે,જેમકે કલા, શિક્ષણ, ઉધોગ, સાહિત્ય, વિજ્ઞાન, ખેલકુદ, સમાજ સેવા વગેરે.
આ વર્ષે અપાયેલ પુરસ્કારમાં કયા કયા ગુજરાતીને અપાયો વિશેષ પુરસ્કાર...
વર્ષ 2021ના પદ્મ એવોર્ડમા... જેમાં ગુજરાત માટે મોટી વાત એ છે કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ 5 ગુજરાતી હસ્તીઓને પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ જ્યારે મહેશ-નરેશનું કનોડિયા બંધુ બેલડી (મરણોત્તર) દાદુદાન ગઢવી, ડો. ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસ (મરણોત્તર)ને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે. દેશમાં વિશેષ યોગદાન આપનાર નાગરિકોને 3 શ્રેણીઓ પદ્મ વિભૂષણ (PadmaVibhushan), પદ્મ ભૂષણ (Padma Bhushan) અને પદ્મ શ્રી (Padma Shri)થી સન્માનિત કરવામાં આવે છે.🎤🎤🎤🎤🎤🎤🎤🎤
આ સિવાય તમામ ગુજરાતીની યાદી આ મુજબ છે...🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻

Thursday, November 4, 2021

જ્ઞાનદીપ પ્રગટાવીને દિલની દિવાળી કરીએ!!

અંતરમન નાં ટોડલે આવો એક જ્ઞાનદીપ પ્રગટાવીને દિલની દિવાળી કરીએ! ઓજસ જે આતમ તણું તેને આવો સજાવીએ ને નિરાશા હટાવી દિલની દિવાળી કરીએ ! અહંકાર નાં તમસ ને આતમ નાં તેજ થી હટાવી અસ્મિતાના દીપે દિલની દિવાળી કરીએ! રાગ,દ્વેષ, વૈમનસ્ય ને તિરસ્કાર તણાં જાળાં નિસ્વાર્થ પ્રેમે હટાવી દિલની દિવાળી કરીએ! વિસ્મરી જઈએ ભૂલો ને સ્મરી લઈએ કરેલો પ્રેમ, ઉપકાર,!કૃતજ્ઞતા ભરેલા દિલની દિવાળી કરીએ! આવો ને સાથે મળી ગાઈએ વસંત ગીત પ્રભુપ્રેમ નું ને ખીલેલા હૈયે દિલની દિવાળી કરીએ ! લક્ષ્મણ કાપડીયા 15/11/2020.